બ્રિટિશ પીએમ જોનસને નિમંત્રણ સ્વીકાર્યુ, રિપબ્લિક ડે પરેડમાં હશે મુખ્ય અતિથિ
યુ. કે, બ્રિટનના પીએમ બોરિસ જોનસને ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનુ નિમંત્રણ સ્વીકારી લીધુ છે.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રિટનના વિદેશ સચિવ ડોમિનિક રોક વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.જેમાં બ્રિટનના વિદેશ સચિવે કહ્યુ હતુ કે, વડાપ્રધાન જોનસને ભારતનુ નિમંત્રણ સ્વીકારી લીધુ છે.સાથે સાથે બોરિસ જોનસને પીએમ મોદીને બ્રિટનમાં આગામી વર્ષે યોજનારી જી સેવન સમિટ માટે આમંત્રણ આપ્યુ છે.
ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ હતુ કે, બોરિસ જોનસન ભારતની પરેડમાં ભાગ લેવા માટે આવશે અને તે ભારત અને બ્રિટનના સબંધોમાં એક નવા યુગની શરુઆત હશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અટકળો થઈ હતી કે, ભારતે બોરિસ જોનસનને પરેડમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ છે.જો કે તે વખતે બંને દેશોએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી.તે સમયે બ્રિટિશ હાઈકમિશને કહ્યુ હતુ કે, પીએમ બોરિસ જોનસન વહેલી તકે ભારતનો પ્રવાસ કરવા માંગે છે.
જોકે તે સમયે એવુ પણ કહેવાયુ હતુ કે, પીએમ મોદી અને પીએમ જોનસન વચ્ચે ટેલિફોનિક વાત થઈ છે અને તેમાં પીએમ મોદીએ પીએમ જોનસનને ભારત આવવાનુ નિમંત્રણ આપ્યુ છે. છેલ્લે 1993માં બ્રિટિશ પીએમ જોન મેજર રિપબ્લિક ડેમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.