રસાયણ અને ખાતર મંત્રી ડી વી સદાનંદ ગૌડાએ OPPIની વાર્ષિક બેઠક હેલ્થકેર એક્સલરેટેડ લોંચ કરી
બે દિવસની આ બેઠકની થીમ છે – ભારતની હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનની સફર
મુંબઈ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી આદરણીય શ્રી ડી વી સદાનંદ ગૌડાએ ઓર્ગેનાઇઝેશન ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડ્યુસર્સ ઓફ ઇન્ડિયા (OPPI)ની વાર્ષિક બેઠક – હેલ્થકેર એક્સલરેટેડની નવમી એડિશન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આજે લોંચ કરી હતી, જેની થીમ છે – ભારતની હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનની સફર.
આ બે દિવસીય બેઠકની શરૂઆત OPPIના પ્રેસિડન્ટ શરદ ત્યાગીના ‘રિઇમેજિનિંગ ઇન્ડિયાસ હેલ્થકેર ઇન નેક્સ્ટ ડિકેડ (આગામી દાયકામાં ભારતના હેલ્થકેર ક્ષેત્રની પુનઃકલ્પના)’ સંબોધન સાથે થઈ હતી. ત્યારબાદ OPPIના ડાયરેક્ટર જનરલ કે જી અનંત ક્રિષ્નને ‘રિફ્રેશિંગ રિસર્ચ’ પર સંબોધન કર્યું હતું.
આ બેઠકના પ્રથમ દિવસે ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રીમતી એસ અપર્ણા તથા પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ સભ્ય અને અમેરિકાની બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનમાં રિસર્ચ ડાયરેક્ટર ડો. શમિકા રવિએ કીનોટ સંબોધન કર્યા હતા.
આ બેઠકને લોંચ કરતાં શ્રી સદાનંદ ગૌડાએ કોવિડ19 રસી વિકસાવવા અને એના નૈદાનિક પરીક્ષણો માટે આંતરરાષ્ટ્રીય અને ભારતીય કંપનીઓ, સંશોધન સંસ્થાઓ, સરકાર નિયમનકારી સંસ્થાઓ અને હોસ્પિટલોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ભારતને ઘણી વાર ‘દુનિયાની ફાર્મસી’ તરીકે ગણાવવામાં આવે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન જ્યારે ભારતે બાકી દુનિયા માટે મહત્ત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન અને નિકાસ કરવાનું જાળવી રાખ્યું હતું, ત્યારે આ વાત સંપૂર્ણપણે સાચી પુરવાર થઈ છે.
જ્યારે રોગચાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય અને ભારતની કંપનીઓએ દેશની સેવા કરવા માટે વધુને વધુ પ્રયાસો કર્યા છે, ત્યારે ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનાં પ્રદાનની નોંધ આખી દુનિયાએ લીધી છે. મને એમા કોઈ શંકા નથી કે, આ જોડાણો અને એમાં જોવા મળેલી પરિપક્વતા આગામી વર્ષોમાં ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પરિભાષિત કરશે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભારતે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર અને મેડિકલ ડિવાઇઝના ક્ષેત્રમાં મોટા પાયે પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષ્યું છે. એક રેકોર્ડ તરીકે વર્ષ 2019-20માં ભારતમાંથી ફાર્માસ્યુટિકલની 20 અબજ ડોલરથી વધારેની નિકાસ થઈ છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ નિકાસ 25 અબજ ડોલરનો આંકડો વટાવી જશે એવી અપેક્ષા છે. ગયા વર્ષે સ્થાનિક બજાર 22 અબજ ડોલરને પાર થઈ ગયું હતું. આ ખરેખર વધુ ઊંચી વૃદ્ધિ કરવા સજ્જ છે.”
આ બેઠકમાં સિપ્લા લિમિટેડનાં ડો. વાય કે હામિદને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)ના ડો. વી જી સોમાણીને સ્પેશ્યલ રેકગ્નિશન એવોર્ડ એનાયત થયો હતો.
