રહેણાક ફ્લેટમાં ચાલતી ક્લિનિકમાં આવતાં લોકોના લીધે ફ્લેટના રહીશો કોરોના સંક્રમિત થયાનો આક્ષેપ
ફ્લેટમાં ધંધો કરતાં ડોક્ટર્સના લીધે કોરોના ફેલાયાની ફરિયાદ નોંધવા રિટ
અમદાવાદ, શહેરના ઘાટલોડિયા વિસ્તારના રહેણાક ફ્લેટનો નેચરોપથી, હોમિયોપથી, યોગા અને ડાયટિંગ જેવી તબીબી ચિકિત્સા માટેનો ધંધાદારી ઉપયોગ કરીને ફ્લેટમાં કોરોના ફેલાવ્યાના મુદ્દે ડોક્ટર્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની માગ સાથે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે.
ઘાટલોડિયાનાં શ્રી એવન્યુ ફ્લેટમાં પહેલા માળે ડો.કુંજલબેન પટેલ અને બીજા માળે ડો. જીતેન્દ્ર પંચાલ ક્લિનિક્સ ચલાવે છે. કોરોનાકાળામાં પણ આ ક્લિનિક્સ ચાલુ હોઇ લોકોની સતત અવરજવર રહેતી હોવાથી કોરોના ફેલાવવાનો ભય હોવાથી અરજદાર દિપક વ્યાસે તેનો વિરોધ કર્યો હતો. સાથે જ લોકોની અવરજવર બંધ કરવા પણ કહ્યું હતું.
પરંતુ તેમ છતાંય ડોક્ટરોએ તેમની સાંભળી નહોતી. દરમિયાન દિપકભાઇના કુટુંબના સભ્યો કોરોના સંક્રમિત થયા હતા અને તેમના માતાનું અવસાન પણ થયું હતું. તેથી તેમણે ફ્લેટના ડોક્ટરોની બેદરકારીના લીધે તેમના માતાનું અવસાન થયાની ઘાટલોડિયા પોલીસમાં અરજી કરી હતી. જાેકે, પોલીસે કાર્યવાહી નહીં કરતાં અંતે હાઇકોર્ટમાં રિટ કરવાની ફરજ પડી છે.
અરજદાર દિપક વ્યાસે પોલીસ ફરિયાદ માટે રજૂ કરેલી હકીકત મુજબ તેમના ફ્લેટના બંને ડોક્ટર્સ પોતાની મનમાની કરતાં હતા અને કોરોનાની મહામારી છતાંય બેદરકારીભર્યુ વલણ દાખવતા હા. જેના લીધે અન્ય રહીશોને ભારે હાલાકી નડતી હતી અને કોરોના ફેલાવવાનો ભય પણ રહેતો હતો. તેથી ડોક્ટર્સને વિનંતી અને ચેતવણી આપતો પત્ર પણ આપ્યો હતો. તેમ છતાંય કોઇ કાળજી લેવાઇ નહોતી. તેમની ક્લિનિક્સ પર લોકોના સારવાર માટે દર્દીઓના ટોળા વળતા હતા અને સામાજિક અંતરના નિયમનો અમલ પણ થતો નહોતો.
તે ઉપરાંત દર્દીઓ દ્વારા ધૂમ્રપાન, પાનમસાલા ખાઇને પીચકારીઓ પણ મારવામાં આવતી હતી. અનેકવારની રજૂઆત છતાંય કોઇ સમાધાન આવ્યું નહોતું અને અંતે ફ્લેટમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. જેમાં તેમના પુત્ર, માતા કોરોના સંક્રમિત થયા હતા અને સારવાર દરમિયાન માતાનું મૃત્યુ થયુ હતુ. આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસને કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પરંતુ તેમણે અરજીમાં યોગ્ય ધ્યાન આપ્યુ નથી. તેથી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે.