કેન્દ્ર સરકારે બીજેપી સાંસદ સની દેઓલને આપી Y કેટેગરીની સુરક્ષા
ગુરદાસપુર, અભિનેતા કમ ભાજપ સાંસદ સની દેઓલને કેન્દ્ર સરકારે વાય કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે 11 જવાનો અને બે પીએસઓ એમની સાથે રહેશે. સની પંજાબના ગુરદાસપુર સંસદીય વિસ્તારના સાંસદ છે. હાલ આંદોસલન કરી રહેલા ખેડૂતોએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને ઘેરાવ કરવાની ધમકી આપી છે એટલે સનીને સુરક્ષા અપાઇ હતી.
ગુરદાસપુર ભારત અને પાકિસ્તાનની સરહદ પરનો વિસ્તાર છે એટલે સની પર હુમલાનું જોખમ રહે છે એવી દલીલ કરવામાં આવી હતી. સની અવારનવાર પોતાના મતવિસ્તારની મુલાકાત લેતા રહે છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં હાલ ભાજપ વિરોધી વાતાવરણ હોવાનું મનાય છે એટલે સનીને આ સુરક્ષા આપવામાં આવી હતી.
પંજાબમાં કૃષિ કાયદાઓનો ઘણો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સની દેઓલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનોએ ભાજપના નેતાઓ અને મંત્રીઓની ઘેરાબંધી અંગે પણ વાત કરી છે. ભાજપને પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.