શહેરની યુવતીનાં ફોટા મોર્ફ કરી તેને ગર્લ ફ્રેન્ડ બનાવવા બ્લેકમેલ કરતો શખ્સ ઝડપાયો
યુવતીએ ફ્રેન્ડ રીક્વેસ્ટ નકારતાં અન્ય યુવતીની નકલી પ્રોફાઈલ બનાવી મિત્રતા કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, સોશીયલ મિડીયાનો ઉપયોગ કરીને પોતાની માહીતી અપલોડ કરતાં નાગરીકો ખાસ કરીને મહીલાઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવસારી જીલ્લાના યુવકે ફેસબુક પર એક યુવતીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી જાેકે યુવતીએ કોઈ ભાવ ન આપતા તેણે યુવતીના ફોટા ડાઉનલોડ કરી મોર્ફ કરીને પોતાની ગર્લ ફ્રેન્ડ બનાવવા માટે બ્લેકમેલ કરી હતી. જાેકે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે શખ્સને ઝડપી લીધો છે.
આ ઘટનાની વિગત એવી છે કે નેહા (કાલ્પનિક નામ) અમદાવાદમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અજાણ્યા શખ્સે નેહાને તેના મોર્ફ કરીને નગ્ન બનાવેલા ફોટા ફેસબુક મેસેન્જરમાં મોકલ્યા હતા. બાદમાં આ ફોટા દ્વારા પોતાની ગર્લ ફ્રેન્ડ બનવા માટે બ્લેકમેલ કરી હતી. જાેકે પ્રથમ ગભરાઈ ગયેલી નેહાએ બાદમાં સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાંધીને તમામ વિગતો આપી હતી જેના આધારે સાયબર ક્રાઈમની એક ટીમે સઘન તપાસ કરતાં ફોટા મોકલનાર શખ્સ નવસારીનો હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે પોલીસે પ્રશાંત ભોયા નામના ર૦ વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો તથા તેની સઘન પુછપરછ કરતાં પ્રશાંતે નેહાને ફેસબુક ફ્રેન્ડની રીકવેસ્ટ મોકલી દોસ્તી કરવા પ્રયત્નો કર્યા હતા.
જાેકે નેહાએ કોઈ ભાવ ન આપતાં તેણે અન્ય યુવતીના નામની ફેક પ્રોફાઈલ બનાવી તેની સાથે મિત્રતા કરી હતી. બાદમાં નેહાના ફોટા પોર્ન ગ્રાફીક સાઈટ પરથી મેળવેલા ફોટા સાથે મોર્ફ કરીને તેને મોકલીને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.