કોંગ્રેસે પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ૩ સભ્યોની પેનલ બનાવી
અમદાવાદ, ગુજરાતમાં તાજેતરમાં આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવને લઈને હાઈકમાન્ડ નારાજ હતી અને આ હાર માટે પ્રભારી રાજીવ સાતવ પાસે રિપોર્ટ મંગાવ્યો હતો. સૂત્રોના મતે રાજીવ સાતવે તેનો રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલી દીધો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ મોટા ફેરફારનો ગંજીપો ચીપાવાની પ્રબળ શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું.
પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી માટે ત્રણ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે. કોંગ્રેસના આંતરિક વર્તુળોના મતે પ્રદેશ પ્રમુખ પદ માટે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામમાંથી કોઈ એક નામની પસંદગી કરવામાં આવી શકે છે. સ્થાનિક સ્વારજની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના બે મોટા નેતાઓના રાજીનામાથી આંતરિક ડખો બહાર આવ્યો છે. કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે તાલમેલ અને સંકલનનો અભાવ હોવાથી ચૂંટણીમાં સારો દેખાવ નથી થઈ શકતો તેવું કોંગ્રેસના જ નેતાઓનું માનવું છે.SSS