AMTS કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ : કપરાકાળમાં 5700 બસ દોડાવી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના આગામી સમયથી હેલ્થ અને પોલીસખાતાના કર્મચારીઓ દિવસ-રાત ફરજ બજાવી રહ્યાં છે. તેમની સાથે ખભે-ખભા મિલાવીને મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસના કર્મચારીઓ પણ સતત ફરજ નિભાવી રહ્યા છે. શહેરમાં લોકડાઉનનો અમલ શરૂ થયો તે સમયથી હેલ્થ કર્મચારીઓને તેમના ધરી વિસ્તારથી ફરજના સ્થળ સુધી લાવવા-લઈ જવા તેમજ દર્દીઓને કોવિડ સેન્ટર સુધી લઈ જવા માટે “લાલ બસ” દ્વારા સેવા આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા મ્યુનિ.હોસ્પિટલો, અર્બન સેન્ટર, કાલુપુર સ્ટેશન સહિત તમામ સ્થળે “લાલ બસ” દ્વારા સારી સેવા આપવામાં આવી છે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા માર્ચના અંતિમ સપ્તાહથી ઓક્ટોબરના અંત સુધી પાંચ હજાર કરતા વધુ બસ કોરોના સેવા માટે ફાળવવામાં આવી છે.
શહેરમાં માર્ચ મહિનાથી અમલી થયેલા લોકડાઉન દરમ્યાન હેલ્થ સ્ટાફના પરિવહન માટે “લાલ બસ” એક માત્ર સહારો રહ્યો હતો. મ્યુનિ.કોર્પાેરેશનની વિવિધ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતાં કર્મચારીઓને તેમના ઘર પાસેથી નિયત સ્થળ સુધી લાવવા-લઈ જવાની જવાબદારી એએમટીએસને સોંપવામાં આવી હતી. પરંતુ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તથા ફીલ્ડ સ્ટાફે તમામ વિપરીત સંજાેગો અને ભયના માહોલ વચ્ચે તેમની ફરજ નિભાવી હતી. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસના સૂત્રોએ જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા ૨૨ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી ૮૦૨ બસ, ૧૫ એપ્રિલથી ૩ મે સુધી ૯૭૨, ૪ મેથી ૧૭ મે સુધી ૮૫૪, એક જૂનથી ૩૦ જૂન સુધી ૫૭૧, એક જુલાઈથી ૩૧ જુલાઈ સુધી ૩૪૫, ૦૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી ૩૭૧, ૦૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી ૪૦૩ તથા ૦૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી ૪૫૩ બસ મળી કુલ ૫૬૯૧ બસ કોરોના ડ્યુટી માટે ફાળવવામાં આવી હતી. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કોરોના માટે ફાળવવામાં આવેલી બસ પેટે જે રકમ લેવાની થશે તે મ્યુનિ.કોર્પાેરેશનની લોન પેટે જમા કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટર ઉરાંત કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પણ જરૂરીયાત મુજબ બસ સેવા આપવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવેલ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન સમયે પણ કલેક્ટર ક્ચેરીની સુવિધા મુજબ બસો ફાળવવામાં આવી હતી. જે પેટે કલેક્ટર ક્ચેરીને રૂા.૫૦ લાખનું બીલ આપવામાં આવ્યું છે. જ્યારે નવેમ્બર મહિનામાં જાહેર થયેલ ૫૭ કલાકના રાત્રિ કરફ્યુ દરમ્યાન પણ સંસ્થા દ્વારા બસ સેવા આપવામાં આવી હતી. તથા ૨૦ નવેમ્બરથી ૨૨ નવેમ્બર સવારે ૦૬ વાગ્યા સુધી કાલુપુર સ્ટેશને ૧૦૦ બસ તૈનાત કરવામાં આવી હતી.
તેમજ ૫૭ કલાકમાં અંદાજે ૨૨ હજાર મુસાફરોને તેમના ઘર-વિસ્તાર સુધી વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા હતા. શેહરમાં હાલ પણ રાત્રી કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. આ સંજાેગોમાં મુસાફરોને હાલાકી ન થાય તે માટે કાલુપુર રેલવે સ્ટેશને ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. અગાઉ, ૧૪મી મે એ દિલ્હીથી અમદાવાદ આવેલી રાજધાની ટ્રેનના મુસાફરોની સુવિધા માટે પણ ૪૦ બસ સ્પેર રાખવામાં આવી હતી. તેમજ આરટીઓ સાથે સંકલન કરીને તે સમયે સાબરમતી રેલવે સ્ટેશનથી ઘુમા, વટવા, સરખેજ, સીંગરવા, થલતેજ, પ્રહલાદનગર સહિતના વિસ્તારો માટે પણ બસ સેવા આપવામાં આવી હતી.