સી પ્લેન સેવા 27 ડિસે.થી ફરી શરુ કરવાની જાહેરાત
અમદાવાદ: નાતાલ અથવા નવા વર્ષ પર જાે તમે સી-પ્લેનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો વિચાર કરી રહ્યા છો તો, તમારે આ યોજના હાલ પડતી મૂકવી પડી શકે છે. કારણ કે, સૂત્રોનું માનીએ તો સી-પ્લેન ફ્લાઈટ્સ માટેનું બુકિંગ હજુ સુધી શરુ થયું નથી.
એરક્રાફ્ટને મેન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલાયું હોવાથી, ૨૮મી નવેમ્બરથી સી-પ્લેનની સેવાનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું હતું. સી-પ્લેન સેવા ઓપરેટ કરનારી એરલાઈન સ્પાઈસજેટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સેવા 27મી ડિસેમ્બરથી શરુ થઈ જશે.
નવેમ્બરમાં એરલાઈને આપેલા નિવેદન પ્રમાણે, એરક્રાફ્ટના જરૂરી મેન્ટેનન્સ માટે સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. ‘અમદાવાદમાં હજુ મેન્ટેનન્સ ફેસિલિટી નિર્માણાધીન હોવાથી વિમાનને ફરીથી માલદીવ્સ મોકલવું પડશે. એરક્રાફ્ટ પાછું આવશે કે તરત સેવા શરુ કરવામાં આવશે, તેમ એરલાઈનના પ્રવક્તાએ અગાઉ પોતાના નિવેદનમાં કહ્યું હતું.
સી-પ્લેન સેવા શરુ થયાના એક અઠવાડિયા બાદ, તેને બે દિવસ માટે સસ્પેન્ડ કરાઈ હતી. જે સાબરમતી રિવરફ્રંટના વોટરડ્રોમ પર હાથ ધરવામાં આવી હતી. ૩૧મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રંટથી કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દેશની પહેલી સી-પ્લેન સેવાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઔપચારિક રૂપથી સી-પ્લેન સેવાની શરૂઆત ૧લી નવેમ્બરથી થઈ હતી. કેવડિયા અને અમદાવાદમાં વોટરડ્રોમ પર પણ તેના ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં એક વ્યક્તિ માટે ૧૫૦૦ રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. આ ભાડું સીટોના ક્વોટાના હિસાબથી નક્કી થાય છે. જ્યારે વધુમાં વધુ ભાડું ૪૮૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ સુધી રખાયું છે.