CM કેજરીવાલે વિધાનસભામાં કૃષિ કાનુનની કોપી ફાડી, કહ્યું- કેટલાની શહાદત લેશો?
નવી દિલ્હી, રાજધાની દિલ્હીના સિમાડે આજે 22માં દિવસે ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે ખેડુત આંદોલન દરમિયાન થયેલા ખેડુતોના મોત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે અને તેમને કૃષિ કાનુનની કોપી દિલ્હી વિધાનસભામાં ફાડી. આ પહેલા આમ આદમી પાર્ટીના ઘણાં ધારાસભ્યોએ પણ આ કાયદાની કોપી ફાડી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ત્રણ નવા કૃષિ કાનુનની કોપી ફાડતા કહ્યું કે, તેઓ ખેડુતોની સાથે વિશ્વાસઘાત નહી કરી શકે. દિલ્હી વિધાનસભામાં આજે ત્રણ કાળા કાયદાને ફગાવવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ કાનુન પરત લે, આપણાં ખેડુતો ઠંડીમાં સુઈ રહ્યાં છે.
તેમણે કેન્દ્રને પુછ્યું કે, તમે વધુ કેટલાની શહાદત લેશો? દરેક ખેડુત ભગત સિંહ બની ગયો છે. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 20થી વધારે ખેડુતો આ આંદોલનમાં શહીદ થઈ ચુક્યાં છે. દરરોજ એક ખેડુત શહીદ થઈ રહ્યો છે. હું કેન્દ્ર સરકારને પુછવા માંગુ કે વધું કેટલાની શહાદત અને કેટલાનો જીવ તમે લેશો?