કર્ફ્યુમાં હોટલમાં નવો ટ્રેન્ડ, ડિનર નહીં લંચ માટે ભીડ
અમદાવાદ: કોરોનાને કંટ્રોલમાં રાખવા માટે દેશભરમાં લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા. લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું. ભીડને કાબૂમાં રાખવા સોશિયલ ડિસ્ટન્સિંગના અનેક નિયમો લગાવી દેવામાં આવ્યા. બાકી હોય તો માંડ માંડ ખૂલેલી હોટલ માટે પણ સરકારે કડક ગાઈડલાઈન બનાવી જેનાથી હોટલ અને ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં જીવ તો આવ્યો અને કાચબા ગતિએ ચાલતો ધંધો ધીમે ધીમે થાળે પડતો ગયો છે. હવે રહી વાત ગ્રાહકોની તો લોકોએ પણ કોરાનાના કારણે પોતાની લાઈફ સ્ટાઈલ બદલી દીધી છે.
ખાસ કરીને વીકમાં એક દિવસ હોટલમાં જમવાના શોખીનો હવે કઈક હટકે પ્લાન કરી રહ્યાં છે. હોટલ અને રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીઝને પડેલા ફટકાને ગ્રાહકો હવે કઈક અલગ રીતે સરભર કરાવી રહ્યાં છે લોકોને ડિનર કરવા હોટલમાં જવુ છે પણ હવે લંચ પર પસંદગી ઉતારી રહ્યાં છે. વીકએન્ડમાં એક અથવા બે શનિવાર અથવા રવિવારે હોટલમાં લંચ માટે બુકિંગ થઈ રહ્યાં છે. ૯ વાગ્યા પછીના કરફ્યૂના કારણે રાત્રિનો ટ્રાફિક ઘટ્યો છે. પણ એની સામે બપોરના ટ્રાફિકમાં ૧૦થી ૧૫ ટકા જેવો વધારો થયો છે. સામાન્ય રીતે વીકએન્ડમાં નોર્મલ કરતા ૩૦થી ૪૦ ટકા વધુ બીઝનેસ રહેતો હોય તે ભલે ઘટ્યો છે
પણ લંચ માટે લોકોનો ધસારો થતાં સામાન્ય નુક્સાની સરભર થઈ રહી છે. સ્વાભાવિક છે કે જાે તમે લંચ કરવા જશો તો અત્યારના સમય પ્રમાણે હેવી કરતા હાઈઝીન જ વધુ પંસદ કરશો. તેથી મોટા ભાગના લોકો ગુજરાતી ભાણા પર પસંદગી ઉતારી રહ્યાં છે. દાળ, ભાત, શાક. કઠોળ, સલાડ, પાપડ, છાશ, શ્રીખંડ અથવા બાસુંદી, ફરસાણ જેવી શુધ્ધ ગુજરાતી વસ્તુઓ હોય છે અને આ જ વસ્તુઓ પર લોકો પંસદગીનો કળશ ઢોળી રહ્યાં છે.
સામાન્ય રીતે લોકો ઘરે હોય ત્યારે લંચમાં ગુજરાતી જમવાનું જ પસંદ કરતા હોય છે તેથી જાે હોટલમાં જાય ત્યારે અત્યારે ગુજરાતી ભોજન જ લઈ રહ્યાં છે. રાત્રે વધુ પ્રમાણમાં મલ્ટી ક્વિઝન લેવાતા હોય છે અને ડીનર બંધ થતાં મલ્ટી ક્યૂઝન માટે લોકોનો ટ્રાફિક ઘટ્યો છે. લોકો કોરોનાના કારણે હાઈઝન પ્રત્યે સજાગ થયા છે અને આ જ સજાગતાના કારણે હવે અનેક હોટલમાંથી મેનુ ગાયબ થઈ ગયા છે.
મેનુ કાર્ડની જગ્યાએ હવે ઊઇ કોડ આપી દેવાય છે જેથી લોકો આરામથી મેનુ જાેઈ પણ શકે અને બાદમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન પણ થઈ શકે. અનેક જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટમાં ઓનલાઈન મેનુ કાર્ડ આપવામાં આવી રહ્યા છે સાથે જ કેશલેસ ટ્રાન્જેક્શન તો ખરું જ. હાલ ધીમે ધીમે હોટલ અને રેસ્ટોરાં બીઝનેસની ગાડી પાટા પર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમ છતાં વર્ષોની મહેનતનું આ થોડા મહિનામાં નુક્સાન થયું છે તેની ભરપાઈ કરવી કદાચ આ રોકાણકારો અને હોટલ અને રેસ્ટોરાં માલિકો માટે થોડું મુશ્કેલ તો છે જ.