8 ઓગસ્ટે, પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
નવી દિલ્હી, મારા વ્હાલા દેશવાસીઓ, એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે તમે, અમે અને સમગ્ર દેશે સાથે મળીને એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એક એવી વ્યવસ્થા કે જેના કારણે જમ્મુ-કાશ્મીર અને લડાખના આપણાં ભાઈ-બહેનો અનેક અધિકારોથી વંચિત રહી ગયા હતા અને તેમના વિકાસમાં મોટો અવરોધ હતો તે હવે દૂર થઈ ગયો છે. જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું,અટલજી અને કરોડો દેશભક્તોનું હતું તે આજે પૂરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર અને લડાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે દેશના તમામ નાગરિકોના હક એક સરખા છે અને જવાબદારી પણ એક સરખી જ છે. હું જમ્મુ-કાશ્મીરના લોકોને, લડાખના લોકોને અને પ્રત્યેક દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
સમાજ જીવનમાં ઘણી બાબતો સમયની સાથે એટલી બધી હળીમળી ગઈ હોય છે કે ઘણી વખત આવી બાબતોને સ્થાયી માની લેવામાં આવે છે. એવો ભાવ પેદા થાય છે કે કશું બદલાશે નહીં, અને આમ જ ચાલશે. કલમ-370 માટે પણ કંઈક આવો જ ભાવ વ્યક્ત થતો હતો. તેના કારણે જમ્મુ-કાશ્મીર અને લડાખમાં આપણાં ભાઈ-બહેનો અને આપણાં બાળકોને જે નુકશાન થઈ રહ્યું હતું તેની ચર્ચા પણ થતી ન હતી. હેરાન કરી મૂકે તેવી વાત એ છે કે તમે કોઈની સાથે પણ વાત કરો તો કોઈ કહી શકતું ન હતું કે કલમ-370 થી જમ્મુ-કાશ્મીરના લોકોને શું લાભ થયો.
ભાઈઓ અને બહેનો,
કલમ-370 અને કલમ-35A ને જમ્મુ-કાશ્મીરને અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્યવસ્થાઓને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સિવાય કશું આપ્યું નથી. પાકિસ્તાન દ્વારા આ બંને કલમોનો ઉપયોગ દેશની વિરૂધ્ધ કેટલાક લોકોની ભાવનાઓને ભડકાવવા માટે એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં લગભગ 42,000 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગૂમાવવો પડ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લડાખનો વિકાસ એ ગતિથી નથી થઈ શક્યો કે જેના માટે તેઓ હકદાર હતા. હવે વ્યવસ્થાની આ ઊણપ દૂર થઈ જવાથી જમ્મુ-કાશ્મીર અને લડાખના લોકોનો વર્તમાન સમય તો સુધરશે જ, સાથે સાથે તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત બની રહેશે.
સાથીઓ,
આપણાં દેશમાં કોઈપણ સરકાર હોય, તે સંસદમાં કાયદો ઘડીને દેશના હિત માટે કામ કરતી હોય છે. કોઈપણ પક્ષની સરકાર હોય, કોઈપણ ગઠબંધનની સરકાર હોય, આ કાર્ય નિરંતર ચાલુ રહેતું હતું. કાયદો ઘડતી વખતે ઘણી ચર્ચા થતી હોય છે. ચિંતન અને મનન થતું હોય છે. તેની જરૂરિયાત અને તેની અસરો બાબતે ગંભીર રીતે અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી પસાર થઈને કાયદો બને છે અને તેનાથી દેશના લોકોનું ભલુ થતું હોય છે, પરંતુ કોઈ કલ્પના પણ કરી શકતું નથી કે સંસદમાં આટલી મોટી સંખ્યામાં ઘડાયેલા કાયદાઓ દેશના એક ભાગમાં લાગુ પણ પડતા નથી. અને તે પણ એટલા સુધી કે અગાઉની જે સરકારો હતી તે એક કાયદો બનાવીને પ્રશંસા હાંસલ કરતી હતી તે પણ એવો દાવો કરી શકતી ન હતી કે તેમનો બનાવેલો કાયદો જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ પડશે.
