Western Times News

Gujarati News

કોરોના મહામારીમાં રક્તદાનનું અનેરું મહત્ત્વ રહેલું છે- નીતીન  પટેલ

બાવળા રક્તદાન શિબિર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ- રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ સંલગ્ન અનેકવિધ જન સુખકારી પગલાઓ ભર્યા છે

કોરોનાની સંવેદનશીલ મહામારીમાં રક્તદાનનું મહત્વ સમજાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે કોરોનાવાયરસની સંવેદનશીલતા વચ્ચે રક્તદાન અતિ મહત્વનું બની રહે છે.તેઓએ ઉમેર્યુ કે એક વ્યક્તિએ કરેલું  રક્તદાન  પાંચ થી છ  વ્યક્તિના જીવ બચાવવાની સાથે અન્ય સ્વાસ્થ્ય બાબતોમાં ઉપયોગી બની રહે છે.

નીતિનભાઇ પટેલે જણાવ્યું કે ૧ યુનિટ રક્તદાનનું લેબમાં અત્યાધુનિક મશીનરી દ્વારા પૃથક્કરણ કરી વિવિધ તત્વો છૂટા પાડી દર્દીની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

નીતિનભાઇ પટેલે  અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડબેંક દ્વારા સમયાંતરે રાજ્યના વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું કે, અમદાવાદ સિવિલમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી  અત્યંત મોંઘી અને આધુનિક સુવિધાઓયુક્ત મશીનરી દ્વારા આ રક્તનું વિવિધ ભાગોમાં પૃથક્કરણ કરીને વધુમાં વધુ લોકોને ઉપયોગી થઇ શકે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં કોરોના કાળમાં નાગરિકો અને કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ અનેકવિધ સ્વાસ્થ્ય લગતી સુવિધાઓ વિશે માહિતી આપી હતી.

“રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન” તેમ જણાવતાં નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે “ગુજરાતીઓ શિક્ષણ, આરોગ્ય,અન્નદાન, જેવા વિવિધ ક્ષેત્રે દેશભરમાં મોખરે છે.ત્યારે ચક્ષુદાન, કિડની દાન જેવા વિવિધ અંગદાન અને રક્તદાનના ક્ષેત્રોમાં પણ મહાદાન કરીને ગુજરાતીઓ હર હંમેશા અગ્રેસર રહ્યા છે.

આકસ્મિક સંજોગોમાં દર્દી માટે એક યુનિટ રક્ત પણ અતિ મહત્વનું અને જીવ બચાવનાર બની રહે છે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.સ્વાસ્થ્ય સારવાર માટેની દવા ઇન્જેક્શનને લેબમાં બનાવી શકાય છે પરંતુ રક્ત કોઈપણ લેબમાં તૈયાર ન થતું હોવાનું અને કુદરતી રીતે જ ઉપલબ્ધ હોવાથી તેનું દાન અતિ મહત્વનું બની રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા મા કાર્ડ અને કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા રાજ્યના  નાગરિકોને સ્વાસ્થ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું.

જ્યાં અન્ય દેશોમાં કોરોના ટેસ્ટ કરાવવા છ થી આઠ કલાક રાહ જોવી પડે છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહાનગરો તેમજ ગ્રામ્ય ક્ષેત્રે ઠેર-ઠેર વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ બૂથ કાર્યરત કરવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક અને અમદાવાદ સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા બાવળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન કરીને સેવા ધર્મ નિભાવી રહેલા રક્તદાતાઓની રૂબરૂ મુલાકાત લઈને તેમની સ્વાસ્થ્ય સુખાકારી માટે શ્રી નીતિનભાઇ પટેલે શુભેચ્છા પાઠવી હતી.  આ પ્રસંગે હોમગાર્ડ જવાનો દ્વારા પણ રક્તદાન શિબિરમાં ભાગ લઈને  જનઉપયોગી રક્તદાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં  ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, બાવળા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકાના અગ્રણીઓ, મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો જુસ્સો વધાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.