Western Times News

Gujarati News

નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ  ‘સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર’ની ગરિમામય ઉજવણી

‘પથ કા અંતિમ લક્ષ્ય નહિ હૈ – સિંહાસન ચઢતે જાના,  સબ સમાજ કો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’ –મુખ્યમંત્રીશ્રી

સફળ સુશાસનની ત્રણ વર્ષની સિદ્ધિઓ-જનહિત કાર્યોમાં સૌના સાથ સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ ભળ્યો છે:- શ્રી વિજયભાઇ રૂપાણી

મહાત્મા મંદિર પરિસર બન્યુ જન ઉમંગ – ઉત્સાહનું કેન્દ્રબિંદુ

  • ત્વરિત નિર્ણાયકતા – ‘નો પેન્ડન્સી’ નિર્ણાયકતા
  • ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાંથી પારદર્શિતા
  • ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પારદર્શિતાથી જન-જન સુધી લાભો પહોચાડયા છે
  • ગરીબ પરિવારોને ગંભીર રોગો સામે સારવાર માટે મા વાત્સલ્ય યોજનાથી સ્વસ્થ ગુજરાત બનાવ્યું છે
  • ર૪ કલાક વીજળી આપતી જ્યોતિગ્રામ યોજના દેશની દિશાદર્શક બની છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વર્તમાન સરકારના સફળ સુશાસનના ત્રણ વર્ષની સિદ્ધિઓ, જનહિત કાર્યોમાં સૌના સાથ સૌના વિકાસ સાથોસાથ સૌનો વિશ્વાસ પણ મૂર્તિમંત થયો છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સરકારે સત્તાને સેવાનું માધ્યમ બનાવી, પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને પ્રામાણિકતાથી લોકોની આશા-અપેક્ષા-આકાંક્ષા સંતોષવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો તેનું આ પરિણામ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષની ઉજવણી કરતા ‘સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર’ના ગૌરવપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્ય સરકારની ચાર નવી યોજનાઓ મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના (શોધ), ખાનગી જમીન પર આવેલ ઝૂંપડપટ્ટીઓનું તે જ સ્થળે સુવિધાસભર પાકા મકાનોના રૂપાંતર માટેની પી.પી.પી. પૂન:વસન નીતિ-ર૦૧૯, ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ યોજના – સૂર્ય ગુજરાત અને મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો શુભારંભ પણ કરાવ્યો હતો.         શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓએ આ યોજનાના લાભાર્થીઓને સહાય-મંજૂરીપત્રનું વિતરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ-એ કલમ દૂર કરી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાના ઐતિહાસિક નિર્ણય માટે સાડા ૬ કરોડ ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇને હ્વદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત સૌએ આ અભૂતપૂર્વ નિર્ણય માટે ગુજરાતના આ બે સપૂતોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.         પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ‘‘પથ કા અંતિમ લક્ષ્ય નહિ હૈ સિંહાસન ચઢતે જાના, સબ સમાજ કો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’’ પંકિતઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સુશાસન સ્તંભને આધાર બનાવી શાસનની જવાબદારી સંભાળી છે અને પદ કે પ્રતિષ્ઠા નહિ, જવાબદારીથી રાજ્યના વિકાસ માટે સમર્પિત થવા ક્ષણ-ક્ષણ પળ-પળ અર્પણ કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે પદ્ધતિઓ – ઇન્સ્ટીટયુશનલાઇઝડ શાસન વ્યવસ્થા –પ્રણાલિઓ પ્રસ્થાપિત કરેલી તેના પદચિન્હો પર ચાલવાનો પડકાર અમે વિનમ્રતાપૂર્વક પાર પાડયો છે.         કપરા ચડાણો હતા રાજયની શાંતિ-સલામતિ-સમરસતાને ડહોળવાના કારસાઓ થયા એવા વાતાવરણમાં અમે સૌ એ સાથે મળીને અસ્થિરતામાંથી સ્થિરતાનું વાતાવરણ સર્જી ગુજરાતને વિકાસના રાહે અડીખમ રાખ્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ચર્ચા દશેય દિશામાં – દુનિયામાં થાય છે ત્યારે એ વિકાસ અને સુશાસનના અમારા જનકલ્યાણ સંકલ્પોને સુપેરે પાર પાડવા આખું મંત્રીમંડળ એક પળનાય વિરામ-વિશ્રામ વિના સતત કર્તવ્યરત રહ્યું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નયા ભારતના નિર્માણની જે સંકલ્પના કરી છે તેમાં ગુજરાત પ્રોએકટિવ – પ્રો પિપલ ગર્વનન્સથી અગ્રેસર રહેવાનુ છે.