જે કાયદો દેશની સમગ્ર વસતિ માટે ઘડવામાં આવતો હતો તે કાયદાના લાભથી જમ્મુ-કાશ્મીરના દોઢ કરોડથી વધુ લોકો વંચિત રહી જતા હતા. વિચાર કરો, દેશના અન્ય રાજ્યોમાં બાળકોને શિક્ષણનો અધિકાર છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકો તેનાથી વંચિત રહ્યા છે. દેશના અન્ય રાજ્યોમાં દિકરીઓને જે તમામ હક મળે છે તે તમામ હક જમ્મુ-કાશ્મીરની દિકરીઓને મળતા ન હતા. દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારીઓ માટે સફાઈ કર્મચારી કાયદો લાગુ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના સફાઈ કર્મચારીઓ તેનાથી વંચિત છે. દેશના અન્ય રાજ્યોમાં દલિતો ઉપર અત્યાચાર રોકવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આવુ નથી. દેશના અન્ય રાજ્યોમાં લઘુમતિના હિતોની સુરક્ષા માટે માઈનોરિટી એક્ટ લાગુ પડે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં એવું નથી. દેશના અન્ય રાજ્યોમાં શ્રમિકોના હિતોના રક્ષણ માટે લઘુતમ વેતન ધારો લાગુ પડે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં કામ કરનારા શ્રમિકો માટે આ કાયદો માત્ર કાગળ ઉપર જ રહે છે. દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી લડતા સમયે અનુસૂચિત જનજાતિના ભાઈ-બહેનોને અનામતનો લાભ મળે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં એવું ન હતું.
સાથીઓ,
હવે કલમ-370 અને 35A ઈતિહાસની બાબત બની ગયા પછી તેની નકારાત્મક અસરોમાંથી પણ જમ્મુ-કાશ્મીર બહાર નિકળી જશે તેનો મને પૂરો વિશ્વાસ છે.
ભાઈઓ અને બહેનો,
નવી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારની એ અગ્રતા રહેશે કે રાજ્ય સરકારના કર્મચારીઓને, જમ્મુ-કાશ્મીરની પોલિસને અને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ અને ત્યાંની પોલિસને એક સરખી સુવિધાઓ પ્રાપ્ત થશે.
હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એલટીસી, હાઉસ રેન્ટ એલાઉન્સ, બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન એલાઉન્સ, આરોગ્ય યોજના અને એવી અનેક નાણાંકિય સુવિધાઓ આપવામાં આવે છે, જેનો લાભ મહદ્દ અંશે જમ્મુ-કાશ્મીરના કર્મચારીઓને મળતો નથી. આવી સુવિધાઓની સમીક્ષા કરીને તુરત જ જમ્મુ-કાશ્મીરના કર્મચારીઓ અને ત્યાંની પોલિસને પણ આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
સાથીઓ, ખૂબ ટૂંકા ગાળામાં જમ્મુ-કાશ્મીર અને લડાખમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તેનાથી સ્થાનિક નવયુવાનોને રોજગારીની પૂરી તકો ઉપલબ્ધ થશે. સાથે સાથે કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રનાં એકમો અને ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓને પણ રોજગારીની નવી તકો ઉભી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત સેના અને અર્ધ સૈનિક દળો દ્વારા સ્થાનિક યુવકોની ભરતી માટે રેલીઓનું આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા સ્કોલરશીપ યોજનાનું પણ વિસ્તરણ કરવામાં આવશે, કે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે. જમ્મુ-કાશ્મીરમાં રાજકોષિય ખાધ ઘણી વધારે છે. કેન્દ્ર સરકાર એ બાબતે ધ્યાન રાખશે કે તેની ઓછામાં ઓછી અસર પડે.