કોવિડ19 રસીના અપડેટ પર વિશેષ સત્રમાં કોવિડ-19 રસી માટે જોહન્સન એન્ડ જોહન્સનના વિશેષ પ્રતિનિધિ જાક પીટર્સ અને બાયોલોજિકલ ઇ લિમિટેડના સ્પેશિયાલ્ટી જેનેરિક ઇન્જેક્ટેબ્લ્સ એન્ડ સિન્થેટિક બાયોલોજીના સીઇઓ અને ગ્લોબલ સ્ટ્રેટેજીના હેડ નરેન્દર માન્તેનાએ જાન્સ્સીન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સાર્થક રાનડે સાથે રસી વિકસાવવા પર આંતરરાષ્ટ્રીય પ્રયાસો વિશે જાણકારી આપી હતી.
રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય જહાજ, રસાયણ અને ખાતર મંત્રી આદરણીય શ્રી મનસુખ માંડવિયા 18 ડિસેમ્બરના રોજ અરમાનના ચેરપર્સન અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. અપર્ણા હેગડેને બાળકોના સ્વાસ્થ્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે તથા સ્વતંત્ર સેવાભાવી સંસ્થા કેનસપોર્ટના સ્થાપક અને પ્રેસિડન્ટ, મેનેજમેન્ટ પ્રોફેશનલ હરમાલા ગુપ્તાને હેલ્થકેર એક્સેસમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ એક્સેસ એવોર્ડ એનાયત કરશે.
CSIRના ડાયરેક્ટર જનરલ અને DSIRના સેક્રેટરી ડો. શેખર માંડે OPPIના વાર્ષિક વૈજ્ઞાનિક એવોર્ડ્ઝ ત્રણ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોને અર્પણ કરશે. ચાલુ વર્ષે વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીના ડો. દેવવ્રત દાસને OPPI સાયન્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ, કોલકાતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ના ડો. રિતુપર્ણા સિંહા રૉયને OPPI વૂમન સાયન્ટિસ્ટ ઓફ ધ યર તથા કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડો. અરુણ કુમાર શુક્લાને OPPI યંગ સાયન્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થશે.
આ બેઠકમાં ‘ભારતની હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનની સફર’ પર પાંચ પેનલ ડિસ્કશન યોજાશે. વળી બેઠકમાં સરકાર, નિયમનકારો, ઉદ્યોગ, સેવાભાવી સંસ્થાઓ અને શિક્ષાવિદોમાંથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રોમાં ફાઇનાન્સ, ટેકનોલોજી, વિશ્વાસ અને ગુણવત્તાની ભૂમિકા પર પણ ચર્ચા થશે.
આ બે દિવસીય સત્ર આવતીકાલે હાલ કોવિડ-19 કટોકટી દરમિયાન માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વ પર આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીરજા બિરલા સાથે સંવાદ સાથે સંપન્ન થશે.
આ બેઠક પર શરદ ત્યાગીએ કહ્યું હતું કે, “OPPIને હાલના પડકારજનક સમયગાળા દરમિયાન ભારતની હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનની સફર પર આ પ્રકારની ઉચ્ચ સ્તરીય ચર્ચા કરવાની ખુશી છે. છેલ્લાં 10 વર્ષથી સરકાર અને નિયમનકારી સંસ્થાઓ સાથે હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ખભેખભો મિલાવીને કામ કરી રહ્યો છે, જેનાથી કોવિડ વાયરસનો પ્રસાર આપણા દેશમાં નિયંત્રણમાં રહે એ સુનિશ્ચિત થયું છે. બેઠક આ જોડાણો અને ભાગીદારીને આગામી સ્તરે પહોંચવા માટેનો માર્ગ મોકળો કરશે.”
કે જી અનંતક્રિષ્નને કહ્યું હતું કે, “અત્યારે દુનિયાને રોગચાળાનો સામનો કરવા સંશોધન અને ઇનોવેશનની વધારે જરૂર છે. એક સમાજ તરીકે આપણે ઉદ્યોગને મજબૂત કરવા અને દર્દીઓના લાભ માટે ઊંચું જોખમ ધરાવતા ઇનોવેશનને માન્યતા આપવાની અને રિવોર્ડ આપવાની જરૂર છે.”