મ્યુનિ.કોર્પાેરેશનને પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૭૧૩ કરોડની આવક થઈ
રીબેટ યોજનામાં દૈનિક સરેરાશ રૂા.ચાર કરોડની આવક
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા રીબેટ યોજના જાહેર કરવામાં આવ્યા બાદ મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં લોકડાઉનના કારણે મિલ્કતવેરાપેટે માત્ર રૂા.૨.૩૭ કરોડની આવક થઈ હતી. જ્યારે અનલોકની જાહેરાત થયા બાદ મિલ્કતવેરા સહિત તમામ વેરાની આવકમાં વધારો થયો છે. નોંધનીય બાબત એ છે કે ડીસેમ્બર ૨૦૧૯ કરતા ડીસેમ્બર ૨૦૨૦માં મિલ્કતવેરા પેટે બમણી આવક થઈ છે. તેમજ મિલ્કતવેરાની કુલ અંદાજિત આવકના ૬૦ ટકા આવક તંત્રની તિજાેરીમાં જમા થઈ ગઈ છે તેમ છતાં કોરોના મહામારીના કારણે વર્તમાન નાણાંકીય વર્ષની અંદાજીત આવકમાં ૧૫ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.
વૈશ્વિક મહામારી અને વૈશ્વિક મંદીના સમયગાળા દરમ્યાન મ્યુનિ.મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
લોકડાઉન બાદ અનલોકની શરૂઆત થઈ તે સમયે તંત્ર દ્વારા એડવાન્સ ટેક્ષ યોજના જાહેર કરવામાં આવી હતી. તદુપરાંત રાજ્ય સરકારે કોમર્શીયલ મિલ્કતો માટે ૨૦ ટકા રીબેટ જાહેર કર્યું હતું. જેના પરીણામે, મ્યુનિ.કોર્પાેરેશનને મિલ્કતવેરા પેટે રૂા.૫.૫૦ કરોડની ધરખમ આવક થઈ હતી. રીબેટ યોજના બંધ થયા બાદ ત્રણ મહિનામાં માત્ર રૂા.૧૦૦ કરોડની જ આવક થઈ હતી. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ૧૪ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.
જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૧૪ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી મિલ્કતવેરાપેટે રૂા.૩૯.૩૪ કરોડની આળક થઈ છે. આ સમયગાળા દરમ્યાન ૭૪ હજાર કરદાતાઓએ ટેક્ષ ભરપાઈ કર્યા છે. રીબેટ યોજનાના કારણે ડીસેમ્બર મહિનામાં મિલ્કતવેરા પેટે રૂા.૭૭ કરોડની આવક થઈ છે. ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં રૂા.૩૮.૭૬ કરોડની આવક થઈ હતી.
૨૦૧૯-૨૦ના વર્ષમાં પ્રોપર્ટીટેક્ષની કુલ આવક રૂા.૧૦૭૩ કરોડ થઈ હતી. જેમાં એક એપ્રિલથી ૨૪ ડિસેમ્બર સુધી રૂા.૭૮૬ કરોડ મનપાની તિજાેરીમાં થયા હતા. જેની સામે ૨૦૨૦-૨૧માં ૨૪ ડિસેમ્બર સુધી મિલ્કતવેરા પેટે રૂા.૭૧૨.૩૧ કરોડની આવક મળી છે. આમ, ગત નાણાંકીય વર્ષની સરખામણીએ રૂા.૭૩ કરોડ ઓછા મળ્યા છે. પરંતુ ૩૧ જાન્યુઆરી સુધી રેીબેટ યોજના જાહેર કરવામાં આવી હોવાથી આવક સરભર થવાની શક્યતા રહે છે. મ્યુનિ.કોર્પાેરેશનની વ્યવસાયવેરા આવકમાં પણ સામાન્ય ઘટાડો થયો છે. ગત નાણાંકીય વર્ષમાં ૨૪ ડિસેમ્બર સુધી રૂા.૧૪૧.૪૪ કરોડની આવક થઈ હતી. જેની સામે ૨૦૨૦-૨૧માં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૧૨૩.૫૨ કરોડી આવક થઈ છે. જ્યારે વાહનવેરાની આવકમાં પણ રૂા.આઠ કરોડનો ઘટાડો થયો છે. ૨૦૧૯-૨૦માં પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂા.૧૩૪૦ કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ૨૪ ડિસેમ્બર સુધી રૂા.૮૯૧.૧૯ કરોડની આવક થઈ છે.
મ્યુનિ.કોર્પાેરેશનના બજેટમાં મિલ્કતવેરા પેટે રૂા.૧૨૦૦ કરોડની આવકનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જેની સામે રૂા.૭૧૨.૩૧ કરોડની આવક થઈ છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ૧૦૦ ટકા આવક થવાની શક્યતા ઓછી છે. તેથી રીવાઈઝ્ડ બજેટમાં અંદાજિત આવકમાં ૧૫ ટકાનો ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.