તેમણે રાજ્યના ભાવિ સુરેખ અને સુદ્રઢ વિકાસ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા જન-જનના કલ્યાણની સંકલ્પના વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ધ્યેયને સાકાર કરવા ત્વરિત નિર્ણાયકતા – ‘નો પેન્ડન્સી’, ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લઇ પારદર્શી પ્રશાસન, આધુનિક શહેરી વિકાસ, ર૦રર સુધીમાં ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના આયોજનની વિશદ ભૂમિકા આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ૩ વર્ષના સુશાસનમાં પ્રજાની પડખે રહીને, કિસાનો-ગરીબો-વંચિતોની પડખે રહીને જે કલ્યાણલક્ષી કામો કર્યા છે તેની વિગતો આપતાં ગરીબ પરિવારોને લગ્નની જાન માટે રાહત દરે બસ, વિધવા પેન્શન યોજનામાં સંતાનની પુખ્ત વયની મર્યાદા દૂર કરવી, દિકરી જન્મને વધાવતી વ્હાલી દિકરી યોજના, ગૌવંશ હત્યા કરનારાઓ તથા ચેન સ્નેચિંગ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ વગેરેની સિદ્ધિઓ વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની જનતા જનાર્દનને વિશ્વાસ આપ્યો કે પ્રજાજનોએ સરકારમાં મૂકેલો વિશ્વાસ, ભરોસો ઓછો ન થાય, ગુજરાતના વિકાસમાં જન-જનની સહભાગિતા થાય અને ગુજરાત દેશનું રોલ મોડેલ હરેક ક્ષેત્રે બને તેવી હરહંમેશ પ્રતિબદ્ધતા તેમની સરકારની રહેશે.

નિર્ણાયક નેતૃત્વના ત્રણના વર્ષ કાર્યક્રમને ઐતિહાસિક અસવર ગણાવતા નાયબ મુખ્યમંત્રી
શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના સાડા છ કરોડ નાગરિકોની આશા-આકાંક્ષાઓ પરિપૂર્ણ કરીને તેમની જરૂરિયાતોને ઘરઆંગણે પારદર્શીતાથી ઝડપથી પૂરી પાડવા માટે અમને જે અસવર મળ્યો છે એ અમારા માટે નાગરિકોના આશીર્વાદ છે. તેમણે ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની વિકાસયાત્રાનો આરંભ કર્યો હતો અને ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે. તેને સુપેરે જાળવી રાખવાનું કાર્ય અમારી સરકારે કરી બતાવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી આપત્તિઓ, આંદોલનો થયા તે સમયે પણ લોકોના સહયોગ થકી રાજ્યમાં એકતા જાળવીને વિકાસ યાત્રાને આગળ વધારવાનું કામ અમે કરી શક્યા છીએ એ માત્રને માત્ર નાગરિકોના સહયોગને આભારી છે.

શ્રી પટેલે ઉમેર્યું કે, દેશના ઇતિહાસમાં ભૂતકાળમાં જે ભૂલો થઇ હતી તે ૭૦ વર્ષ જૂની ભૂલોને સુધારવાનું શ્રેય ગુજરાતની બેલડી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે કરી બતાવ્યું. કાશ્મીર એ ગુજરાતનું અવિભાજ્ય અંગ છે. સરદાર સાહેબે અનેક રજવાડા એકત્ર કર્યા હતા ત્યારે ગુજરાતના આ બન્ને સપૂતોએ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે એ માટે સૌ ગુજરાતીઓ વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે અમારી સરકારે અનેક નવતર આયામો છેલ્લા ત્રણ વર્ષમાં હાથ ધર્યાં છે. ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરીને પારદર્શિતાથી લાભો જન જન સુધી પહોંચાડ્યા છે.

