સારા અલી માટે મમ્મીનો અભિપ્રાય સૌથી મહત્વનો છે
મુંબઈ: ૨૦૧૮માં સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી સારા ફેન્સ અને દર્શકો વચ્ચે સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી હોવા છતાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. હાલમાં જ સારા અલી ખાન સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના માટે મમ્મી અમૃતાનો અભિપ્રાય ખૂબ મહત્વનો છે પરંતુ તેની મમ્મી માટે કંઈક બીજું જ મહત્વ રાખે છે.
સારા અલી ખાને જણાવ્યું કે, તેના માટે સૌનો અભિપ્રાય મહત્વનો છે પરંતુ સૌથી વધુ તેની મમ્મીનો છે. આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, “હું મારી મમ્મી સાથે રહું છું અને તેઓ જે કંઈપણ કરે છે તેનાથી ખૂબ ખૂબ પ્રભાવિત છું. મારી મમ્મીનો અભિપ્રાય મારા માટે સૌથી અગત્યનો છે.
પરંતુ વક્રતા એ છે કે, મારી મમ્મી મને કહે છે કે, છેવટે તો ઓડિયન્સ અને મીડિયા અથવા તો લોકો વિશે વિચારવાની અને ચિંતા કરવાની જરૂર છે. તેઓ કહે છે કે, હું તારી મા છું અને તું જે કંઈ કરીશ તે મને સારું જ લાગશે. પરંતુ ઓડિયન્સને તું પસંદ આવું તે અગત્યનું છે. મીડિયા તને પસંદ કરે તે મહત્વનું છે.
તો જાે તમારા સવાલનો ચોક્કસ જવાબ આપું તો મારા માટે મારી મમ્મીનો અભિપ્રાય મહત્વનો છે પરંતુ તેનો અભિપ્રાય એવો છે કે, દર્શકોનો મત વધુ મહત્વનો છે. આ વિડંબણા છે પણ સાચો જવાબ છે. ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાન હાલ અક્ષય કુમાર સાથે આગ્રામાં ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ કરી રહી છે.
હાલમાં જ તેણે અક્ષય કુમાર સાથે મસ્તી કરતો વિડીયો તાજમહેલ પાસેથી શેર કર્યો હતો. આનંદ એલ. રાયના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સારા અને અક્ષય ઉપરાંત ધનુષ પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મમાં સારા ડબલ રોલમાં જાેવા મળશે. આ સિવાય સારા અલી ખાન અને વરુણ ધવનની ફિલ્મ કુલી નંબર ૧ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.