ONGCની લાઈનમાં પંચર કરી થતી ક્રૂડ ઓઈલની ચોરીનો પર્દાફાશ કરતી ભરૂચ એસ.ઓ.જી
ભૂગર્ભ માંથી જતી લાઈનમાં પંકચર કરી વાલ્વ બેસાડી ટેન્કરો ભરી ચોરી કરતા હતા ઈસમો : આછોદના ઈમ્તિયાઝની ધરપકડ અને આછોદના ઈકબાલ અને વડોદરાનો વિજય ઉર્ફે મુનો વોન્ટેડ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, : ઓ.એન.જી.સી ની પાઈપલાઈનમાં પંચર કરી થતી ક્રૂડ ઓઈલની ચોરીનો પર્દાફાશ કરી ભરૂચ એસ.ઓ.જી પોલીસે એક આરોપીની અટકાયત કરી અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પડવાની કવાયત હાથધરી છે.
ભરૂચ જીલ્લામાં ખૂબ મોટા પાયે ઓ.એન.જી.સીની પાઈપલાઈનનું નેટવર્ક પથરાયેલું છે.જેમાંથી ક્રૂડ ઓઈલ ચોરીનો કાળો કારોબાર થતો હોવાનું અવારનવાર બહાર આવતુ રહે છે.આ રીતે ઓ.એન.જી.સીની પાઈપલાઈન માંથી થતી ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડવા એસ.ઓ.જી પોલીસઈ ઈન્સપેકટર કે.ડી.મેડોરાનના પોતાની ટીમ સાથે મુલેર તથા ગંધાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળી પોતાના બાતમીદારોનો સંપર્ક કરતા બાતમી મળેલ કે આમોદ તાલુકાના આછોદના ઈકબાલ નિઝામ પઠાણ તથા ઈમ્તિયાઝ એહમદ દેડકો પટેલ વડોદરાના ભાયલીનો વિજય ઉર્ફે મુનો ગણપતભાઈ ગોહીલ મુલેર થી ચાંચવેલ જવાના રોડની બાજુમાં આવેલ સરકારી પડતર જમીન માંથી પસાર થતી ઓ.એન.જી.સીની પાઈપલાઈન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના ઉપર વાલ્વ બેસાડી ફૂડ ઓઈલની ચોરી કરે છે.
મળેલ બાતમીના એસ.ઓ.જીની ટીમે આ શખ્સોને ઝડપી પાડવા પેટ્રોલીંગ કરી તપાસ કરતાં ચાંચવેલ ગામની સીમ માંથી ઓ.એન.જી.સી ની ક્રૂડ ઓઈલની પાઈપલાઈન પસાર થતી હોય તેને પંચર કરી વાલ્વ બેસાડેલ જગ્યા શોધી કાઢી આછોદના ઈમ્તિયાઝ અહેમદ દેડકો પટેલને દબોચી લીધો હતો.
જે બાદ આ વાલ્વ બેસાડનાર ગેંગના આરોપીઓ વિરૂધ્ધમાં એસ.ઓ.જી ભરૂચ તરફ થી ફરીયાદ વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની તપાસ એસ.ઓ.જી ભરૂચ ચલાવી વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.ભરૂચ એસ.ઓ.જી પોલીસના હાથે પર્દાફાશ કરેલ ઓઈલ ચોરીના ગુનાના આરોપીઓ ઓઈલ ચોરી અને પાઈપની ચોરીનો ગુનાહીત ઈતિહાસ ધરાવે છે ત્યારે પોલીસ તપાસમાં હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેમ માનવામાં આવે છે.