કમાન્ડર ધર્મેન્દ્રસિંહ ચૌહાણના પત્ની આર્મીમાં ઓફિસર બનશે
નવી દિલ્હી: નેવી ઓફિસર પતિ સાથે લગ્ન કર્યાના માત્ર પંદર જ દિવસમાં વિધવા થયેલાં કરુણા સિંહ ચૌહાણ હવે પ્રોફેસરની નોકરી છોડીને પતિના પગલે આર્મીમાં ઓફિસર બનવા જઈ રહ્યાં છે. નેવીમાં લેફ્ટનન્ટ કમાન્ડર એવા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સાથે કરુણાના લગ્ન ૧૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ થયા હતા.
લગ્ન બાદ તેમના પતિ ડ્યૂટી પર પરત ફર્યા હતા, પરંતુ ૨૬ એપ્રિલે જ તેઓ જે જહાજ પર તૈનાત હતા તે આઈએનએસ વિક્રમાદિત્યમાં આગ લાગી હતી, અને તેને ઓલવવા જતાં લેફ્ટનન્ટ ધર્મેન્દ્રસિંહ શહીદ થયા હતા. લગ્ન થયા તે વખતે કરુણા આગ્રાની એક કોલેજમાં પ્રોફેસર હતા.
પતિના મોત બાદ તેમણે ટૂંકા ગાળામાં એક પછી એક પાંચ સ્વજનોને ગુમાવ્યા હતા. જાેકે, નાની ઉંમરે જ જીવનમાં સર્જાયેલા આ વાવાઝોડાંને અડગ મનથી ટક્કર આપી હવે તેઓ આર્મીમાં ઓફિસર બનશે. લગ્ન બાદ લે. ધર્મેન્દ્રસિંહ ચૌહાણે થોડા જ સમયમાં ડ્યૂટી જાેઈન કરી લીધી હતી. તેઓ જે જહાજમાં ફરજ પર હતા તે કર્ણાટકના કારવાડ પોર્ટ પર પહોંચવાની તૈયારીમાં હતું તે વખતે જ તેમાં આગ લાગી ગઈ હતી. આગમાં જહાજને તો કોઈ નુક્સાન નહોતું થયું,
પરંતુ તેને કાબૂમાં લેવા લે. ધર્મેન્દ્રસિંહે પોતાની જિંદગી દાવ પર લગાડી દીધી. આગ ઓલવવા દરમિયાન તેઓ શહીદ થઈ ગયા. તેમની શહીદીના સમાચાર જેવા તેમના પરિવારજનોને મળ્યા કે તેમના પર જાણે આભ તૂટી પડ્યું. લગ્નના માત્ર ૧૫ દિવસમાં જ પતિને ગુમાવનારી કરુણાને તો પોતાની સાથે આવું કેમ થઈ ગયું તે જ નહોતું સમજાતું.
શહીદ લેફ્ટનન્ટ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનો પરિવાર મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી છે. તેઓ તેમના માતાપિતાના એકના એક સંતાન હતા. લગ્નના થોડા દિવસ પહેલા જ પરિવારે નવું ઘર બનાવ્યું હતું. જ્યાં હવે તેમના માતા ટમા કુંવર રહે છે. ધર્મેન્દ્રસિંહનો પાર્થિવ દેહ જ્યારે તેમના ઘરે પહોંચ્યો ત્યારે તેમની માતા કહેતી હતી કે ખૂબ જ ક્યૂટ હતો તેમનો દીકરો.
