અમેરિકામાં નર્સને રસી લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો
યુએસના કેલિફોર્નિયામાં એક મેલ નર્સને રસી લીધાના આઠ દિવસ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો-૧૮ ડિસેમ્બરે ફાઈઝરની વેક્સિન લીધી હતી.
સાન ડિએગો: અમેરિકા, બ્રિટન સહિતના દુનિયાના ઘણા દેશોમાં કોરોનાની રસી આપવાનું શરુ થઈ ગયું છે. જાેકે, યુએસના કેલિફોર્નિયામાં એક મેલ નર્સને રસી લીધાના આઠ દિવસ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ઘટના બની છે. ઈમરજન્સી રુમ નર્સ મેથ્યૂએ ૧૮ ડિસેમ્બરે ફાઈઝરની વેક્સિન લીધી હતી.
પરંતુ ક્રિસમસની સાંજથી તેની તબિયત થોડી બગડી હતી. બે અલગ-અલગ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં જ ફરજ બજાવતા મેથ્યૂએ જણાવ્યું હતું કે તેને મસલ્સ પેઈન સાથે થાક પણ અનુભવાતો હતો. આખરે ૨૬ ડિસેમ્બરે તેણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો.
જાેકે, હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે રસી લીધા બાદ પણ કોરોના થવું સરપ્રાઈઝિંગ તો છે, પરંતુ અણધાર્યું નથી. અમેરિકાના ઈન્ફેક્શન ડિસિઝ સ્પેશિયાલિસ્ટ ડૉ. ક્રિશ્ચિયન રેમેર્સના જણાવ્યા અનુસાર, આમ થવું જરાય અણધાર્યું નથી. જાે તમે કોરોનાનો ચેપ ધરાવતી કોઈ વ્યક્તિના સીધા સંપર્કમાં આવો તો આવું થઈ શકે છે.
મેથ્યૂ વેક્સિન લેતા પહેલા જ કોરોનાના સંપર્કમાં આવી ચૂક્યો હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. વળી, જાે રસી લીધા બાદ પણ તે વાયરસના સંપર્કમાં આવ્યો હોય તેવું પણ શક્ય છે. કારણકે, આટલા ટૂંકા ગાળામાં રસીની અસર શરુ નથી થઈ જતી. વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલના ડેટાને ટાંકતા ડૉ. ક્રિશ્ચિયને એમ પણ કહ્યું હતું કે રસી લીધા બાદ ૧૦-૧૪ દિવસ પછી તેની અસર થવાનું શરુ થાય છે. વેક્સિન લીધા બાદ પણ હેલ્થ વર્કર્સને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા બીજા પણ કેટલાક કેસ અત્યારસુધી સામે આવી ચૂક્યા છે.
રસીનો પહેલો ડોઝ ૫૦ ટકા સુધીનું પ્રોટેક્શન આપે છે, અને બીજાે ડોઝ લીધા બાદ આ લેવલ ૯૫ ટકા સુધી પહોંચે છે. અમેરિકાની સરકાર ૨૦૨૧ના મધ્ય સુધીમાં જ તમામ નાગરિકોને રસી આપી દેવા માગે છે. જાેકે, રસીકરણનો અમલ ઘણો ધીમો થઈ રહ્યો હોવાના અહેવાલોમાં એવા દાવા પણ કરાઈ રહ્યા છે કે,
જાે આ જ ગતિએ વેક્સિનેશન ચાલતું રહ્યું તો તમામ અમેરિકનોને ડોઝ આપવામાં ૧૦ વર્ષ જેટલો સમય નીકળી જશે. અમેરિકાને આ મહિને જ રસીના ૧૧.૪ મિલિયન ડોઝ મળ્યા છે, પરંતુ ૨૮ ડિસેમ્બર સુધીમાં માત્ર ૨૧ લાખ અમેરિકનોને જ રસી આપી શકાઈ હતી. અમેરિકાની કુલ વસ્તી ૩૦.૩ કરોડ છે.