૨૦ ટકા છોકરી ૧૮ વર્ષની થાય તે પહેલા પરણી જાય છે
અમદાવાદ, ગુજરાતમાં દર પાંચમાંથી એક છોકરીના લગ્ન ૧૮ વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. જ્યારે છોકરીઓના લગ્ન માટેની કાયદાકીય ઉંમર ૧૮ વર્ષ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓમાં આ વાત જાણવા મળી છે. ઉપરાંત, સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે ૨૦થી ૨૪ વર્ષની ૨૧.૮% છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની ઉંમર પહેલા થઈ ગયા હતા. રવિવારના દિવસે એનએફએચએસ-૫ (૨૦૧૯-૨૦) સર્વે જાહેર કરાયો હતો. આ સર્વે દરમિયાન ૧૫થી ૧૯ વર્ષની પરિણીત છોકરીઓ પૈકી ૫.૨% છોકરીઓ માતા બની ગઈ હતી અથવા તો પ્રેગ્નેન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો ૬.૭% જ્યારે શહેરી વિસ્તારોમાં ૨.૬% જાણવા મળે છે. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું કે ગુજરાતમાં ૨૭.૭% પુરુષો એવા છે કે જેઓના લગ્ન ૨૧ વર્ષની ઉંમર પહેલા થઈ ગયા જ્યારે તેઓના લગ્નની કાયદાકીય ઉંમર ૨૧ વર્ષ છે.
આ સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે કાયદાકીય કરતા ઓછી ઉંમરે લગ્નનું સૌથી વધુ પ્રમાણ ગ્રામીણ વિસ્તારોમાં જાેવા મળે છે. જ્યાં ૨૬.૯% છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની ઉંમર પહેલા થયા જ્યારે ૩૩.૯% છોકરાઓના લગ્ન ૨૧ વર્ષની ઉંમર પહેલા થયા હોવાનું જાણવા મળે છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન અભયમ ૧૮૧ હેલ્પલાઈન પર ગુજરાતમાં કાયદાકીય કરતા ઓછી ઉંમરના લગ્ન સંબંધિત ફરિયાદના ફોનકોલમાં ૯૦%નો વધારો થયો. કેટલાંક સમૂહલગ્નમાં આ પ્રકારના કાયદાકીય કરતા ઓછી ઉંમરના લગ્ન વિશે જાણવા મળતા તે બંધ કરાયા હતા.
જ્યારે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની આ વિશે વાત કરતા જણાવે છે કે બાળલગ્નનો મુદ્દે ક્યારેય પણ ગંભીરતાથી લેવામાં આવ્યો નથી અને તેને સામાજિક મુદ્દા તરીકે પણ ધ્યાનમાં લેવાયો નથી. ઉત્તરગુજરાત, ખેડા અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં બાળલગ્ન પ્રચલિત છે. ઘણાં માતા-પિતાને એવો ડર સતાવતો હોય છે કે જાે તેઓ પોતાની દીકરીના લગ્નમાં મોડું કરશે તો તેઓને સમાજમાં કદાચ લગ્ન માટેનો છોકરો નહીં મળે. મહિલા અને બાળવિકાસ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે મહિલા અને બાળવિકાસ વિભાગે એવી ઘણી યોજનાઓ શરૂ કરી છે કે જેમાં છોકરીઓ અભ્યાસ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. કાયદાકીય ઉંમર કરતા વહેલા થઈ રહેલા લગ્નને રોકવા અને છોકરીઓના જન્મદરમાં વધારો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.SSS