નેગેટિવ રિપોર્ટ બાદ પણ મ્યુનિસિપલ કર્મચારીનું મોત
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો અંકુશમાં આવી ગયા હોય પરંતુ કોરોનાથી થનારા મૃત્યુ હજુ અટકી રહ્યા નથી. નેગેટિવ કોરોના રિપોર્ટ બાદ પણ મ્યુનિ.ના ટેક્સ ખાતાના એક કર્મચારીનું કોરોનાથી નિધન થઈ ગયું.
મ્યુનિ. કર્મચારી આલમમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, ટેક્સ ખાતાના વેલ્યુએશન વિભાગમાં જૂનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કૌશલ ભાવસારને પાછલા મહિનાની શરૂઆતમાં કોરોના થતા ૮ નવેમ્બરે એસવીપી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. અહીં સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી.
ઘરે આવ્યા બાદ કૌશલભાઈની સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થવા લાગી અને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી. એવામાં ૧૨મી ડિસેમ્બરે તેમને ફરી નારણપુરાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયા અને વેન્ટીલેટર પર રખાયા હતા. જાેકે ૨૭મી ડિસેમ્બરે તેમનું અવસાન થઈ ગયું.
એવામાં વધુ એક કર્મચારીનું કોરોનાથી નિધન થઈ જતા મ્યુનિ.કર્મચારી આલમમાં ભય સાથે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. એવામાં ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમિતાના આગેવાન તથા પૂર્વ કર્મચારી પૂનમ પરમાર અને પીયૂષ પરદેશીએ કર્મચારીઓના કોરોના સંક્રમિત થવા મુદ્દે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
તેમના કહેવા મુજબ, ટેક્સના બિલો વિતરણ કરવાની કામગીરી ટાળવા અમે અનુરોધ કર્યો હતો તેમ છતાં બિલો વહેંચવા નીકળેલા અને કર્મચારીઓને કોરોના થઈ ગયો. ઉત્તર ઝોનની ઓફિસના સુપ્રિટેન્ડન્ટ નટુભાઈ ભીલ પણ હાલ જ કોરોનાથી સાજા થયા છે,
પરંતુ તેમની તબિયત સારી નથી, તેઓને વધારે બોલવા કે સીડી ચડવામાં તકલીફ પડે છે. એવામાં સામાન્ય નાગરિકો પણ કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી વિવિધ પ્રકારની બીમારીથી તબિયત ખરાબ થતી હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે બીજી બાજું મ્યુનિ.ના ચોપડે શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસો ઘટી રહ્યા છે. હવે દરરોજ ૨૦૦થી ઓછા કેસ નોંધાય છે પરંતુ જે દર્દીઓ ગંભીર છે તેમના રોજ સરેરાશ ૩-૪ મોત થઈ રહ્યા છે. હાલમાં શહેરમાં કુલ ૨૪૫૮ કેસ એક્ટિવ છે.