ભાઈઓ અને બહેનો,
કેન્દ્ર સરકારે કલમ-370 દૂર કરવાની સાથે સાથે જ થોડાંક સમય માટે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની સીધા શાસન હેઠળ રાખવાનો નિર્ણય સમજી વિચારીને કર્યો છે. તેની પાછળનું કારણ સમજવું તમારે માટે ખૂબ જ મહત્વનું છે. જ્યારથી ત્યાં ગવર્નરનું શાસન લાગુ પડ્યું છે, જમ્મુ-કાશ્મીરનું વહિવટી તંત્ર સીધુ કેન્દ્ર સરકારના સંપર્કમાં હોવાના કારણે વિતેલા થોડાક મહિનાઓમાં સુશાસન અને વિકાસની બહેતર અસર ધરતી પર જોવા મળી છે. જે યોજનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ હતી તેને હવે જમીન ઉપર લાવી શકાઈ છે. દાયકાઓથી અટવાઈ પડેલા પ્રોજેક્ટસને હવે નવી ગતિ મળી છે અને તેનાથી જમ્મુ-કાશ્મીરમાં એક નવી કાર્ય સંસ્કૃતિ લાવવાનો અને પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરાયો છે. આનું પરિણામ એ આવ્યું છે કે આઈઆઈટી, આઈઆઈએમ, એઈમ્સ હોય કે તમામ સિંચાઈ યોજનાઓ હોય, વિજળીના પ્રોજેક્ટસ હોય કે પછી ભ્રષ્ટાચાર નિવારણ બ્યૂરો હોય. આ બધાંના કામમાં ગતિ આવી છે.
આ ઉપરાંત ત્યાં કનેક્ટિવિટી સાથે જોડાયેલા પ્રોજેક્ટ હોય,માર્ગો અને નવી રેલવે લાઇનનું કામ થાય,એરપોર્ટનું આધુનિકીકરણ થાય, સૌની ઝડપી ગતિથી પ્રગતિ કરી શકાય,
સાથીઓ,
આપણા દેશની લોકશાહી આટલી મજબૂત છે.પરંતુ તમને જાણીને ઘણું આશ્ચર્ય થશે કેજમ્મુ-કાશ્મીરમાં દાયકાઓથી,હજારોની સંખ્યામાં એવા ભાઇઓ- બહેનો રહે છે,જેમને લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર તો મળ્યો હતો પરંતુ તેઓ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન નહોતા કરી શકતા.આ એવા લોકો છે જેઓ 1947ના ભાગલા પછી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.શું આ લોકો સાથે અન્યાય આવી જ રીતે ચાલતો રહે?
સાથીઓ, જમ્મુ- કાશ્મીરના આપણા ભાઈઓ- બહેનોને હું એક મહત્વપૂર્ણ વાત વધુ સ્પષ્ટ કરવા માંગું છું.તમારા લોક પ્રતિનિધિ તમારા દ્વારા જ ચૂંટવામાં આવશે, તમારામાંથી કોઇ આવશે.જે રીતે પહેલાં MLA હતા, તેવી જ રીતે ભવિષ્યમાં પણ MLA આવશે. જે પ્રકારે પહેલાં મંત્રી પરિષદ હતી, તેવી જ મંત્રી પરિષદ પણ ભવિષ્યમાં હશે.જે રીતે તમારા સીએમ બનતા હતા, તેવી જ રીતે ભવિષ્યમાં પણ તમારા સીએમ હશે.સાથીઓ, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નવી વ્યવસ્થા હેઠળ આપણે સૌ સાથે મળીને આતંકવાદ- ભાગલાવાદથી જમ્મુ- કાશ્મીરને મુક્ત કરાવીશું.
જ્યારે ધરતીનું સ્વર્ગ, આપણું જમ્મુ-કાશ્મીર ફરી એક વખત વિકાસની નવી ઊંચાઈઓ પાર કરીને સમગ્ર દુનિયાને આકર્ષવા લાગશે, નાગરિકોના જીવનમાં ઇઝ ઓફ લિવિંગ વધશે, નાગરિકોને જે હકો મળવા જોઇએ તે કોઇપણ રોકટોક વગર મળવા લાગશે, શાસન–તંત્રની તમામ વ્યવસ્થાઓ જનહિતના કાર્યોને ઝડપથી આગળ વધારશે, તો હું નથી માનતો કે કેન્દ્ર શાસિત પ્રદેશની વ્યવસ્થા જમ્મુ–કાશ્મીરમાં હંમેશા ચાલુ રાખવાની જરૂર પડશે.
