‘વિજય દિવસ’ નિમિત્તે બાલાછડી સૈનિક શાળા ખાતે વેબિનાર યોજયો

Ahmedabad, જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા 16 ડિસેમ્બર 2020ના રોજ ‘વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. 1971માં ભારતીય સૈન્યએ પાકિસ્તાન પર મેળવેલા વિજય અને પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની મુક્તિની ખુશીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન 1971ના યુદ્ધમાં ભારતીય સશસ્ત્રદળોના મહત્વ અને ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ વિશેષ દિવસ નિમિત્તે, બાલાછડી સૈનિક શાળાના NCC કોય દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભમાં ‘શૌર્ય સ્તંભ – યુદ્ધ શહીદ સ્મારક’ ખાતે બાલાછડી સૈનિક શાળાના પ્રિન્સિપલ મુખ્ય અતિથિ ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે પુષ્પગુચ્છ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
કેડેટ નીલ પટેલ અને કેડેટ વિરાજ ત્રિવેદીએ બાલાછડી સૈનિક શાળા NCC કોયના ANO T/OS સુનિલ કુમારના માર્ગદર્શન હેઠળ ‘વિજય દિવસ’નો ઇતિહાસ અને તેનું મહત્વ રજૂ કર્યા હતા. અન્ય કેડેટ્સે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ વેબિનારમાં ભાગ લીધો હતો.
મુખ્ય અતિથિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ શાળા એક એવો મંચ છે જ્યાં કેડેટ્સ આપણા સશસ્ત્રદળોના કિર્તીપૂર્ણ ઇતિહાસ અંગે તેમણે લડેલા યુદ્ધો વિશે જાણી શકે છે. રાષ્ટ્રની અખંડિતા જાળવવા માટે પોતાનો જીવ આપનારા સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને યાદ રાખવા અને આવા પ્રસંગોએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે તેમણે કેડેટ્સને સલાહ આપી હતી.