મોંઘી સાડી બતાવીને હલકી સાડી પધરાવી દેતાં ફરિયાદ
સુરત, સુરતમાંથી છેતરપિંડીનો એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાડીના વેપારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વેપારી પોતાના માલ વેચવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેતા હતો. તે યુ-ટ્યુબ સહિતના માધ્યમોમાં મોંઘી સાડીઓ મૂકતો હતો. જે બાદમાં કોઈ વેપારી પૂછપરછ કરીને ઓનલાઇન પેમેન્ટ કરી આપે ત્યારે તે જે બતાવી હોય તે સાડી મોકલવાને બદલે હલકી કક્ષાની સાડી મોકલી આપતો હતો. સાડીઓની ખરીદી કરનારા વેપારીઓ બહારગામ અને મોટાભાગના કેસમાં બીજા રાજ્યના હોવાથી ફરિયાદ કરતા ન હતા.
જાેકે, હવે આ મામલે ફરિયાદ દાખલ થઈ છે. સુરતના રેશમવાલા માર્કેટમાં દુકાન ધરાવતો વેપારી મોંઘી સાડીઓના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ રાજ્યોના વેપારીઓ પાસેથી ૧.૫૩ લાખનું ઓનલાઇન પેમેન્ટ મેળવી લીધું હતું. જે બાદમાં તેમને હલકી કક્ષાની સાડીઓ આપતો હતો. આવા વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નહીં થતાં અવાર-નવાર બહારગામના વેપારીઓને છેતરવાની વૃતિ યથાવત રહી છે. જેથી સુરતના ટેક્સટાઈલ વેપારીઓને શાખને પહોંચતાં નુકસાનને પગલે સુરત મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા આવા જ સુરતના એક વેપારી સામે પ્રથમ વખત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટેક્સટાઈલ માર્કેટમાં ઘણાં એવા વેપારીઓ છે કે જેઓ પોતાની દુકાન ચલાવવા માટે સોશિયલ મીડિયા પર મોંઘી સાડીઓ જેવી કે ૧૦૦૦ની સાડી ૫૦૦માં મળતી હોવાનું બતાવીને પોતાના બિઝનેસની જાહેરાત કરે છે. સોશિયલ મીડિયા પર કરાતી આવા પ્રકારની લોભામણી જાહેરાતથી બહારગામનો વેપારી આકર્ષાયને સાડી ખરીદવા તૈયારી બતાવીને પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરે છે. પાંચ માસ અગાઉ છત્તીસગઢના ઓળખીતા વેપારી ચંદ્રશેખરે એસોસિએશનની કમિટીને જાણ કરી હતી કે રેશમવાલા માર્કેટમાં માતૃશ્રી ક્રિએશનના નામે સાડીનો ઓનલાઇન વેપાર કરતા રાકેશ રાજપૂત યુટ્યુબ ઉપર સસ્તી અને સારી સાડીનો વિડીયો મૂકી અન્ય રાજ્યોના વેપારીઓ પાસેથી ઓનલાઈન પેમેન્ટ મેળવી હલકી ગુણવત્તાની સાડીનો માલ મોકલે છે.
પેમેન્ટ થયાં બાદ તેને એકદમ હલકી કક્ષાની સાડીઓ પાર્સલ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તો ફાટેલી અને નુકસાન વાળી સાડીઓ પણ મોકલવાના કિસ્સાઓ ભૂતકાળમાં નોંધાયા છે. ખરીદી કરનારા વેપારી ઘણી વખત ચૂપ રહેતો હોઈ તો ઘણી વખત ટેક્સટાઈલ માર્કેટની સંસ્થાઓ મધ્યસ્થી કરાવી દેતી હોવાથી છેતરપિંડી કરનારા વેપારીઓ તેમની છેતરવાની વૃતિ ચાલુ રાખે છે.SSS