ભાઈઓ અને બહેનો, અમે બધા ઈચ્છીએ છીએ કે, આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાય, નવી સરકાર બને, મુખ્યમંત્રી બને.હું જમ્મુ-કાશ્મીરના લોકોને ભરોસો આપું છું કે, તમને ખૂબ જ પ્રામાણિકતાપૂર્વક, સંપૂર્ણ પારદર્શક માહોલમાં તમારા પ્રતિનિધિઓ ચૂંટવાની તક મળશે.જે પ્રકારે વિતેલા દિવસોમાં પંચાયતની ચૂંટણી પારદર્શકતા સાથે સંપન્ન કરાવવામાં આવી, તે પ્રકારે જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવામાં આવશે.
હું રાજ્યના ગર્વનરને પણ આગ્રહ કરીશ કે બ્લૉક ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના, જે છેલ્લા બેત્રણ દાયકાથી પડતર છે, તેને પૂર્ણ કરવાનું કામ વહેલામાં વહેલી તકે કરવામાં આવે.
સાથીઓ, આ મારો પોતાનો અનુભવ છે કે ચાર-પાંચ મહિના પહેલાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની પંચાયતની ચૂંટણીમાં જે લોકો ચૂંટાઇને આવ્યા, તેઓ ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે.થોડા મહિના પહેલાં જ્યારે હું શ્રીનગર ગયો હતો, ત્યારે ત્યાં તેમની સાથે પણ મારી મુલાકાત થઇ હતી.તેઓ જ્યારે દિલ્હી આવ્યા હતા, ત્યારે પણ મારા ઘરે, મેં તેમની સાથે ઘણા લાંબા સમય સુધી વાતો કરી હતી.પંચાયતના આ સાથીઓના કારણે જમ્મુ-કાશ્મીરમાં વિતેલા દિવસોમાં ગ્રામીણ સ્તરે ખૂબ જ ઝડપથી કામ થયું છે.દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ હોય કે પછી રાજ્યને ODF બનાવવું હોય, તેમાં પંચાયતના પ્રતિનિધિઓની બહુ જ મોટી ભૂમિકા રહી છે.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હવે અનુચ્છેદ 370 હટાવી દીધા પછી,જ્યારે આ પંચાયતના સભ્યોને નવી વ્યવસ્થામાં કામ કરવાની તક મળશે તો તેઓ કમાલ કરી બતાવશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરની જનતા ભાગલાવાદને પરાસ્ત કરીને નવી આશાઓ સાથે આગળ વધશે.મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, જમ્મુ-કાશ્મીરની જનતા, ગૂડ ગવર્નન્સ અને પારદર્શકતાના માહોલમાં, નવા ઉત્સાહ સાથે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરશે.
સાથીઓ, દાયકાઓના પરિવારવાદે જમ્મુ-કાશ્મીરના મારા યુવાનોને નેતૃત્વની તક જ નથી આપી.હવે મારા આ યુવાનો, જમ્મુ-કાશ્મીરના વિકાસનું નેતૃત્વ કરશે અને તેને નવી ઊંચાઈઓ પર લઇ જશે.
હું જમ્મુ- કાશ્મીર અને લદ્દાખના નવયુવાનો,અહીંની બહેન- દીકરીઓને ખાસ કરીને આગ્રહ કરીશ કે તેઓ પોતાના વિસ્તારના વિકાસની કમાન ખુદ સંભાળે.
સાથીઓ, જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં દુનિયાનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બનવાની ક્ષમતા છે. તેના માટે જે માહોલ જોઇએ, શાસન પ્રશાસનમાં જે પરિવર્તન જોઇએ, તે કરવામાં આવી રહ્યા છે પરંતુ મને તેમાં દરેક દેશવાસીઓનો સાથ જોઇએ છે. એક જમાનો હતો, જ્યારે બોલિવૂડના ફિલ્મોના શુટિંગ માટે કાશ્મીર પસંદગીની જગ્યા હતી. તે સમયે ભાગ્યે જ એવી કોઇ ફિલ્મ બનતી, જેનું શુટિંગ કાશ્મીરમાં ના થયું હોય.
હવે જમ્મુ- કાશ્મીરની સ્થિતિ સામાન્ય થશે, તો દેશ જ નહીં, દુનિયાભરના લોકો અહીં ફિલ્મોના શુટિંગ કરવા માટે આવશે. દરેક ફિલ્મ પોતાની સાથે કાશ્મીરના લોકો માટે રોજગારની અનેક તકો પણ લઇને આવશે. હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તેલુગુ અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કરીશ કે જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ અંગે, ફિલ્મના શુટિંગથી માંડીને થિયેટર અને અન્ય સંસાધનોની સ્થાપના અંગે જરૂર વિચાર કરે.
