વોડાફોન હાઉસમાંથી ધીરે ધીરે કરીને ૭૬ લેપટોપ ગૂમ
અમદાવાદ: શહેરનાએસજી હાઇવે પર આવેલા વોડાફોન હાઉસમાં મોટી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સીસીટીવીથી સજ્જ અને સિક્યોરિટી હોવા છતાંય આઠ માસની અંદર ૧૯ લાખના ૭૬ જેટલા લેપટોપ ચોરી થઈ ગયા. અહીં કામ કરતા કર્મચારીઓ માટે ૧૦૭૪ લેપટોપ લાવવામાં આવ્યા હતા અને વર્ષ પૂર્ણ થતાં સ્ટોક ગણતરીમાં જાણ થઈ કે, તેમાંથી ૭૬ લેપટોપ ચોરી થઈ ગયા છે.
જેથી અહીંના ડેપ્યુટી જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદના વેજલપુર બકેરી સિટીમાં રહેતા પ્રશાંત ભાઈ દિગવાલ એસજી હાઇવે પર આવેલા વોડાફોન હાઉસમાં ફરજ બજાવે છે.
તેઓ આ કંપનીમાં ૧૫ વર્ષથી નોકરી કરે છે. વોડાફોન હાઉસના બિલ્ડીંગ બીમાં છેલ્લા બે વર્ષથી ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. અને બિલ્ડીંગ બીમાં હાલ ૭૦થી ૭૫ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ પ્રિમાઇસીસ માં ત્યાં ફરજ બજાવ્યા સિવાયના કોઈને પણ એન્ટ્રી નથી.
અહીં કામ કરતા લોકોએ ઇસ્યુ કરેલા લેપટોપ પર જ કામ કરવાનું હોય છે. જેથી કંપનીએ માર્ચ ૨૦૨૦થી ઓકટોબર ૨૦૨૦ સુધીમાં કુલ ૧૦૭૪ લેપટોપ અહીંના કર્મચારીઓ માટે નવા ખરીદ કર્યા હતા. જરૂર પડ્યે તેમ તેમ કર્મચારીઓને આપવામાં આવતા હતા. જેથી અહીં કામ કરતા કર્મચારીઓની તપાસ કરાઈ પણ કોઈ માહિતી ન મળતા આખરે ૨૫ હજારનું એક લેપટોપ એવા ૭૬ લેપટોપ કે જેની કિંમત ૧૯ લાખ થાય છે તે ચોરી થતા પ્રશાંત ભાઈએ સરખેજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.