Western Times News

Gujarati News

મોદી સરકારનો ખેડૂતોને વાતચીત માટે ૫ પાનાંનો પત્ર

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા પર ખેડૂત આંદોલનના ૨૫માં દિવસે એકવાર ફરીથી સરકારે સંવાદ માટે પ્રયત્નોમાં ગતિ લાવી છે. એક બાજુ ખેડૂતોએ ભૂખ હડતાળની જાહેરાત કરી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાંચ પાનાનો પત્ર લખ્યો છે. સરકાર તરફથી ખેડૂતોને મોકલવામાં આવેલા પત્રમાં ક્રમવાર અત્યાર સુધી થયેલી બેઠકની મુખ્ય વાતો અને ઉકેલ ન આવવાના કારણોનો ઉલ્લેખ છે.

તથા એકવાર ફરીથી બેસીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનું આમંત્રણ પણ છે. ભારત સરકાર તરફથી સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર ક્રાંતિકારી કિસાન યુનિયન (પંજાબ)ના અધ્યક્ષ ડો. દર્શનપાલને લખી છે. આ ઉપરાંત ૩૯ અન્ય ખેડૂત નેતાઓને પણ આ પત્ર લખવામાં આવ્યો છે.

ખેડૂતોને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્ર સરકારે શરૂઆતથી લઈને અત્યાર સુધી કયા કયા પગલાં લેવાયા તેની સંપૂર્ણ વિગતો આપી છે. કેન્દ્ર સરકારે એકવાર ફરીથી ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ સરકાર દ્વારા જણાવવામાં આવેલા પોઈન્ટ્‌સ પર વિચાર કરીને વાતચીત માટેની આગળની તારીખ સૂચવે જેથી કરીને આંદોલન જલદી સમાપ્ત થઈ શકે. કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું છે કે ખેડૂત નેતા દર્શનપાલે જે ઈમેઈલ દ્વારા સરકારના પ્રસ્તાવ પર જવાબ મોકલ્યો છે

તે ખુબ જ સંક્ષિપ્ત છે અને તેમાં કશું સ્પષ્ટ નથી. ખેડૂતો તરફથી જવાબમાં એ પણ સ્પષ્ટ નથી કે સરકારના પ્રસ્તાવ પર તેઓ શું વિચારે છે અને તેમનો શું ર્નિણય છે. ન તો તેમાં એ સ્પષ્ટ છે કે સરકારના પ્રસ્તાવ પર કયા કયા ખેડૂત સંગઠન કયો મત ધરાવે છે.

બીજા બાજુ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણીને લઈને દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર એક બે દિવસમાં મુલાકાત કરે તેવી શક્યતા છે. શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે હું સમય અંગે સંપૂર્ણ રીતે માહિતગાર નથી પરંતુ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે તેમની માંગણીઓ પર ચર્ચા માટે તોમર મુલાકાત કરે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.