જેઓ ટેકનોલોજીની દુનિયામાં જોડાયેલા લોકો છે, ભલે તે પ્રશાસન હોય કે પછી પ્રાઇવેટ સેક્ટરમાં હોય, હું તે તમામને આગ્રહ કરીશ કે તેઓ પોતાની નીતિઓમાં, પોતાના નિર્ણયોમાં એક વાતને પ્રાથમિકતા આપે કે જમ્મુ-કાશ્મીરમાં કેવી રીતે ટેકનોલોજીનું વધુ વિસ્તરણ કરી શકાય.
જ્યારે અહિંયા ડિજિટલ કમ્યુનિકેશનને તાકાત મળશે, જ્યારે BPO સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર વધશે, જેટલું વધુ ટેકનોલોજીનું વિસ્તરણ થશે, એટલું જ જમ્મુ-કાશ્મીરના ભાઇઓ-બહેનોનું જીવન સરળ થશે, તેમની આજીવિકા અને રોજીરોટી કમાવાની તકો વધશે.
સાથીઓ,
સરકારે જે નિર્ણય લીધો છે, તે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના એ નવયુવાનોને પણ મદદ કરશે, જેઓ સ્પોર્ટ્સની દુનિયામાં આગળ વધવા માંગે છે. નવી સ્પોર્ટ્સ એકેડેમીઓ, નવા સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સાયન્ટિફિક વાતાવરણમાં તાલીમ, તેમને દુનિયામાં પોતાનું ટેલેન્ટ બતાવવામાં મદદ કરશે.
સાથીઓ, જમ્મુ- કાશ્મીરના કેસરનો રંગ હોય કે પછી કાવાનો સ્વાદ, સફરજનની મીઠાશ હોય કે પછી ખુબાનીનો રસ, કાશ્મીર શાલ હોય કે પછી કલાકૃતિઓ, લદ્દાખની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય કે પછી હર્બલ મેડિસિન તેનો પ્રસાર દુનિયાભરમાં કરવાની જરૂર છે.
હું તમને એક ઉદાહરણ આપું છું. લદ્દાખમાં સોલો નામનો એક છોડ મળે છે. જાણકારોનું કહેવું છે કે આ છોડ, ઊંચાઈએ રહેનારા લોકો માટે, બરફના પહાડો પર તૈનાત સુરક્ષા જવાનો માટે સંજીવનીનું કામ કરે છે. ઓછા ઓક્સિજન વાળી જગ્યાએ શરીરની ઇમ્યુન સિસ્ટમને ટકાવી રાખવામાં તેની ખૂબ જ મોટી ભૂમિકા છે. વિચારો, કેવી અદભુત છે આ ચીજ, દુનિયાભરમાં તે વેચાવી જોઇએ કે નહીં? કયો હિન્દુસ્તાની આવું ના ઇચ્છે.
અને સાથીઓ, મેં માત્ર એક જ નામ લીધું છે. આવા અગણિત છોડ, હર્બલ પ્રોડક્ટ જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં ફેલાયેલા પડ્યા છે. તેની ઓળખ થશે, તેનું વેચાણ થશે અને તેનો બહુ મોટો લાભ ત્યાંના લોકોને મળશે, ત્યાંના ખેડૂતોને મળશે.
આથી હું દેશના ઉદ્યોગસાહસિકોને, નિકાસ સાથે જોડાયેલા લોકોને, ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં જોડાયેલા લોકોને આગ્રહ કરીશ કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સ્થાનિક પ્રોડક્ટ્સને દુનિયાભરમાં પહોંચાડવા માટે તેઓ આગળ આવે.
