Western Times News

Gujarati News

ધન, મકર અને કુંભ ઉપર ૨૦૨૧માં શનિની સાડાસાતી

નવી દિલ્હી: ૨૦૨૦ પૂર્ણ થવામાં છે અને નવું વર્ષ ૨૦૨૧ આવી રહ્યું છે. વર્ષની શરુઆતમાં જ ગ્રહોની સ્થિતિમાં ખૂબ જ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા વર્ષમાં તમામ રાશિઓના જાતકોની ગ્રહોની સ્થિતિમાં મોટા ફેરફાર જાેવા મળશે. કેટલાક રાશિના જાતકોની સાડાસાતી શરું થશે તો કેટલાકની પૂરી થશે.

બીજી તરફ કેટલાક પર શનિની ઢૈય્યાનો પ્રભાવ વધશે તો કેટલાક પર ઓછો થશે. શનિદેવ ન્યાયપ્રિય હોવાથી પાપીઓને સજા આપે છે અને પુણ્ય કર્મ કરનારાને સુખ-શાંતિ, યશ, કીર્તિ અને વૈભવ પ્રદાન કરે છે. આવો જાણી લઈએ નવા આવાનારા વર્ષમાં તમારા પર શનિ મહારાજની કેવી દ્રષ્ટી રહેશે અને તેમની ખરાબ દ્રષ્ટીથી બચવાના ઉપાયમાં તમારે શું કરવું જાેઈએ. શનિની સાડાસાતી અને ઢૈય્યા બંને અલગ-અલગ સ્થિતિ છે.

ઢૈય્યા એટલે અઢી વર્ષનો સમય. સાડાસાતી એટલે અઢી-અઢી વર્ષના ત્રણ ચરણ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહેશે. આ દરમિયાન શનિદેવની સાડાસાતી તે રાશિ ઉપર તો રહેશે, સાથે જ આગળ અને પાછળની એક રાશિ ઉપર પણ રહેશે. આ પ્રકારે એકવારમાં ત્રણ રાશિઓ સાડાસાતીના પ્રભાવમાં રહે છે. જ્યારે શનિ કોઇ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેના ઉપર સાડાસાતીના પહેલાં અઢી વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા હોય છે અને બીજું ચરણ શરૂ થઇ જાય છે.

બીજી રાશિ ઉપર સાડાસાતીની શરૂઆતના અઢી વર્ષ હોય છે. ઢૈય્યાનો અર્થ જે રાશિ ઉપર શનિની વક્ર દ્રષ્ટિ હોય છે અને જે રાશિમાં શનિ હોય છે તેનાથી છઠ્ઠી રાશિ ઉપર શનિની ઢૈય્યા રહે છે. શનિદેવ જ્યારે પણ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેના માટે સાડાસાતી શરૂ થાય છે. તે સમય અનુસાર દરેક રાશિ પર અઢી-અઢી વર્ષના ત્રણ ચરણોમાં આવે છે. જ્યારે પહેલા ચરણમાં સાડાસાતી હોય

ત્યારે જાતકને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ સમયમાં જાતક જે પણ કાર્ય કરે તેમાં તેને ખોટ જ સહન કરવી પડે છે. અથાગ પરિશ્રમ કરવાં છતાં પણ તેને લાભ થતો નથી. સાડાસાતીના બીજા ચરણ પારિવારિક સમસ્યાઓ વધી જાય છે. જાે કે આ સમયમાં સગા-સંબંધીઓમાં સાંમજસ્ય બનાવી રાખવામાં આવે તો મુશ્કેલીઓમાંથી ઝડપથી મુક્તિ મળે છે.

આ સમયમાં ક્રોધ કરવાથી મુશ્કેલીઓ વધી જાય છે. શનિના ત્રીજા ચરણમાં મનુષ્યની સુખ-સુવિધાઓમાં ઘટાડો થાય છે. પરંતુ લોકો સાથે સારો વ્યવહાર, નૈતિકતા અને સારા આચરણથી જાતકને લાભ થઈ શકે છે. આ ચરણમાં પનોતીની અસરમાં આવતી રાશિઓના જાતકોએ ખૂબ જ સતર્ક રહેવું જાેઈએ. જ્યારે શનિ કોઈ જાતકની જન્મરાશિથી બારમે અથવા પહેલા કે બીજા ભાવમાં સ્થિત થાય છે

તો તે સ્થિતિને શનિની સાડાસાતી કહેવાય છે. આવું થવાથી જાતકને માનસિક સંતાપ, શારીરિક કષ્ટ, ક્લેશ, વધુ ખર્ચ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી ભ્રમણ ખરે છે. તેમનો પ્રભાવ જે રાશિમાં હોય તેની આગળ પાછળની બંને રાશિ પર પણ પડે છે. આ સ્થિતિને સાડાસાતી કહેવાય છે.

