Western Times News

Gujarati News

વારંવાર ગેસ-અજીર્ણ-અપચો-થતો હોય તો…

9825009241

અજીર્ણ અથવા અપચો દુર કરવાના ઘણા ઉપાયો છે-એ થવાનાં કારણો અનુસાર. આજે એના ચાર પ્રકારો વીષે જાેઈશું. અજીર્ણ-અપચો ભુખ લાગે ત્યારે જ જમવું. ઘઉં, ચોખા, મગ, કુણા મુળા,, સુરણ, પરવળ, પાકાં કેળાં, દાડમ, દ્રાક્ષ, દુધ, ઘી, દહીં, છાસ વગેરેનું સેવન કરવું. માત્ર ગરમ પાણી પીને બે કે ત્રણ નકોરડા ઉપવાસ કરવા માત્રથી પણ અજીર્ણ મટે છે. અજીર્ણના ચાર પ્રકાર છે.  કફથી થતું આમાજીર્ણ – એનાં લક્ષણોમાં આહારના ઓડકાર આવવા, મોળ છુટવી, પેટ ભારે લાગવું, આળસ, થાક, સુસ્તી, શરીર જડ જેવું લાગે, ભુખ ન લાગવી વગેરે છે.

એમાં ઉપવાસ કરવા જાેઈએ. માણસનું જીવન જેટલા અંશે રઘવાટથી ભરેલું થતું જાય છે તેટલા અંશે અન્ય રોગોની જેમ પાચનતંત્રના રોગો પણ વધતા અને ફેલાતા જાય છે.અનિયમિત રીતે જમવાની આદત, આગળનો આહાર પેટમાં પૂરો પચ્યો પણ ન હોય ત્યાં જ ઉપરા ઉપરી કશુંક ખાતા રહેવાની કુટેવ, ઉતાવળમાં, બરાબર ચાવ્યા વિના જ જમીને ભાગવાની સ્થિતિ આ બધું પાચનતંત્રને બગાડે છે અને પચ્યા વિનાનો ખોરાક જાે આંતરડામાં પડયો રહે તો તેમાંથી કબજિયાત, ગેસ અને ઓડકાર જેવી વિવિધ તકલીફ શરૂ થાય છે.

જે લોકો બેઠાડુ જીવન જીવે છે, ભારે અને તળેલા પદાર્થો વધુ પ્રમાણમાં ખાય છે, મેદસ્વી શરીર ના હોય અને રાત્રે મોડે સુધી જાગીને વચ્ચે કશુંક ભજિયા, ગાંઠિયા, ચવાણું, સેન્ડવીચ વગેરે ખા ખા કરતા હોય છે તેમને ગૅસ થવાની શક્યતા છે.
ગૅસ થવાના કારણોઃ જે લોકો વધુ પડતી ચિંતા કરે, સતત ઉધરસ રહે કે રાતના મોડે સુધી વણજાેતું વિચાર્યા કરે તેનું પણ પાચનતંત્ર કથળે છે અને ઘણીવાર ગેસની ફરિયાદ ઊભી થાય છે.

ખોરાકમાં રહેલા પ્રોટીન કે ફેટ ચરબીના અંશો બરાબર પચે નહીં તો વાસ મારતો દુર્ગંધયુક્ત ગેસ ઉત્પન્ન થાય છે. જે લોકો વાલ, વટાણા, ચોળા, પાપડી, ચણા, ગુવાર, મગફળી, મકાઇ, કોદરી, વાલોળ, શકરિયા કે બટાટા જેવા વાયુકારક આહાર દ્રવ્યો વધુ પ્રમાણમાં લે છે, તેના પેટમાં ગૅસ થવાની શક્યતા વધી જાય છે. એજ રીતે જે લોકો ગાંઠિયા, ભજિયા, ભેળ, સેવ ઉસળ, ભાજી પાઉં કે રગડા પેટીસ જેવા બજારુ ખાદ્ય વારંવાર લેતા હોય છે તેને પણ ગૅસ થઇ શકે છે. એકદમ લૂખો ખોરાક ખાવાથી વાયુ વધે છે. એજ રીતે લસલસતું, તેલથી નિતરતું શાક ખાનારને પણ અજીર્ણ અને ગેસ થવાની શક્યતા છે.