સાથીઓ,
કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા પછી હવે લદ્દાખના લોકોનો વિકાસ, ભારત સરકારની સ્વાભાવિક જવાબદારી બની જાય છે. સ્થાનિક પ્રતિનિધિઓ, લદ્દાખ અને કારગીલની વિકાસ પરિષદના સહયોગથી કેન્દ્ર સરકાર, વિકાસની તમામ યોજનાઓનો લાભ હવે વધુ ઝડપથી પહોંચાડશે. લદ્દાખમાં સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ અને ઇકો ટુરિઝમનું સૌથી મોટુ કેન્દ્ર બનવાની ક્ષમતા છે. સોલર પાવર જનરેશનનું પણ લદ્દાખ ખૂબ મોટું કેન્દ્ર બની શકે છે. હવે ત્યાંના સામર્થ્યનો યોગ્ય ઉપયોગ થશે અને કોઇપણ ભેદભાવ વગર વિકાસ માટે નવી તકો બનાવીશું.
હવે લદ્દાખના નવયુવાનોના ઇનોવેટિવ જુસ્સાને પ્રોત્સાહન મળશે, તેમને સારા શિક્ષણ માટે બહેતર સંસ્થાઓ મળશે, ત્યાંના લોકોને સારી હોસ્પિટલ મળશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વધુ ઝડપથી આધુનિકીકરણ થશે.
સાથીઓ,
લોકશાહીમાં એ ખૂબ જ સ્વાભાવિક છે કે કેટલાક લોકો આ નિર્ણયના પક્ષમાં છે અને કેટલાકને તેના પર મતભેદ હોય છે. હું તેમના મતભેદનું પણ સન્માન કરું છું અને તેમની આપત્તિઓનું પણ. તેના પર જે વિવાદ થઇ રહ્યો છે, તેનો કેન્દ્ર સરકાર જવાબ પણ આપી રહી છે. સમાધાન કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. એ અમારી લોકશાહી જવાબદારી છે. પરંતુ મારો તેમને આગ્રહ છે કે તેઓ દેશ હિતને સર્વોપરી રાખીને વ્યવહાર કરે અને જમ્મુ કાશ્મીર, લદ્દાખને નવી દિશા આપવામાં સરકારની મદદ કરે. દેશને મદદ કરે. સંસદમાં કોણે મતદાન કર્યું, કોણે નથી કર્યું, કોણે સમર્થન આપ્યું, કોણે નથી આપ્યું, તેનાથી આગળ વધીને હવે આપણે જમ્મુ કાશ્મીર લદ્દાખના હિતમાં સાથે મળીને, એકત્રિત થઈને કામ કરવાનું છે.
હું પ્રત્યેક દેશવાસીને પણ એ કહેવા માંગું છું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોની ચિંતા, આપણા સૌની ચિંતા છે, 130 કરોડ નાગરિકોને ચિંતા છે. તેમના સુખ દુઃખ, તેમની તકલીફથી આપણે જુદા નથી. આર્ટીકલ 370માંથી મુક્તિ એક સચ્ચાઈ છે, પરંતુ સચ્ચાઈ એ પણ છે કે વર્તમાન સમયમાં ઐતિહાસિક દૃષ્ટિએ ઉઠાવવામાં આવેલા પગલાઓના કારણે જે પણ મુશ્કેલીઓ આવી રહી છે, તેનો સામનો પણ એ લોકો જ કરી રહ્યા છે. કેટલાક મુઠ્ઠીભર લોકો, જેઓ ત્યાંની પરિસ્થિતિ બગાડવા માંગે છે, તેમને ધૈર્યપૂર્વક જવાબ પણ અમારા ત્યાના ભાઈ બહેનો આપી રહ્યા છે. આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે આતંકવાદ અને અલગાવવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની કુટનીતિના વિરોધમાં જમ્મુ કાશ્મીરના જ દેશભક્ત લોકો મજબૂત બનીને ઉભા રહ્યા છે. ભારતીય બંધારણ પર વિશ્વાસ કરનારા આપણા આ તમામ ભાઈ બહેનો સારું જીવન જીવવાના અધિકારી છે. અમને તે સૌ પર ગર્વ છે. હું આજે જમ્મુ કાશ્મીરના આ સાથીઓને ભરોસો અપાવું છું કે ધીમે-ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ જશે અને તેમની મુશ્કેલી પણ ઓછી થતી જશે.
સાથીઓ, ઈદનો પવિત્ર તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ઈદની માટે મારા તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સરકાર એ વાતનું ધ્યાન રાખી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં ઈદ ઉજવવામાં લોકોને કોઈ તકલીફ ન પડે. અમારા જે સાથીઓ જમ્મુ કાશ્મીરની બહાર રહે છે અને ઈદ પર પોતાના ઘરે પાછા આવવા માંગે છે, તેમને પણ સરકાર તમામ શક્ય મદદ આપી રહી છે.