તે રિયલ હીરો હતો. ધર્મેન્દ્રના સાસુએ તેમની માતાને તેમના ઘાયલ થવાના સમાચાર આપ્યા હતા. શહીદ લે. ધર્મેન્દ્ર ચૌહાણનાં પત્ની કરુણા આગ્રાની દયાલબાગ યુનિ.માં એસોસિએટ પ્રોફેસર હતાં. લગ્ન બાદ તેઓ ખૂબ જ ખુશ હતા, પરંતુ આ ખુશી ગણતરીના દિવસો સુધી પણ નહોતી ટકી. હાથ પરથી મહેંદીનો રંગ ઉતરે તે પહેલા તો તેમને પતિના મોતના સમાચાર મળ્યા હતા. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે,
ધર્મેન્દ્રની શહીદીના સમાચાર આવ્યા તેના પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. તે વખતે તેઓ પોતાની સાસરી રતલામમાં જ હતા. કરુણા જણાવે છે કે તે વખતે જાણે ભગવાન પણ તેમની પરીક્ષા કરી રહ્યા હતા. કારણકે, ખૂબ જ ટૂંકા ગાળામાં તેમણે એક પછી એક પાંચ સ્વજનોને ગુમાવ્યા હતા. એવું લાગતું હતું કે ભગવાન મને કોઈ મહાન કાર્યની જવાબદારી સોંપવા માગે છે. દરેક છોકરીની માફક મેં પણ લગ્ન અને કરિયરને લઈને કેટલાક સપનાં સજાવ્યાં હતાં. પ્રોફેસરની નોકરી મળ્યા બાદ મારા જીવનમાં ધર્મેન્દ્ર આવ્યો હતો, પરંતુ જાણે સેકન્ડોમાં જ બધું વેરવિખેર થઈ ગયું.
કરુણા ચૌહાણ જણાવે છે કે કેટલાક સમય માટે તેઓ અંદરથી બિલકુલ તૂટી ચૂક્યાં હતાં. પરંતુ સાસુ ટીના કુંવર ચૌહાણ અને માતા કૃષ્ણા સિંહના શબ્દોએ તેમને હિંમત આપી. આ દરમિયાન ગ્રુપ કેપ્ટન ઈરફાન ખાને તેમને સેનામાં સામેલ થવા માટે પ્રેરણા આપી, અને ત્યારબાદ ઈન્દૌરમાં એક નજીકના પારિવારિક મિત્ર કર્નલ નિખિલ દિવાને તેમને એસએસબીના ઈન્ટર્વ્યુ માટે તૈયારી શરુ કરાવી. તેમના માર્ગદર્શનથી જ કરુણા ચૌહાણ આ ઈન્ટર્વ્યુ પાસ કરી શક્યા. સશસ્ત્ર દળોમાં એવી જાેગવાઈ છે કે વીર નારી (શહીદની વિધવા)ને લેખિત પરીક્ષામાં ઉપસ્થિત થવાની જરુર નથી પડતી.
તેમને સીધા ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવે છે. તેમને સપ્ટેમ્બરમાં જ એસએસબી ભોપાલમાં પહેલીવાર ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવ્યાં હતાં, પરંતુ તેમાં તેમની પસંદગી નહોતી થઈ શકી. ૨૭ ઓક્ટોબરે ફરી ઈન્ટર્વ્યુ માટે હાજર થવાનું હતું, અને તમામ સ્ટેજને પાર કરીને તેઓ પર્સનલ ઈન્ટર્વ્યુ સુધી પહોંચવામાં સફળ રહ્યાં. પોતાના ફાઈનલ ઈન્ટર્વ્યુને યાદ કરતા કરુણા ચૌહાણ જણાવે છે કે તે લગભગ ૫૫ મિનિટ સુધી ચાલ્યો હતો.
કદાચ તે વખતે હાજર રહેલા તમામ ઉમદેવારોમાં સૌથી લાંબો ઈન્ટરવ્યુ તેમનો રહ્યો હતો. તેઓ પહેલાથી જ પ્રોફેસર હતાં, અને તે નોકરી છોડી તેઓ આર્મીમાં ઓફિસર બનવા કેમ માગે છે તે જાણવામાં ઈન્ટરવ્યુ લેનારા લોકોને ખાસ રસ હતો. કરુણાને તેમના સિલેક્શનનો દિવાળી વખતે ઈમેલ આવ્યો, અને તેઓ ૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ૧૧ મહિનાની ટ્રેનિંગ માટે ચેન્નૈ ઓટીએમાં સામેલ થશે. સેનામાં જ જવાનું કેમ પસંદ કર્યું તેનો જવાબ આપતા તેઓ જણાવે છે કે તેઓ આર્મી ઓફિસર તરીકે દેશની સેવા કરવા માગે છે.