મોદી માલદિવ અને શ્રીલંકા પ્રવાસે જવા માટે પૂર્ણ તૈયાર
બંને દેશોના પ્રમુખોના આમંત્રણ ઉપર મોદી આઠમી અને નવમી જૂનના દિવસે માલદિવ તેમજ શ્રીલંકામાં પહોંચશે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮મી અને નવમી જૂનના દિવસે માલદિવ અને શ્રીલંકાની યાત્રાએ જઈ રહ્યા છે. વડાપ્રધાન તરીકે તેમની બીજી અવધિ શરૂ કર્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા રહેશે. મોદી ૮મી જૂનના દિવસે માલદિવના સંસદને પણ સંબોધન કરશે. મોદીના વિદેશ પ્રવાસને લઇને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલીરહી હતી. હવે વિદેશ મંત્રાલય દ્વારા આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. વિદેશ સચિવ વિજય ગોખલે દ્વારા પત્રકાર પરિષદ યોજીને કહેવામાં આવ્યું છે કે, મોદી ૮મી અને નવમી જૂનના દિવસે માલદિવ અને શ્રીલંકાની યાત્રાએ જશે. ૮મી જૂનના દિવસે માલદિવના સંસદને પણ સંબોધશે. આ પહેલા વિદેશ મંત્રાલય દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે મોદી માલદિવની આ યાત્રા દરમિયાન પોતાના દ્વિપક્ષીય સંબંધો તથા પારસ્પરિક હિતો સાથે જાડાયેલા મુદ્દા પર વાતચીત કરશે.
મોદી પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદના નિમંત્રણ ઉપર માલદિવ જઇ રહ્યા છે. આ યાત્રા ભારત અને માલદિવ વચ્ચે ઉચ્ચ સ્તર પર આદાન પ્રદાનની મજબૂત નીતિને દર્શાવે છે. મોદીની માલદિવ યાત્રા દરમિયાન બંને દેશો દ્વારા દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિમાં ચર્ચા વિચારણા કરશે. અત્રે નોંધનીય છે કે, માલદિવના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ ડિસેમ્બર ૨૦૧૮માં ભારતના પ્રવાસે આવ્યા હતા. મોદી શ્રીલંકાના પ્રમુખ નેત્રીપાલાના નિમંત્રણ ઉપર શ્રીલંકા પહોંચી રહ્યા છે.
માલદિવ અને શ્રીલંકાની મોદીની આ યાત્રા પડોશી પ્રથમની નીતિ અને દરિયાઇ સિદ્ધાંત પ્રત્યે ભારતની કટિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે. આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવા માટે ભારતના પ્રયાસો અવિરતપણે જારી રહ્યા છે. બીજી અવધિમાં મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા રહેશે જેને લઇને બંને દેશોમાં ભારે ઉત્સુકતા જાવા મળી રહી છે.