કોરોનામાં ૭૧થી ૮૦ વર્ષની વયજૂથમાં મૃત્યુ દર સૌથી વધુ
૬૦થી ઓછી વયમાં કેસની સંખ્યા વધુઃ 21થી 30માં મૃત્યુદર સૌથી ઓછો
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સામાન્ય રીતે ડાયાબીટીસ, કીડની, કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓ તથા ૬૦ કે તેથી વધુ વયના નાગરીકોને કોરોનાની અસર ઝડપથી થતી હોય છે. પરંતુ અમદાવાદ શહરેરમાં નાની ઉંમરના નાગરીકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે.
ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલ કુલ કેસના ૭૫ ટકા લોકોની ઉંમર ૬૦ વર્ષથી ઓછી હતી. જ્યારે ૫૬ ટકા દર્દીઓની ઉંમર ૫૦ વર્ષથી પણ ઓછી હતી. તેવી જ રીતે કોરોનાના કારણે મૃત્યુ થયેલ દર્દીઓમાં સંખ્યા અને ટકાવારીમાં ૬૧થી ૧૦૦ વર્ષની વયજૂથનું પ્રમાણ વધુ જાેવા મળ્યું છે.
સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના ૫૬૨૬૯ કેસ અને ૨૧૦૬ મરણ નોંધાયા છે. જે પૈકી ૦૧થી ૫૦ વર્ષની વયજૂથમાં ૨૫૮૧૯ કેસ નોંધાયા છે. જે કુલ કેસના લગભગ ૫૬ ટકા જેટલા થાય છે. ૦૧થી ૫૦ વર્ષની વયજૂથમાં ૩૬૫ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જેની ટકાવારી માત્ર ૧.૪૧ ટકા થાય છે. ૨૧થી ૩૦ વર્ષના જૂથમાં કોરોનાના ૬૫૯૫ કેસ કન્ફર્મ થયા છે. તેમજ ૨૧ દર્દીના મૃત્યુ થયા છે.
આમ, ૨૧થી ૩૦ વર્ષના વયજૂથમાં મૃત્યુની ટકાવારી માત્ર ૦.૩૧ ટકા રહી છે. જે સૌથી ઓછી છે. જ્યારે ૫૧થી ૬૦ વર્ષના જૂથમાં સૌથી વધુ ૯૦૦૬ કેસ નોંધાયા છે. જે પૈકી ૫૯૦ દર્દીના મૃત્યુ થયા છે. ૫૧થી ૬૦ વર્ષના ગ્રુપમાં મૃત્યુ ટકાવારી ૬.૫૫ થાય છે. કોરોનાના કારણે સૌથી વધુ ૬૬૯ દર્દીના મૃત્યુ ૬૧થી ૭૦ વર્ષના વયજૂથમાં નોંધાયા છે.
જ્યારે આ જૂથમાં ૭૩૦૨ કેસ કન્ફર્મ થયા છે. ૬૧થી ૬૦ વર્ષના વયજૂથમાં મૃત્યુદર ૯.૧૬ ટકા રહ્યો છે. જ્યારે સૌથી ઉંચો મૃત્યુદર ૭૧થી ૮૦ વર્ષના ગ્રુપમાં રહ્યો છે. આ ગ્રુપમાં ૩૩૮૬ કેસ સામે ૩૮૩ દર્દીના મૃત્યુ થયા છે. જેમાં મૃત્યુદર ૧૧.૩૧ ટકા થાય છે. શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી ૨૧૦૬ મૃત્યુ નોંધાયા છે. જે પૈકી ૮૨.૬૬ ટકા મૃત્યુ ૫૦થી ૧૦૦ વર્ષના વયજૂથમાં નોંધાયા છે. જ્યારે ૬૦થી ૧૦૦ વર્ષના ગ્રુપમાં કુલ કેસના ૨૪-૨૫ ટકા કેસ નોંધાયા છે.
૭૫ ટકા કેસમાં દર્દીઓની ઉંમર ૬૦ વર્ષ કરતા ઓછી રહી છે. જ્યારે મૃત્યુદરમાં ૫૫ ટકા દર્દીઓની ઉંમર ૬૧ વર્ષ કરતા વધારે છે. જ્યારે ૪૫ ટકા મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતા ઓછી રહી છે. એકંદરે, કોરોનામાં ૬૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓની સંખ્યા વધારે અને મૃતકોની સંખ્યા ઓછી રહી છે. જ્યારે મૃતકોમાં સીનીયર સીટીઝન્સનું પ્રમાણ વધારે રહ્યું છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહ સુધી ૩૧થી ૪૦ વર્ષના જૂથમાં ૬૪૦૦ કેસ અને ૫૯ મરણ નોંધાયા હતા. જ્યારે ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી કેસની સંખ્યા ૮૬૫૪ અને મરણની સંખ્યા ૮૫ થઇ છે. આમ, બે મહિનામાં ૩૧થી ૪૦ વર્ષના ગ્રુપમાં ૨૨૫૪ કેસ અને ૨૬ મરણ નોંધાયા છે.
જ્યારે ૫૧થી ૬૦ના વયજૂથમાં છેલ્લા બે મહિના દરમ્યાન ૧૯૩૮ કેસ ૧૪૫ મહિના દરમ્યાન ૧૯૩૮ કેસ ૧૪૫ મૃત્યુ કન્ફર્મ થયા છે. જ્યારે ૬૧થી ૭૦ વર્ષના ગ્રુપમાં બે મહિનામાં ૧૫૮૨ કેસ અને ૭૮ મૃત્યુ નોંધાયા છે. શહેરમાં દિવાળી બાદ કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. જેમાં પૂર્વ કરતા પશ્ચિમના વિસ્તારોમાંથી વધુ કેસ બહાર આવ્યા હતા.
મ્યુનિ.કોર્પાેરેશનના પશ્ચિમ ઝોનમાં જ કોરોનાના ૧૧૯૦૦ કેસ કન્ફર્મ થયા છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા નાઈટ કરફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જેના કારણે તંત્ર દ્વારા દસ જેટલી ખાનગી હાસેપિટલોને કોરોના સેવાથી મુક્ત કરવામાં આવી છે. દિવાળી બાદ કોરોના દર્દીઓને કરમસદ અને ખેડાની હોસ્પિટલોમાં દાખલ કરવાની ફરજ પડી હતી. પરંતુ હાલ, ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ઉપલબ્ધ થઈ રહ્યા છે.