ગૅસની સારવાર, વાયુ કરનારા, ઠંડા, અને પચવામાં ભારે હોય તેવા પદાર્થો બંધ કરી, રોજિંદા ખોરાકમાં લસઁણ, હિંગ, અજમો, આદું, લીંબુ, ફુદીનો, કોથમીર, સુવા, મરી, મેથી, તલનું તેલ જેવા વાત શામક, પાચન સુધારનારા, રુચિકર અને કબજિયાતને દૂર કરે એવા પદાર્થો વધારવા જાેઇએ. થોડો ઘણો ગેસ થયો હોય તો સંચળનો ટૂકડો મોંમાં મૂકી સતત ચગળ્યા કરવાથી ગેસ શમી જાય છે. જ રીતે સંચળ-અજમાની ફાકડી મારી ચાવી જવાથી પણ ગૅસ છૂટે છે અને પેટમાં રાહતનો અનુભવ થાય છે. વારંવાર ગેસ થતો હોય તેવા લોકોએ પોતાનું પાચન સુધરે એ માટે જમતાં પહેલાં આદુ- લીંબુના રસમાં થોડું સિંઘવ મેળવી અનુકૂળ પ્રમાણમાં પીવાની આદત પાડવી જાેઇએ. જમતી વખતે બે ત્રણ કોળિયા જેટલા ભાતમાં એક ચમચી હિંગાષ્ટક અને થોડું ઘી મેળવી ખાવાથી રુચિ વધે છે, પાચન સુધરે છે અને પરિણામે વારંવાર થતી ગેસની તકલીફ પણ દૂર થઇ શકે છે.

હિંગાષ્ટક જાે ઘેર બનાવવું હોય તો સૂંઠ, મરી, પીપર, અજમો, સિંધવ રસોડામાં રોજ વપરાતું જીરૂ, શાહજીરૂ અને શેકેલી હિંગ આ આઠ દ્રવ્યો સરખા ભાગે લઇ બારીક ચૂર્ણ બનાવી એક શીશીમાં ભરી લેવું. જમતી વખતે બપોરે ભાત સાથે અને રાત્રે ખીચડીમાં મેળવીને એક ચમચી ચૂર્ણ અવશ્ય લેવું.

ચોમાસામાં જઠરાગ્નિ મંદ થતો હોવાથી અને પાચનતંત્ર કથળતું હોવાથી એ ઋતુ દરમિયાન લસણ અને લશુનાદિ વટીનો ઉપયોગ ખાસ કરવો જાેઇએ. પેટમાં બળતરા અને ખાટા ઓડકાર સાથે ગૅસની તકલીફ થતી હોય તો લશુનાદિ વટીને બદલે બે બે ટીકડી શંખવટીની લેવી વધુ હિતાવહ છે. જમ્યા બાદ બે બે ગોળી લશુનાદિ વટીની ચૂસી જવી, ગૅસ, અપચો અને પેટના રોગોનું એ ઉત્તમ ઔષધ છે.

કપૂરહિંગુ વટી પણ ગૅસનું એક અકસીર ઔષધ છે. પેટ ફૂલી ગયું હોય, આફરો ચડયો હોય અને ઓડકાર કે વાછૂટ ન થવાથી અકળામણ થતી હોય ત્યારે બે ગોળી કર્પૂર હિંગુવટીની ચાવી જઇ ઉપર સોડા કે લીંબુનું સરબત પીવાથી તરત રાહત થાય છે. કબજિયાતના કારણે ગેસની તકલીફ રહેતી હોય તો રોજ રાત્રે એક ચમચી એરંડભૃષ્ટ હરીતકી ફાકી ઉપર પાણી પીવું. જે વ્યક્તિને ગૅસની તકલીફ સાથે હાઈ બી.પી. રહેતું હોય તેમણે ખારા રસથી યુક્ત એવું લવણ ભાસ્કર ચૂર્ણ, હિંગાષ્ટક ચૂર્ણ કે શિવાક્ષાર પાચનચૂર્ણ ન લેવું.

આગળ લખ્યા મુજબના હિંગાષ્ટકના દ્રવ્યોમાં હરડે છાલ અને સાજીખાર સરખે ભાગે મેળવી ચૂર્ણ બનાવી લેવાથી શિવાક્ષાર પાચનચૂર્ણ તૈયાર થાય છે. રોજ રાત્રે અનુકૂળ માત્રામાં આ ચૂર્ણ લેવાથી પણ પેટ સાફ આવે છે, અને પેટની તકલીફ દૂર થાય છે.સવાર સાંજ એક એક ચમચી જેટલું લવણ ભાસ્કર ચૂર્ણ ફાકવાથી પણ ગેસમાં રાહત થાય છે.