તેમણે કહ્યું કે, અમને વડાપ્રધાનશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથે કામ કરવાની તક મળી તેના પરિણામે આજે આ વિકાસયાત્રા અમે આગળ વધારી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, રાજય સરકારની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે ગુજરાત આજે દેશભરમાં અગ્રિમ હરોળમાં છે. રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક વીજળી પૂરી પાડી છે, તે યોજના આજે દેશભરમાં અમલી બની રહી છે. જે ગૌરવરૂપ છે. રાજ્યમાં ૧૮ હજાર ગામડા-પેટાપરાઓને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકા ડામર રોડની સુવિધા પૂરી પાડી છે અને આ માટે આગામી વર્ષમાં રૂ.૧૦ હજાર કરોડ રાજ્ય સરકાર ખર્ચશે.

તેમણે ઉમેર્યું કે, ગરીબ પરિવારોને ગંભીર રોગો સામે સારવાર આપવા માટે મા-વાત્સલ્ય યોજના અમલી છે. જે હેઠળ રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. એજ રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ રાજ્યના ૧.૨૦ કરોડ નાગરિકોને આવરી લેવામાં આવશે. ગુજરાતના કોઇ ગરીબ નાગરિકનું પૈસાના અભાવે મૃત્યુ ન થાય એ અમારી નેમ છે.

તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતમાં પીવાના પાણી માટે પણ અનેક યોજનાઓ રૂ.૧૨ હજાર કરોડના ખર્ચે પૂરી કરાઇ છે. નર્મદા યોજના પણ વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રાર્પણ કરી દીધી છે. જેના પરિણામે આજે ૧૨૭.૮૪ મીટર સુધી પાણી ભરી શકાયું છે. ખેડૂતો માટે અમારી સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને જરૂરિયાત મુજબ સિંચાઇ માટે પાણી પણ આપ્યું છે. નર્મદા પાઇપ લાઇન સાથે જોડાયેલા ઉત્તર ગુજરાતના ૪૦૦થી વધુ તળાવો ભરવાનું શરૂ કર્યું છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારોને પાણી તથા મધ્ય ગુજરાત માટે કડાણા ડેમમાંથી મહી કમાન્ડ વિસ્તારમાં એક પાણ પાણી પણ ગઇકાલથી આપવાનું શરૂ કર્યું છે.

મુખ્યસચિવ શ્રી જે.એન. સિંહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે આ સરકારે પારદર્શકતા, પ્રગતિશિલતા સંવેદનશીલતા અને નિર્ણાયકતાના સ્તંભો પર ત્રણ વર્ષમાં નિર્ણાયક વિકાસ કર્યો છે.

મુખ્ય સચિવશ્રીએ કહ્યું હતું કે, આ સરકારે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાને આગળ વધારી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતનો વિકાસ દર ૯.૯ ટકા અને ૨૦૧૮માં ૧૧.૧ ટકા થયો છે જે ભારતનો વિકાસ દર ૬.૯ ટકા અને ૬.૪ ટકા હતો તેનાથી વધુ ઝડપથી ગુજરાતે વિકાસ કર્યો છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. રાજ્ય સરકારે ઓછા ખર્ચે વધુ વિકાસ કરી છેવાડાના માનવી સુધી કલ્યાણલક્ષી યોજનાના લાભો પહોંચાડ્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પી.એચડી અને સંશોધનમાં રૂ. ૧૫ હજારની રાશિના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. પુન:વસન નીતિ-૨૦૧૯ અંતર્ગત ખાનગી જમીન ઉપર બનાવેલા આવાસોની સનદો, સોલાર રફ ટોપ હેઠળ સ્થપાયેલા વિવિધ મેગાવોટ પ્લાન્ટના સબસિડી પેટે ચેક વિતરણ, મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતોને વિવિધ સાધન સહાય પેટે ચેક વિતરણ પણ આ સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસરના અવસરે કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરેલી વિવિધ વિભાગોની સફળ સિદ્ધિઓની ઝાંખી કરાવાતી એક ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરુષોતમભાઇ રૂપાલા, રાજ્ય મંત્રી મંડળના સર્વ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખશ્રીઓ, વિવિધ વિભાગોના સનદી અધિકારીશ્રીઓ અને વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંજયપ્રસાદે આભારવિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.