સુશાંત કેસમાં જલ્દી પડદો ઉઠાવવા સીબીઆઈને અપીલ
મુંબઈ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે સીબીઆઈને ભલામણ કરી છે કે, તેઓ જલદી એ વાત પરથી પડદો ઉઠાવે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી.
અનિલ દેશમુખે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસના તપાસ રિપોર્ટના તારણો જલદી જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે, તપાસ શરૂ થયે ૫ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સીબીઆઈએ હજુ પણ એ ખુલાસો કર્યો નથી કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ કે તેમણે આત્મહત્યા કરી?
અત્રે જણાવવાનું કે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI તપાસ અંગે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી હતી. આ જનહિત અરજીમાં સુશાંત મામલે સીબીઆઈ પાસે સ્ટેટસ રિપોર્ટ લેવાની માગણી કરાઈ હતી.