દેશમાં 98 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી થઈ હોય એવું લાગી રહ્યું છે જેની સામે એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,432 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 252 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,24,303 થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 7 હજાર 569 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 24,900 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,68,581 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,153 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 28 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 16,98,01,749 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 9,83,695 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.