હવે કાચું ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઈન રિન્યુ કરી શકાશે
અમદાવાદ, કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની ૬ માસની મુદ્દત પૂર્ણ થઈ જાય તો રિન્યૂ કરાવવા માટે અરજદારોએ આરટીઓ કચેરી માં રૂબરૂ જવું પડે છે. પરંતુ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સિસ્ટમને ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેથી અરજદાર પોતે ઘરેબેઠા કાચું લાઈસન્સ હવે રિન્યૂ કરી શકશે.
આ સિસ્ટમના કારણે અરજદારોને આરટીઓ કચેરીના ધક્કામાંથી મુક્તિ મળશે. વાહન વ્યવહાર દ્વારા કરાયેલી વ્યવસ્થા પ્રમાણે parivahan.gov.in નામની વેબસાઈટ પરથી ઓનલાઈન કાચું લાઈસન્સ રિન્યૂ કરી શકશે. અરજદાર ઘરે બેઠા લાઈસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.
કોઈ અરજદાર પાસે ટૂ-વ્હીલરનું લાઈસન્સ હોય અને તેને ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હોય તો, તેના માટે પણ આરટીઓ કચેરીમાં જઈ કાચું લાઈસન્સ મેળવવું પડતું હતું. પરંતુ હવેથી અન્ય વર્ગનું લાઈસન્સ મેળવવા માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. જેના માટે અરજદારે ઓનલાઈન જ ફી ભરીને વર્ગનો જાતે જ ઉમેરો થઈ જશે. વેરિફિકેશન અને એપ્રૂવલ થયા બાદ અરજદારે નિયત તારીખે માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જ હાજર રહેવાનું થશે. આ ઉપરાંત ભયજનક માલનાં વહન કરવા માટે એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું પડતું હતું. પરંતુ હવેથી જે મેન્યુઅલ સ્ટેમ્પિંગ કરાવવું પડતું તેમાંથી મુક્તિ અપાઈ છે.