એકાદ બે યુક્તિપૂર્વકના ઉપવાસ કરવા. એક કપ જેટલી અથવા અડધા ગ્લાસ જેટલી તાજી મોળી છાશમાં અડધીથી એક ચમચી જેટલું હિંગ્વાષ્ટક ચૂર્ણ નાખી સવારે અને રાત્રે પીવું. આયુર્વેદમાં જઠરાગ્નિની મંદતાના અનેક કારણો દર્શાવાયાં છે. જેવાં કે ઉપવાસ, અપક્વ આહાર, અતિ આહાર, વિષમ આહાર, અસાત્મ્ય આહાર, એટલે કે દેશ, કાળ અને પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય એવો આહાર પચાવામાં અતિભારે કે અતિ ઠંડો-શીતળ આહાર, અતિ ચીકણા આહાર દ્રવ્યો, સંયોગ તથા માત્રાથી વિરુદ્ધ આહાર દ્રવ્યો, જવરાદિ વ્યાધિઓ લાંબો સમય ચાલવા, દેશ, જળ તથા કાળ વૈષમ્ય આહાર, મળ મૂત્રાદિ શારીરિક ક્રિયાઓને રોકવી, દિવસની ઊંઘ, અનિદ્રા, ઈર્ષા, ભય, લોભ, ક્રોધ, શોક, દ્વેષ, ચિંતા વગેરે મનોભાવોથી પણ જઠરાગ્નિ મંદ-દૂષિત થાય છે. જેને લીધે પોતાને અનુકૂળ એવું લઘુ અન્ન પણ પચંતુ નથી. આમ ઉપર્યુક્ત કારણોથી પાચકાગ્નિ એટલે કે જઠરાગ્નિ દૂષિત થાય છે.

advt-rmd-pan

આધુનિક મતના તમામ પાચક તત્ત્વો કે જેને એન્ઝાઈમ્સ પણ કહેવામાં આવે છે. તે બધાનો આયુર્વેદોક્ત પાચક પિત્તમાં સમાવેશ થઈ જાય છે. તેનું મુખ્ય કાર્ય આહારના સૂક્ષ્મ ઘટકોનું પાચન કરવાનું હોય છે. આયુર્વેદોક્ત અગ્નિમાંદ્ય શબ્દથી આ બધા પાચક રસોનું મંદ થવું એમ જ અભિપ્રેત છે. આ પાચક રસોની ગુણાત્મક અથવા ક્રિયાત્મક ન્યુનતા જ અવિપાક અજીર્ણ કે અગ્નિમાંદ્યનું કારણ બની જાય છે.

અગ્નિમાંદ્યના લક્ષણોમાં ઓડકાર તથા અપાનવાયુ અથવા વાછૂટનું બંધ થઈ જવું. ઊલટી, ઊલકાનો ખ્યાલ થવો, પેટમાં ભારેપણું અને ગડગડાટ, ચક્કર, શીરઃશૂળ, બગાસા, તૃષા અંગમર્દ-ગાત્રોની કળતર, ગ્લાનિ, અરુચિ, વિબંધ વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.

નાના બાળકોને પેટમાં આફરો ચડયો હોય, ગૅસ છૂટતો ન હોય અને શરીર અમળાતું હોય ત્યારે પેટ પર તથા નાભિ આસપાસ હિંગ ભરી, ચપટીક હિંગાષ્ટક ચૂર્ણ પાણીમાં મેળવી ચમચીમાં ભરી બાળકની ઉંમરનો વિચાર કરી જરૂરી માત્રામાં પાઈ દેવું. હૂંફાળા પાણીમાં થોડુંક દિવેલ કે મહાનારાયણ તેલ નાખી તેની એનિમાબસ્તિ આપવાથી ગેસ છૂટે છે ને ઝાડો પણ થાય છે

પીત્તથી થતું અજીર્ણ , એમાં છાતી, ગળું, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે. એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમીયાન સાકરવાળું દુધ, દુધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દુધ રોટલી, દુધ ભાત, ખીર, દુધ-પૌંઆ જ લેવા. જમ્યા પછી અવીપત્તીકર ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. અમ્લપીતાતંક વટી એક-એક અને સુતશેખર રસ એક એક ગોળી. ત્યાર પછી આહારમાં દુધી, ગલકાં, તુરીયાં, પરવળ વગેરે શાક લેવાય. અથાણાં, પાપડ, તળેલું, ડુંગળી વગેરે બંધ.

