Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિ.માં સિઝેરિયનથી ડિલિવરીનું પ્રમાણ વધારે થયું

પ્રતિકાત્મક

નવી દિલ્હી: નોર્મલ ડિલિવરી હવે ખાનગી હોસ્પિટલોમાં નોર્મલ રહી નથી. ૧૮માંથી ૧૦ રાજ્યોમાં (જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ સહિત) જેના માટે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૯-૨૦નો ડેટા જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ખાનગી સુવિધામાં મોટાભાગની ડિલિવરી સી-સેક્શનથી થઈ હોવાનું સામે આવ્યું છે.

ડેટા દર્શાવે છે કે, અગાઉના સર્વે અને આ સર્વે વચ્ચેના ચાર વર્ષના સમયગાળામાં મોટાભાગના દરેક રાજ્યોમાં સ્થિતિ વણસી છે. પશ્ચિમ બંગાળ અને જમ્મુમાં ખાનગી ક્ષેત્રમાં સી-સેક્શનનો દર અનુક્રમે ૮૩% અને ૮૨% ટકા હોવા છતાં, બંને રાજ્યોમાં સી-સેક્શનનો એકંદર હિસ્સો ૩૨.૬% અને ૪૧.૭% હતો,

કારણ કે મોટાભાગની ડિલિવરી જાહેર સુવિધામાં થઈ હતી જ્યાં દર ઘણા ઓછા હતા. તેલંગાણામાં એકંદરે સી-સેક્શનનો દર ૬૦% થી વધુ હતો, જેનાથી રાજ્યમાં ડિલિવરી માટે સી-સેક્શન ન્યૂ નોર્મલ થઈ ગયું છે. તેલંગાણામાં લગભગ મોટાભાગની ડિલિવરી ખાનગી ક્ષેત્રમાં થઈ છે, જ્યાં સી-સેક્શનનો દર ૮૧.૫% હતો. રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં પણ સી-સેક્શનનો દર સૌથી વધુ (૪૫%) હતો. કેટલાક રાજ્યોને બાદ કરતાં, વર્ષ ૨૦૧૫-૧૬માં થયેલા છેલ્લા સર્વે બાદથી ખાનગી અને જાહેર બંને સુવિધાઓમાં સી-સેક્શનથી ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે.

સૌથી મોટો ઉછાળો આસામની ખાનગી સુવિધાઓમાં હતો, જ્યાં સી-સેક્શનનો દર ૫૩%થી વધીને ૭૧% થયો હતો. ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સૌથી ઓછા સિઝેરિયનનો દર ૩૧% છે. જાહેર સુવિધાઓમાં ખાનગી સુવિધાઓની સરખામણીમાં સિઝેરિયન સેક્શનના દર હંમેશા ઓછા હોય છે.

પરંતુ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલય સિવાય તમામ રાજ્યોમાં જાહેર ક્ષેત્રમાં પણ દરો વધ્યા છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધ ઈન્ટરનેશનલ હેલ્થકેર કોમ્યુનિટીએ વર્ષ ૧૯૮૫થી ૧૦થી ૧૫ ટકા સિઝેરિયન દરને આદર્શ માન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.