કુમકુમ મંદિર દ્રારા વચનામૃત ગ્રંથની ર૦૧મી જયંતી ઉજવાઈ
વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવ્યું.
વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે.
વચનામૃત ગ્રંથ ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરીને દર્શાવવામાં આવી.
– સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ૧૮ ડીસેમ્બર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા મહંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં વચનામૃતની ર૦૧ મી જયંતીની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,તા. ૧૮ ડીસેમ્બર માગશર સુદ ચોથના દિવસે વચનામૃતની ર૦૧ મી જયંતી હોવાથી સવારે ૮ – ૩૦ થી ૯ – ૩૦ વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન,અર્ચન,અભિષેક અને આરતી કરવામાં આવી હતી.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને માનવીના જીવનમાં આવતી નાનામાં નાની સમસ્યાથી લઈને મોટામાં મોટા પ્રશ્નોના ઉકેલ માટેનું જો કોઈ પ્રેકિટક્લ મેન્યુઅલ આપ્યું હોય તો એ વચનામૃત ગ્રંથ છે. આ વચનામૃત ગ્રંથની વિશિષ્ટતા એ છે કે, સામાન્્યમાં સામાન્ય માણસ
પણ તેને સમજી શકે છે,અને પોતાના જીવનને ઉધ્વાંગામી બનાવી શકે છે. આ વચનામૃત ગ્રંથમાંથી આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ તે શીખવા મળે છે.
આ વચનામૃત વાંચવાથી આપણને ખબર પડે છે કે, આપણે ક્યાં છીએ ? આપણે કયાં જવાનું છે ? અને તે મંજિલે પહોંચવા માટે મારે શું – શું કરવું જોઈએ અને તે કેવી રીતે કરવું જોઈએ ? ઘણાને મનમાં પ્રશ્ન થાય કે, આ વચનામૃત ગ્રંથ ની રચના શા માટે કરવામાં આવી ? તો અનાદિ કાળ થી અનેક જીવો શાશ્વત સુખને પામવાને અથાગ પ્રયત્ન કરે છે.પરંતુ તેને જીવનભર મહેનત કરવાં છંતા હાથમાં આવે છે માત્ર દુઃખો, પ્રશ્નો, ક્લેશો, ઉદ્વેગો, હતાશા, નિરાશા, અશાંતિ અને અસંતોષ.અને મૃત્યુ બાદ ફરી એજ જન્મ – મરણ ને લખચોરાશીનું ચકકર.માણસને આજ કેમ પ્રાપ્ત થાય છે ? તો તેની પાછળનું કારણ એ છે કે, માણસને તેના પોતાના જે અંતરશત્રુઓ છે.
કામ, ક્રોધ,લોભ, આળસ, નિદ્રા, રસાસ્વાદ, દેહાસક્તિ, માન ઈષ્યા, મત્સર, વાસનાદિ તે હેરાન – પરેશાન કરે છે અને તેને તે નડે છે. આ સર્વે દોષોનું મૂળ છે અજ્ઞાન. જ્યાં સુધી જીવાત્મા મૂળઅજ્ઞાનથી મુક્ત ન થાય ત્યાં સુધી કદાપિ સુખી થઈ શકતો નથી એટલે કે,ભગવાનના શાશ્વત દિવ્ય સુખને પ્રાસ કરી શકતો નથી.મૂળઅજ્ઞાનને નાશ કરવાનો એકમાત્ર ઉપાય છે ભગવાન અને ભગવાનના સત્પુરુષોની પ્રાતિ અને તેમનું શરણ. ભગવાન અને સત્પુરુષો જ સાચું જ્ઞાન જીવોને સમજાવીને દેહાદિક દોષોની નિરર્થકતા સમજાવી તેને ત્યજાવે છે ને જીવને સુખિયા કરે છે. અને સૌને આવી રીતે સુખિયા કરવા માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને અધ્યાત્મ જ્ઞાન પીરસવા માટે આ વચનામૃત ગ્રંથની રચના કરી છે.
આ વચનામૃત ગ્રંથ સૌ કોઈ સ્હેજે સમજી શકી અને પોતાની આધ્યાત્મિક કેડીને કંડારી શકે તે માટે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે. અને તેને ગ્રંથિત કરવાની સેવા સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ આપેલી છે. અને આ વચનામૃતનો દેશ અને વિદેશમાં પ્રચાર ને પ્રસાર શ્રી મુકતજીવન સ્વામીબાપાએ કર્યો છે.તો આવા વચનામૃત ગ્રંથનું આપણે પઠન, પાઠન કરીને કૃતાર્થ બનીએ.
અંતમાં કુમકુમ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આ વચનામૃત ગ્રંથમાં અનેક શાસ્ત્રોનો સાર જોવા મળે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃતમાં કહ્યું છે કે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને, તેનો સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે.”તો આ વચનામૃત દિવ્ય ગ્રંથનું આપણે નિત્ય પઠન અવશ્ય કરવું જ જોઈએ.
સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