અટલજીને રાજકોટના ગાંઠીયા બહુ ભાવતા હતા
આજે ૨૫ ડિસેમ્બર એટલે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેમની ગણના અજાતશત્રુમા થાય છે. તેવા અટલબિહારી વાજપાઇ નો જન્મદિવસ છે. આજે ભલે અટલબિહારી વાજપાઈ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો તેમના નૈતિક મૂલ્યો અને તેમની કવિતાઓ હર હંમેશા આપણી સાથે છે.
ત્યારે અટલજી અને રાજકોટ શહેરના નાતાની વાત કરવામાં આવે તો તે પાંચ દાયકા જૂનો છે. વર્ષ ૧૯૫૨ થી સમયાંતરે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની મુલાકાતે અટલબિહારી વાજપાઇ આવતા રહ્યા છે. અટલજી રાજકોટ જ્યારે પણ આવતા ત્યારે તેઓ લોધાવાડ ચોક સ્થિત ગુજરાત જનસંઘના પાયાના પથ્થર એવા ચીમનભાઇ શુકલના ઘરે રોકાતા હતા.
અટલજી વર્તમાન પત્રો વાંચવાના શોખીન હતા. જેથી તેઓ જેટલા દિવસો રાજકોટ રોકાતા તેટલા દિવસો તેઓ લોધાવાડ ચોક થી રાજકોટ જિલ્લા લાઇબ્રેરી કે જે માલવિયા ચોક ખાતે આવેલી છે ત્યાં વાંચવા જતા હતા. સૌ કોઈ જાણે છે કે અટલજી ખાવાના ખૂબ શોખીન હતા.
ત્યારે તેઓ રાજકોટ જયારે પણ આવતા તેઓ અચૂક રાજકોટ શહેરના સૌથી પ્રખ્યાત લાબેલા ગાંઠીયા વાળાના ગાંઠીયા ખાવાનું પસંદ કરતા હતા. તો ક્યારેક અટલજી રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા ત્યારે પણ તેમનું જમવાનું ટિફિન ચીમનભાઇ શુકલના ઘરેથી જ જતું હતું અને તેમાં પણ તેઓ કાઠીયાવાડી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હતા.
ત્યારે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીના સભ્ય ડોક્ટર કમલેશ જાેશીપુરાએ કહ્યું હતું કે, અટલજી ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરને માન અને સન્માન આપતા હતા. અટલબિહારી બાજપાઈ જ્યારે પણ રાજકોટ આવતા ત્યારે યુવા કાર્યકર્તાઓ ને પોતાના બાળપણનો એક કિસ્સો હર હંમેશ કહેતા હતા.
અટલબિહારી બાજપાઈ જ્યારે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હતા તે સમયે ગ્વાલયરની અંદર એક વક્તૃત્વ સ્પર્ધા ની અંદર તેમને ભાગ લીધો હતો.તે સમયે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ દસ મિનિટ બોલવાનું હતું. તે સમયે જે તે વિષય પસંદ કર્યા બાદ અટલબિહારી વાજપાઇ જે તે વિષય પર માત્ર પાંચ મિનિટ જ બોલી શક્યા હતા. ત્યારબાદ તેઓ તે વિષય સંબંધિત બાબતો ભૂલી ગયા હતા તે સમયે ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ તેમને બેસી જવાનો આગ્રહ કર્યો હતો, બસ તે જ સમયે અટલજીએ મનોમન એક નિશ્ચય કર્યો હતો કે,
હવેથી હું જ્યારે પણ બોલીશ મારો વક્તવ્ય મૌલિક ચિંતન ના આધાર પર હશે. અટલબિહારી વાજપાઇ ની કવિતા લોક જીવ્હે હંમેશા જીવાતી હોય છે ત્યારે તેમણે પોતાની પ્રથમ કવિતા ૧૩ વર્ષની ઉંમરમાં લખી હતી. વર્ષ ૧૯૮૪ ચૂંટણીમાં ગ્વાલિયર ખાતે માધવરાવ સિંધિયા ની સામે અટલબિહારી વાજપાઇ ની હાર થઇ હતી.
જે ચૂંટણી પૂર્ણ થતાં જ તરત જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી હતી જેમાં પ્રચાર-પ્રસાર અર્થે અટલજી રાજકોટ આવી પહોંચ્યા હતા. તે સમયે પણ તેમના ચહેરા પર કોઇ પણ જાતની હતાશા કે દુઃખ કે નિરાશા જાેવા નહોતી મળી. ડોક્ટર કમલેશ જાેશીપુરાએ અટલબિહારી વાજપાઇ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું છે કે,
હું જ્યારે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હતો. તે સમયે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે સર્કિટ હાઉસ ખાતે અટલબિહારી વાજપાઇ ને હું કારમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે એક શહેર પ્રમુખ તરીકે શા માટે આપણો એક ઉમેદવાર હાર્યો છે તે બાબતે ખુલાસો કર્યો હતો.
પરંતુ અટલજીએ જે માટે તેઓ જાણીતા છે સાફ અને સચોટ વાત માટે તે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જાે આપણે તમામ બેઠકો હારી ગયા હોત તો અથવા તો તમામ બેઠકો જીતી ગયા હોત તો મને ખૂબ અફસોસ થાત. સારું થયું કે એક બેઠક આપણે હાર્યા છીએ.
કારણ કે જાે આપણે તમામ બેઠકો જીતી જાત તો લોકશાહીમાં જેનું સૌથી વધુ મહત્વ છે તે વિપક્ષ ખતમ થઈ જાત. અટલજી હર હંમેશ માનતા હતા કે લોકશાહીમાં જેટલું મહત્વ શાસક પક્ષનું છે તેટલું જ મહત્ત્વ વિપક્ષનું પણ રહેલું છે. કારણ કે શાસક પક્ષમાં બેઠેલા લોકો જે કંઈ પણ ભૂલ કરી રહ્યા છે. તે અંગે ધ્યાન દોરવાનું તેમને અરીસો બતાવવાનું કામ વિપક્ષનું છે.
તો સાથોસાથ અટલજીના ડાઉન ટુ અર્થ નેચર વિશે જણાવતાં ડૉ કમલેશ જાેશીપુરા એ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ભાજપ નો કાર્યક્રમ ગાર્ડન ડિનર ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો. આ સમયે કેટલાક ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ ને અટલજી સાથે ફોટો પડાવવાની ઈચ્છા હતી. આ સમયે જ્યારે મેં અટલજી સમક્ષ યુવા કાર્યકર્તાઓ ની ઈચ્છા વ્યક્ત કરી તે સમયે અટલજીએ કહ્યું હતું કે, યુવા કાર્યકર્તાઓ સાથે ફોટો શું મારી તો જમવાની પણ ઈચ્છા છે. આમ તે કાર્યક્રમ અંતર્ગત એકઠા થયેલા સૌ યુવા કાર્યકર્તાઓ સાથે જે ભોજન પણ લીધું હતું.