વસ્ત્રાપુરમાં પોંઝી સ્કીમ ચલાવતી કંપની પર ક્રાઈમબ્રાંચનો દરોડો
(પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાપુરમાં આવેલા એક કોમ્પલેક્ષમાં પોંઝી સ્કીમ ચલાવી નાગરીકોને દરરોજ ૧ ટકાનું વળતર આપવાનો વાયદો કરીને લાખો રૂપિયા ઉઘરાવનાર કંપની વિરુધ્ધ શહેર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ પણ સ્કીમમાં રૂપિયા રોકયા હતા જાેકે એ કંપની ઉઠી જશે તેવા ભયથી પોતાના રૂપિયા પરત માંગતા કંપનીએ પરત કરવામાં ઠાગાઠૈયા કર્યા હતા.
ઉપરાંત રાજય બહારના કેટલાંક નાગરીકો પણ પોતાના રૂપિયા પરત લેવા માટે આવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે માનસી ચાર રસ્તા નજીક આવેલા અભિશ્રી કોમ્પલેક્ષમાં કેટલાંક ઈસમો ગેમ્સ ફોર વિકટી પ્રા.લી. નામની કંપની ચલાવતા હતા.
આ કંપની ગેરકાયદેસર રીતે નાગરીકો પાસેથી રૂપિયા લઈ તેમને રોજના ૧ ટકા લેખે વળતર આપવાની સ્કીમ કરતી હતી જેના પગલે શહેર તથા રાજય બહારના કેટલાય લોકોએ તેમની સ્કીમમાં લાખો રૂપિયા રોકયા હતા જાેકે કંપની ઉઠી જશે તેમ માનીને રાજસ્થાનના ત્રણ નાગરીકો ઉપરાંત કેટલાંક શહેરીજનોએ પણ પોતાના રૂપિયા પરત માંગ્યા હતા.
જાેકે કંપની તેમને તે પાછા આપવામાં વાયદા બતાવતી હતી, જેને પગલે સ્કીમમાં રોકાણ કરનાર જીગ્નેશ વાઘેલા (નારણપુરા) નામનો યુવાન ક્રાઈમબ્રાંચ ખાતે પહોચ્યો હતો અને આ અંગેની ફરીયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે તુરંત ગેમ્સ ફોર વિકટરી ઓફીસે દરોડો પાડીને ડાયરેકટર સુનીલ યાદવ (ઉત્તર પ્રદેશ) ઉપરાંત પુજાસીંઘ (મધ્યપ્રદેશ) અને અખ્તર હુસેન માન (રાજસ્થાન)ને ઝડપી લીધા છે જયારે આશીષ પટેલ નામનો શખ્સ વોન્ટેડ છે. પોલીસે તમામની પુછપરછ શરૂ કરી છે.