ડુંગળી ૪ રૂપિયે કિલો થતાં ખેડૂતોને રોવાનો વારો

ખેડુતોએ ૩૦થી ૩૫ રૂપિયાના ભાવનું બિયારણ લાવી ડુંગળીની ખેતી કરી લાખો રૂપિયા કામવવાની આશા બાંધી હતી.
બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા આસપાસના વિસ્તારોમાં શિયાળામાં મહત્વની શાકભાજી કહેવાતી લીલી ડુંગળીની ખેતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી હતી. આ ખેતી દ્વારા લાખો રૂપિયાનો નફો મેળવવાનાં સપનાં જાેયાં હતાં. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવ ગગડીને તળિયે પહોંચી જતાં ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ધાન્ય પાકોની સાથે સાથે શિયાળાની ઋતુમાં બટાટા, ડુંગળી, ફલાવર સહિતની શાકભાજીનું પણ વાવેતર કરતા હોય છે. જેમાં ડીસા આસપાસના ખેડૂતો શિયાળામાં મોટે ભાગે શિયાળાનો મહત્ત્વનો પાક ગણાતા લીલી ડુંગળીનું વાવેતર કરતા હોય છે.
આ ડુંગળી ડીસા સહિત આસપાસના માર્કેટોમાં વેચી તેમાંથી નફો મેળવતા હોય લીલીછે. જાેકે આ વર્ષે ખેડુતોએ ૩૦થી ૩૫ રૂપિયાના ભાવનું બિયારણ લાવી ડુંગળીની ખેતી કરી લાખો રૂપિયા કામવવાની આશા બાંધી હતી. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં લીલી ડુંગળીના ભાવ ગગડ્યા છે અને એક સપ્તાહ અગાઉ પ્રતિ કિલોએ ૩૫ થી ૪૦ રૂપિયાને પાર વેચાતી લીલી ડુંગળી ૩ થી ૪ રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે.
જાે કે આ સીઝનમાં ડુંગળીનું પ્રોડક્શન વધુ થતા માર્કેટમાં ડુંગળીની આવક વધી છે. જેથી તેના ભાવ ગગડ્યા હોવાનું ખેડૂતો અને વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે અચાનક લીલી ડુંગળીનાં ભાવમાં ઘટાડો આવી જતા ખેડૂતો લાખો રૂપિયાનું નુકશાન ભોગવવા મજબૂર બન્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. એક ખેડૂત રમેશભાઈ માળીએ જણાવ્યું કે, અમે મોંઘુદાટ બિયારણ લાવી લીલી ડુંગળીની ખેતી કરી હતી. પાક તૈયાર થઇ ગયો છે.
પરંતુ ભાવ તળિયે છે. જેથી અમને મોટું નુકસાન છે. તો અન્ય એક ખેડૂત જમનાબેન કહે છે કે, અમારા ખેતરમાં અમે ડુંગળી વાવી હતી, પરંતુ અમને કંઈ ભાવ મળતા નથી, જેથી નુકશાન ખુબ જ છે. તો હોલસેલના વેપારી જીતુભાઈએ જણાવ્યું કે, અઠવાડિયા ૧૦ દિવસ પહેલા ૩૦ થી ૩૫ રૂપિયે કિલો વેચાતી ડુંગળી હાલ ૨થી ૩ રૂપિયે કિલો વેચાઈ રહી છે.
આ વર્ષે અચાનક લીલી ડુંગળીના ભાવ ગગડી જતાં ડુંગળીનું વાવેતર કરેલ ખેડૂતોની હાલત કફોડી બનતાં કેટલાક ખેડૂતોએ તો પોતાનો પાક ગૌશાળાઓમાં રહેલી ગાયોને ખવડાવી દીધો છે. જાેકે બીજીબાજુ અચાનક લીલી ડુંગળીનો ભાવ સાવ તળિયે બેસી જતાં લીલી ડુંગળીનો વેપાર કરતાં વેપારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.