Western Times News

Gujarati News

ધોરણ ૩ થી ૮ માં એકમ કસોટીનો પ્રારંભ કરાયો

પ્રતિકાત્મક

ગાંધીનગર: શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩થી૮માં આજથી (બુધવાર) એકમ કસોટીનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારી એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિત વિષયની પરીક્ષા થશે. આ માટેના પ્રશ્નપત્રો વેબસાઈટ પર મૂકી દેવાયા છે. ઉપરાંત શાળાઓ દ્વારા પણ વાલીઓને સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં પ્રશ્નપત્રો મોકલી અપાયા છે.

અગાઉ શિક્ષણ વિભાગે ૪ એકમ કસોટી યોજી હતી અને ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરાયું છે. જે સ્કૂલો નાતાલનું વેકેશન આપતી હોય તે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે, તેવી સૂચના પણ અપાઈ છે. રાજ્યમાં કોરોનાના કહેરને પગલે શૈક્ષણિક કાર્ય બંધ કરાયા બાદ હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે.

ઓનલાઈન શિક્ષણ દ્વારા બાળકો કેટલું શીખે છે તેની ચકાસણી કરવા માટે સરકારી શાળાની સાથે ખાનગી સ્કૂલોમાં પણ એકમ કસોટી લેવાનો ર્નિણય કરાયો હતો.

જેના અનુસંધાને જુલાઈ મહિનાથી ધોરણ ૩થી ૮માં એકમ કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર મહિને યોજાતી એકમ કસોટીમાં વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. અત્યાર સુધી શિક્ષણ વિભાગે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન ૪ એકમ કસોટી યોજી હતી. હવે ડિસેમ્બર માસમાં ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું છે. જે મુજબ બુધવાર અને ગુરુવારે કસોટી લેવાશે. પરીક્ષા માટેના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ સુધી મંગળવારે પહોંચી દેવાયા છે.

આ સિવાય વેબસાઈટ પર પણ પ્રશ્નપત્રો મૂકવામાં આવ્યા છે. ગુજરાતી અને ગણિત વિષયની આ પરીક્ષા બાદ વાલીઓએ ૬ જાન્યુઆરી સુધીમાં ઉત્તરવહી શાળામાં જમા કરાવવાની રહેશે. મતલબ કે પરીક્ષા પૂરી થયા પછી પણ ઉત્તરવહી જમા કરાવવા માટે વાલીઓને ૬ દિવસનો સમય અપાયો છે.

જે સ્કૂલો ડિસેમ્બરના અંતમાં ક્રિસમસ વેકેશન ગોઠવે છે તે એકમ કસોટીના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. આ સ્કૂલોએ પણ ૬ જાન્યુઆરી સુધીમાં એકમ કસોટીની ઉત્તરવહીઓ મળી જાય તે રીતે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.