કોરોનાથી સાજી થયેલી મહિલાના સમગ્ર શરીરમાં પરું એકત્ર થયું
મુંબઈ: કોરોનાના નવા કેસ સામે આવવાની સાથોસાથ આ બીમારીથી સાજા થયેલા દર્દીઓમાં જાેવા મળતી તકલીફોએ ડૉક્ટરોને નવી મુશ્કેલીમાં મૂકી દીધા છે. મૂળે, ઓરંગાબાદમાં એક મહિલાની કમરમાં દુખાવાની ફરિયાદ હતી. કમરની સારવાર કરાવવા પહોંચેલી મહિલાની તપાસમાં જાણવા મળ્યું કે તેના સમગ્ર શરીરમાં પરુ ભરાઈ ગયું છે. ડૉક્ટરોને તપાસમાં મહિલામાં કોરોનાની એન્ટિબોડી મળી હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તે કોરોનાથી સાજા થયા બાદના નવા લક્ષણ છે.
મહિલાની અત્યાર સુધીમાં ત્રણ વાર સર્જરી કરવામાં આવી ચૂકી છે અને તે હવે તે બિલકુલ સ્વસ્થ છે. નોંધનીય છે કે દુનિયામાં અત્યાર સુધીમાં આ પ્રકારના માત્ર સાત કેસ સામે આવ્યા છે, જેમાં ભારતમાં આવી પહેલી ઘટના છે. ઓરંગાબાદના બજાજ નગરમાં રહેતી નેહા (નામ બદલ્યું છે)ની કમરમાં દુખાવો રહેતો હતો. કમરના દુખાવાની સારવાર માટે નેહા ૨૮ નવેમ્બરે હેડગેવાર હૉસ્પિટલમાં બતાવવા આવી. કમરના દુખાવની સાથે જ તેના પગમાં સોજા પણ હતા. સામાન્ય રીતે કમરનો દુખાવો ફ્રેક્ચર, ટ્યૂમર કે ઇન્ફેક્શનના કારણે થતો હોય છે.
જાેકે તેમાંથી કોઈ પણ બીમારી તેને નહોતી. ડૉક્ટરોની તપાસ બાદ નેહાનું એમઆરઆઈ કરવામાં આવ્યું. એમઆરઆઈનો રિપોર્ટ જાેઈ ડૉક્ટરો હેરાન રહી ગયા. નેહાના શરીરમાં ગરદનથી લઈને કરોડરજ્જુ સુધી, બંને હાથ, ત્યાં સુધી કે પેટમાં પણ પરુ જમા થઈ ગયું હતું. ત્યારબાદ ડૉક્ટરોએ તાત્કાલિક નેહાને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.
ડૉક્ટરોની ટીમે નેહાની ત્રણ વાર સર્જરી કરી અને તેના શરીરમાંથી લગભગ અડધો લીટર પરુ બહાર કાઢ્યું. ૨૧ ડિસેમ્બરે નેહાને ડિસ્ચાર્જ કરવામાં આવી. ડૉક્ટરોએ જણાવ્યું કે, નેહાનો એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેના શરીરમાં એન્ટિબોડી છે. તેનો અર્થ તેને કોરોના થઈ ચૂક્યો હતો. તેનાથી તેની બીમારી સામે લડવાની તાકાત ખતમ થઈ ગઈ અને તેને આટલી મુશ્કેલી સહન કરવી પડી. ડૉ. હદિભાતે જણાવ્યું કે દુનિયાભરમાં આ પ્રકારના કેસ પર સ્ટડી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન તેમને જર્નલ ઓફ ન્યૂરોલોજીના સપ્ટેમ્બરના અંકમાં કોરોના બાદના અસામાન્ય લક્ષણ વિષય પર જાણકારી મળી. તેનાથી જાણવા મળ્યું કે અત્યાર સુધી જર્મનીમાં આ પ્રકારના ૬ કેસ સામે આવી ચૂક્યા છે.