ભરૂચ: કોલીયાદ ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી કૌભાંડ ઝડપાયું
બે ફોકલેન મશીન ઝડપી પાડી અંદાજીત ૮૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. : મશીન માલીકને નોટીસ પાઠવી દંડ વસુલ કરાશે અને દંડ નહિ ભરપાઈ કરે તો પોલીસ કાર્યવાહી કરાશે : કેયુર રાજપરા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ : દહેજ પોલીસ મથકની હદ માં આવેલ કોલીયાદ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખાલી જગ્યામાં માટીનું ખોદકામ થતું હોવાની માહિતી ભરૂચ ભૂસ્તર વિભાગને મળતા શુક્રવારની રાત્રીએ સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા.જ્યાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કૌભાંડ ઝડપી પાડી બે ફોકલેન મશીન ઝડપી પાડી અંદાજીત ૮૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી દહેજ પોલીસને મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથધરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ભૂસ્તર વિભાગનીને માહિતી મળી હતી કે દહેજ પોલીસ મથક ની હદમાં આવેલ કોલીયાદ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખાલી જગ્યામાં માટીનું ખોદકામ થઈ રહ્યું છે.જેના આધારે ભૂસ્તર વિભાગે શુક્રવારની રાત્રીએ દરોડા પાડ્યા હતા.જ્યાં તેઓને માટી ખોદકામ કરી રહેલા બે ફોકલેન મશીન મળી આવ્યા હતા.જે બાદ ભૂસ્તર વિભાગની ટીમે સમગ્ર રાત્રી દરમ્યાન તપાસ હાથધરી તમામ મુદ્દામાલ સીઝ કરી દહેજ પોલીસને સોંપવામા આવ્યો હતો અને કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કેયુર રાજપરાએ જણાવ્યું હતું કે ભૂસ્તર વિભાગને ફરિયાદ મળતા શુક્રવારની રાત્રીના ૧૨ કલાકે ફરિયાદ મળી હતી.જેના આધારે એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં ઘટના સ્થળે થી બે ફોકલેન મશીન માટી ખોદકામ કરતા મળી આવ્યા હતા.
જે બાદ રાત્રી દરમ્યાન વધુ તપાસ હાથધરતા ખાલી જગ્યામાં ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવતું હોવાનું જણાઈ આવતા હાલ મશીન સીઝ કરી દહેજ પોલીસને સોંપવામાં આવ્યા છે.ત્યાર બાદ જમીનની માપણી કરવા માટે સર્વેયર મોકલવામાં આવશે અને ગેરકાયદેસર માટી ખોદકામનો અને મશીનનો દંડ ભરાવા માટે નોટીસ પાઠવવામાં આવશે અને ત્યાર બાદ મશીન અને જમીન ખોદકામનો દંડ નહિ ભરે તો મશીન માલીક સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાશે.