કોરોના વેક્સિનનું કામ યુધ્ધના ધોરણે, ટૂંકમાં રસીકરણ કરાશે
નવી દિલ્હી, કોરોના વાયરસના મારણ માટેની વેક્સીનનું યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેનું ટુંક સમયમાં જ વેક્સીનેશન શરૂ થઈ શકે છે. આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી કેટલાંક અઠવાડિયાંમાં કેટલીક વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. બે કંપનીએ તો આ માટે અરજી પણ કરી દીધી છે.
ભારતની ૬ જેટલી સ્વદેશી વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ્સ પણ એડવાન્સ સ્ટેજમાં છે. અહેવાલ પ્રમાણે ભારતમાં ૩૦ કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. તેની પાછળ મોદી સરકાર ૧૩ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
નાણાં મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું છે કે ઓગસ્ટ સુધીમાં કેન્દ્ર સરકાર ૩૦ કરોડ લોકોના વેક્સિનેશન પર ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
પ્રથમ તબક્કા માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. બિહાર અને કેરળ સરકારે જાહેરાત કરી છે કે તેમના રાજ્યના લોકોને વિનામૂલ્યે આ વેક્સિન મળશે. ટૂંક સમયમાં અન્ય રાજ્યો પણ આવી જાહેરાત કરી શકે છે.
પ્રથમ તબક્કામાં ભારતને ૬૦ કરોડ ડોઝની જરૂર પડશે. પૂણે ખાતેની સીરમ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું છે કે, માર્ચ સુધીમાં ૫૦ કરોડ
ડોઝ તૈયાર કરી લેશે. સીરમે પણ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે પણ આવેદનપત્ર કર્યું છે. ભારત બાયોટેકની કોવાક્સિન પણ આ રેસમાં આગળ છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ૧૬ કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં ૧ કરોડ ૪ હજાર એટલે કે ૬.૨૫% લોકોને સંક્રમણ લાગ્યું છે. સકારાત્મક વાત એ છે કે, ૯૫ લાખ ૪૯ હજાર ૯૨૩ લોકો સાજા પણ થઈ ગયા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે ૧ લાખ ૪૫ હજાર ૧૭૧ પર પહોંચી ગઈ છે.SSS