વાયુથી થતું અજીર્ણ, એનાં લક્ષણોમાં કબજીયાત, પેટ તંગ ભારે થવું, આફરો, અધોવાયુની ગતી અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દીવસ ફક્ત મગના પાણી પર રહેવું. પછી એક દીવસ ફળોના રસ પર રહી હળવો સુપાચ્ય આહાર લેવો. એક બે કીલોમીટર ચાલવું. બહુ પાણી પીવાથી, કસમયે ભોજન કરવાથી, મળ મુત્રાદીના વેગને રોકવાથી, સમયસર નીદ્રા ન લેવાથી, ઓછું કે વધારે ખાવાથી અજીર્ણ થાય છે.  આથી કારણને જાણીને તેનું નીવારણ કરવું.

ઔષધોમાં  શીવાક્ષાર પાચન ચુર્ણ અડધીથી એક ચમચી દીવસમાં ત્રણ વખત લેવું.  અગ્નીતુંડીવટી એક એક ગોળી ત્રણ વખત લેવી.  હીંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી એક ચમચી લેવું.  દીનદયાળ ચુર્ણ અડધી ચમચી રાત્રે લેવું. આ અજીર્ણમાં પેટમાં ભરાવો, ભાવતા ભોજન પર પણ અરુચી, ઉબકા થવા, ખોટી ભુખ લાગવી ભુખ લાગે છતાં ખાવું ભાવે નહીં અને કબજીયાત થવી વગેરે થાય છે. એના ઉપચારમાં ઉકાળેલું જ પાણી પીવું અને એક ઉપવાસ કરવો. બીજા દીવસે મગનું પાણી, ફળોનો રસ અથવા લીલાં શાકભાજીનો રસ પીવો. ત્રીજા દીવસે પચવામાં હલકાં દ્રવ્યો લેવાં. દુધી, ગલકાં, તુરીયાં, ભાજી જેવાં શાક, મગનું સુપ, ગરમ રોટલી વગેરે ખાવું.

ઔષધોમાં તાજું લવણભાસ્કર ચુર્ણ અથવા પંચકોલ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર તાજી મોળી છાસ સાથે લેવું. પાણીમાં મધ નાખી પીવું. ચીત્રકાદીવટીની એક એક ગોળી ત્રણ વાર લેવી. દશમુલાસવ જમ્યા પછી ત્રણ ચમચી પીવો. અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે.

ભોજન પહેલાં લીંબુ અને આદુના રસમાં સીંધવ મેળવી પીવાથી મંદાગ્ની, અજીર્ણ અને અરુચીમાં લાભ થાય છે. હરડે અને સુંઠનું ચુર્ણ સવારે ખાલી પેટે લેવાથી મંદાગ્નીમાં લાભ થાય છે. હીંગની ચણા જેવડી ગોળી ઘી સાથે ગળવાથી અજીર્ણ તથા વાયુનો ગોળો મટે છે.  અજમો, સીંધવ અને હરડે દરેક ૧૦-૧૦ ગ્રામ અને હીંગ ૫ ગ્રામનું બારીક ચુર્ણ કરવું. એને પાચન ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું જમ્યા પછી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે બપોરે અને રાત્રે નીયમીત લેવાથી ભુખ ન લાગવી, અપચો, પેટનું ભારેપણું, મોળ, ગૅસ, અજીર્ણ અને ઓડકાર મટે છે.

હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે. સરખા ભાગે સુકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે. ધાણા, સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ રાખવું. લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે.

ભુખ ન લાગતી હોય કે ભુખ મરી ગઈ હોય તો દીવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે. ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે. ચણાના છોડ પર રાતે કપડું ઢાંકી રાખી, સવારે નીચોવી, એ પાણીને ગરમ કરી ઉડાડી દેતાં વાસણમાં જે ક્ષાર રહે તેનું છાસ સાથે સેવન કરવાથી ગમે તેવું અજીર્ણ મટે છે. ચીત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચુર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે. વરીયાળીનો અર્ક અથવા કાચી કે શેકેલી વરીયાળી નીયમીત ખાવાથી અજીર્ણ મટે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.