જ્યારે ગોચરમાં શનિ કોઈ રાશિથી ચોથા અથવા છઠ્ઠા ભાવામાં હોય તો તે સ્થિતિને ઢૈય્યા કહે છે. જાે શનિ તમારી કુંડળીના ત્રીજા, છઠ્ઠા અને અગિયારમાં ભાવમાં હોય તો સાડાસાતી અને ઢૈય્યા ચમત્કારીક પરિણામના સાક્ષી બને છે અને ત્યારે તે યોગ જીવનમાં સફળતા લઈને આવે છે. સાડાસાતી લગભગ સાડા સાત વર્ષ સુધી અને ઢૈય્યા અઢી વર્ષ સુધી અસર કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં દર ૩૦ વર્ષે એકવાર સાડાસાતી જરુર આવે છે. જ્યારે શનિની મહાદશા ૧૯ વર્ષની હોય છે.

હાલ શનિ મકર રાશિમાં છે. જેથી વર્ષ ૨૦૨૧માં ધન, મકર અને કુંભ રાશિના જાતકોની સાડાસાતી રહેશે. ધન રાશિના જાતકો માટે સાડાસાતી પગે એટલે કે ઉતરતી રહેશે. જ્યારે મકર રાશિના જાતકો માટે સાડાસાતી હૃદય પર રહેશે એટલે મધ્ય અવસ્થામાં રહેશે.

જ્યારે કુંભ રાશિના જાતકો માટે સાડાસાતી માથા પર ચઢતી એટલે કે આરંભિક અવસ્થામાં રહેશે. આગામી વર્ષમાં મિથુન અને તુલા રાશિના લોકો ઢૈય્યા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સાડાસાતી અને ઢૈય્યાનું ફળ તમામ જાતકો પર એક સમાન નથી હોતું. તેના દુષ્પ્રભાવને ઓછો કરવાના ઉપાય અજમાવવાથી લાભ થાય છે.

શનિની સાડાસાતી અને ઢૈય્યામાં દુષ્પ્રભાવથી રાહત મેળવવા માટે સંકલ્પપૂર્વક શનિ મંત્રનો જપ કરવો જાેઈએ. પ્રત્યેક શનિવારે આ મંત્રની ઓછામાં ઓછી ૩ માળા કરવી જાેઈએ. એવી પણ માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને તેનાં કર્મો અનુસાર દંડ આપે છે.

શનિકૃપા મેળવવા માટે જરૂરિયાતમંદોને દાન કરવું ઉત્તમ બની રહેશે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શનિશ્ચરી અમાસના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી શનિ પૂજન અને શનિ મંત્રના જાપ કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને તેને શુભકારી ગણાવામાં આવે છે. શનિ પૂજા માટે પશ્ચિમ દિશામાં મોઢું રાખીને કાળા ધાબળા પર બેસીને શનિ દેવની પૂજા કરવી સૌથી ઉત્તમ ગણવામાં આવી છે.

વહેલી સવારે શુદ્ધ થઈને શનિદેવનું સ્મરણ કરો અને કોઈ શનિ મંદિરમાં જ દેવનું પૂજન કરો. શનિ પૂજા માટે ઓમ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરતા શનિ દેવ પર સરસિયાનું તેલ લગાવો. કાળા તલ અર્પણ કરો. ત્યાર બાદ પીપળાના વૃક્ષની પરિક્રમા કરો. શનિ પૂજા બાદ હનુમાનજીની પૂજા કરો તો શનિદેવ પ્રસન્ન થશે. આ ઉપરાંત સુંદરકાંડનો જાપ કરવાથી પણ શનિ દેવનો અશુભ પ્રભાવ દૂર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.