RTO અમદાવાદ ટ્રાફિક પોલીસની સાથે મળીને નેશનલ ઇ-ચલણ પ્રોજેક્ટને લોન્ચ કરશે
દેશભરમાં કોઇપણ જગ્યાએ RTO કે ટ્રાફિક પોલીસ દ્વારા થયેલ પેનલ્ટીની પૂરી ભરપાઇ થયા બાદ જ અન્ય વાહન સેવાઓ ઉપલબ્ધ બનશે
ઇ-ચલણ જનરેટ થવા સાથે વાહન માલિકને મોબાઇલ પર તે અંગેનો મેસેજ તુરંત મળશે
( અહેવાલ : ગોપાલ મહેતા) અમદાવાદ આર.ટી.ઓ.(રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસથી ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં નેશનલ ઇ-ચલણ સિસ્ટમ પ્રોજેક્ટની શરુઆત થશે. અમદાવાદમાં એક અઠવાડિયા સુધી ટ્રાયલ બેઝ્ડ પર તેને લોન્ચ કરવામાં આવશે. આ અંગે ડીસીપી ટ્રાફિક વહીવટના શ્રી તેજસકુમાર પટેલના જણાવ્યા અનુસાર, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળીને નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર દ્વારા નેશનલ ઇ-ચલણ સિસ્ટમ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે.
આ સોફ્ટવેરમાં ઓલ-ઇન્ડિયાનું કોઇપણ વ્હિકલ હશે તેમાં ઇ-ચલણ હવે જનરેટ થઇ થશે. આવનારા સમયમાં આ સોફ્ટવેરથી ફાયદો એ થશે કે વાહન માલિક જ્યારે લાયસન્સ રીન્યૂ કે પછી ફિટનેસ સર્ટિફિકેટ માટે આરટીઓનો સંપર્ક કરશે ત્યારે આ સોફટવેરમાં વાહન માલિકના નામે ભારતમાં ક્યાંય પણ બાકી બોલતા દંડ, પેનલ્ટીની રકમ ચૂકવવાની બાકી છે કે કેમ તે તુરંત જ જોઇ શકાશે અને આ બાકી રકમની ચૂકવણી થયા બાદ જ વાહન માલિક વાહન અંગેની કોઇપણ પ્રકાર અંગેની સુવિધા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઇ-ચલણ જનરેટ થતાની સાથે વાહન ચાલકના રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર પર તરત જ મેસેજ મળી જશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ આ સોફ્ટવેરનો ઉપયોગ ૧૨ રાજ્યોની આરટીઓ ઓફિસ કરી રહી છે. જેમાં ૫ રાજ્યની પોલીસ પણ તેમને સહકાર આપી રહી છે. હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આરટીઓની સાથે મળીને આ પહેલ કરી છે. અમદાવાદ શહેરમાં ૧ અઠવાડિયા સુધી ટ્રાયલ બેઝ પર આ પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવશે. અમદાવાદમાં આ પ્રોજેક્ટની સફળતા બાદ તરત જ સુરત, વડોદરા, રાજકોટ અને જિલ્લા સ્તર પર લોન્ચ કરવામાં આવશે.
આ સોફ્ટવેર ટ્રાયલ બેઝ્ડ પર કેવી રીતે કામ કરશે તેની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, અમદાવાદ આર.ટી.ઓ કચેરી દ્વારા સૌપ્રથમ અમદાવાદ સિટીનું એક એડમિન ક્રિએટ કરવામાં આવશે. જેના અંતર્ગત ૨૦ માણસોને એનડ્રોઇડ એપ આપવામાં આવશે. જેઓ ઇ-ચલણ જનરેટ કરશે. ત્યારબાદ આ ઇ-ચલણ જનરેટ થયેલો ડેટા આપમેળે આરટીઓ પાસે પહોંચી જશે. આ સાથે-સાથે વાહન માલિકને તેના રજિસ્ટ્રર મોબાઇલ નંબર પર ઇ-ચલણની માહિતી પણ મળી જશે. વાહન ચાલકને ઇ-ચલણનું પેમેન્ટ ઓનલાઇન કરવું હશે તો ઓનલાઇન પણ થઇ જશે. એટલે કે ટૂંકમાં આરટીઓમાં જેટલા વાહન રજિસ્ટ્રેશન હશે તેમનું ઇ-ચલણ જનરેટ થવાનું ચાલું થઇ જશે.