પીએમ મોદી ધારે તો પાંચ મિનિટમાં ખેડૂત આંદોલન પૂરુ કરી શકે છેઃ શિવસેના
મુંબઈ, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 21 દિવસથી આંદોલન કરી રહ્યા છે.સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ વાટાઘાટો અત્યાર સુધી નિષ્ફળ ગઈ છે અને કોઈ ઉકેલ સામે આવ્યો નથી.
આ સ્થિતિમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનુ કહેવુ છે કે, પીએમ મોદી હસ્તક્ષેપ કરે તો ખેડૂત આંદોલન પાંચ જ મિનિટમાં પૂરી થઈ જશે.સરકાર જો ઈચ્છે તો ખેડૂતો સાથે બેસીને અડધો કલાકમાં મામલાનો ઉકેલ લાવી શકે છે. પીએમ મોદી જો પોતે હસ્તક્ષેપ કરે તો આંદોલનને પાંચ જ મિનિટમાં ખતમ કરી શકાય તેમ છે. મોદી એટલા મોટા નેતા છે કે, તેમની વાત તમામ લોકો માનશે પણ હવે પીએમ પોતે શું ઈચ્છે છે તે તો તમે (મીડિયા) વાત કરો તો ખબર પડે, જોઈએ હવે કયો ચમત્કાર થશે
બંગાળ ચૂંટણી પર તેમણે કહ્યુ હતુ કે, મમતા બેનરજી બહુ અનુભવી નેતા છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી જો ચૂંટણી લડે તો વોટના ભાગલા પડવા નિશ્ચત છે ત્યારે મનમાં આશંકા થવી સ્વાભાવિક છે કે, ઓવૈસીની પાર્ટીનો એજન્ડા શું છે પણ મને લાગે છે કે, કશું પણ થાય બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી જ ચૂંટણીમાં જીત મેળવશે.