Western Times News

Gujarati News

૧૩૮ મીટર પૂર્ણ ડેમ ભરાઇ જતાં સરદાર સાહેબે સેવેલું સપનું સાકાર થશે

File

સરદાર સરોવર ડેમ ૧૩૧ મીટરે ભરીને  ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય પૂરવાર કર્યુ છે-  નેવાના પાણી મોભે ચડાવ્યા:- મુખ્યમંત્રી

  • રાજ્યમાં સાર્વત્રીક વરસાદથી દુષ્કાળના ઓળા દૂર થયા છે-નર્મદાના જળથી બ્રાંચ કેનાલો-સુજલામ્ સુફલામ્ કેનાલ – સૌની યોજનાના જળાશયો ભરીને ખેતીવાડી-પીવાના પાણી માટે અપાશે
  • પ્રધાનમંત્રીશ્રીએ પૂર્ણ કક્ષાએ ડેમ ભરવાની પરવાનગી આપ્યા બાદ પહેલીવાર ડેમ ભરાયો તે ગુજરાત માટે આનંદ અવસર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ-કેવડીયા પહોચીને ડેમના દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું.        ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પરિણામે ડેમના જળાશયમાં વરસાદી પાણી આવ્યું છે તે હિલ્લોળા લેતા અગાધ જળરાશિને તેમણે પૂરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ – ચુંદડીથી વધાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નર્મદા જળને વધાવતા કહ્યું કે, નર્મદા ડેમ ૧૩૧.પ મીટરે ભરીને ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય – ટેકનીકલ ક્ષમતા પૂરવાર કરી છે.   તેમણે આગામી ૧૦.૧પ દિવસ હજુ સારા વરસાદની આગાહી છે અને વાતાવરણ પણ સાનૂકુળ છે ત્યારે નર્મદાના ડેમ પૂર્ણ સપાટી ૧૩૮ મીટરે પહોચશે અને સરદાર સાહેબે ૧૯૪૮માં સેવેલું સપનું સાકાર થશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રચાર માધ્યમો સમક્ષ એમ પણ જણાવ્યું કે ગુજરાતે નર્મદા  ડેમ ભરીને નેવાના પાણી મોભે ચડાવવાની સિધ્ધિ મેળવી છે.        એટલું જ નહિ, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાતની કેનાલ-બ્રાંચ કેનાલમાં, સુજલામ્ સુફલામ્ કેનાલોમાં, સૌની યોજનાના ડેમમાં આ પાણી છોડીને ખેડૂતોને સિંચાઇ માટે તથા લોકોને પીવા માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડેમના દરવાજાની અને ડેમ પૂર્ણ કક્ષાએ ભરવાની પરવાનગી આપ્યા પછી પહેલીવાર ડેમની સપાટી ૧૩૧.પ મીટરે પહોચી છે તે સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાથી દુષ્કાળની ચિંતા ટળી ગઇ છે. મા નર્મદાના જળ પણ હવે રાજ્યના ખૂણેખૂણા સુધી પહોચતા થયા છે.        તેમણે જણાવ્યું કે, કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી છોડવામાં આવી રહ્યું છે. સાથોસાથ ડેમના દરવાજા ખોલવાને પરિણામે નર્મદા કાંઠાના ગામો જે જિલ્લાની હદમાં આવે છે એ જિલ્લાના તંત્રને સતર્ક કર્યા છે.

જરૂર જણાય ત્યાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની અને તકેદારી રૂપે અન્ય વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ તંત્રવાહકોને આપી દેવાઇ છે એમ પણ તેમણે કહ્યું હતું.    મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે નર્મદા નીર વધાવવા અને ડેમની નિરીક્ષણ મૂલાકાત માટે મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્તા પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.