સાથીઓ, આજે આ અવસર પર, હું જમ્મુ કાશ્મીરના લોકોની સુરક્ષામાં ગોઠવાયેલા આપણા સુરક્ષા દળોના સાથીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. પ્રશાસન સાથે જોડાયેલા તમામ લોકો, રાજ્યના કર્મચારી અને જમ્મુ કાશ્મીર પોલીસ જે રીતે સ્થિતિને સંભાળી રહી છે, તે ખરેખર પ્રશંસનીય છે. તમારા આ પરિશ્રમે, મારો એ વિશ્વાસ વધારે વધાર્યો છે, પરિવર્તન થઇ શકે છે.
ભાઈઓ અને બહેનો, જમ્મુ કાશ્મીર આપણા દેશનો મુકુટ છે. ગર્વ કરીએ છીએ તેની રક્ષા માટે જમ્મુ કાશ્મીરના અનેક વીર દીકરા દીકરીઓએ પોતાનું બલિદાન આપ્યું છે, પોતાનું જીવન દાવ પર લગાવ્યું છે. પુંચ જિલ્લાના મૌલવી ગુલામદીન, જેમણે 65ની લડાઈમાં પાકિસ્તાની ઘુસણખોરોના વિષયમાં ભારતીય સેનાને જણાવ્યું હતું, તેમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા,
લદ્દાખના કર્નલ સોનમ વાન્ચુંગ જેમણે કારગીલની લડાઈમાં દુશ્મનને જમીન દોસ્ત કરી નાખ્યા હતા, તેમને મહાવીર ચક્ર આપવામાં આવ્યું હતું, રાજૌરીની રુખસાના કૌસર, જેમણે એક મોટા આતંકવાદીને ઠાર માર્યો હતો, તેમને કીર્તિ ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા, પુંચના શહીદ ઔરંગઝેબ, જેમની ગયા વર્ષે આતંકવાદીઓએ હત્યા કરી નાખી હતી અને જેમના બંને ભાઈઓ હવે સેનામાં ભરતી થઇને દેશની સેવા કરી રહ્યા છે, આવા વીર દીકરા દીકરીઓની યાદી ખૂબ લાંબી છે.
આતંકવાદીઓ સામે લડતા લડતા જમ્મુ કશ્મીર પોલીસના અનેક જવાનો અને અધિકારીઓ પણ શહીદ થયા છે. દેશના અન્ય ભૂ-ભાગમાંથી પણ હજારો લોકોને આપણે ગુમાવ્યા છે, એ તમામનું સપનું રહ્યું હતું-
એક શાંત, સુરક્ષિત, સમૃદ્ધ જમ્મુ કાશ્મીર બનાવવાનું. તેમના સપનાઓને જ આપણે સાથે મળીને પૂરા કરવાના છે.
સાથીઓ,
આ નિર્ણય જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સાથે જ સમગ્ર ભારતની આર્થિક પ્રગતિમાં સહયોગ કરશે.
જ્યારે દુનિયાના આ મહત્વપૂર્ણ ભૂ-ભાગમાં શાંતિ અને ખુશહાલી આવશે તો સ્વાભાવિકપણે વિશ્વ શાંતિના પ્રયાસને શક્તિ મળશે. હું જમ્મુ કાશ્મીરના મારા ભાઈઓ અને બહેનોને, લદ્દાખના મારા ભાઈઓ અને બહેનોને આહ્વાહન કરું છું. આવો, આપણે સૌ સાથે મળીને દુનિયાને દેખાડી દઈએ કે આ ક્ષેત્રના લોકોનું સામર્થ્ય કેટલું વધારે છે, અહીના લોકોનો જુસ્સો, તેમનો ઉત્સાહ કેટલો વધારે છે. આવો, આપણે સૌ સાથે મળીને, નવા ભારતની સાથે સાથે હવે નવા જમ્મુ કાશ્મીર અને નવા લદ્દાખનું પણ નિર્માણ કરીએ.
ખૂબ-ખૂબ આભાર.
જય હિન્દ.