રીક્ષા ચાલકને મસાલા લેવા મોકલી મુસાફર અઢી લાખ રૂપિયા ચોરી ગયો
પોતાની લોન ભરવાના રૂપિયા ચાલકે રીક્ષાની ડેકીમાં મુક્યા હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાલમાં રહેતા એક રીક્ષા ચાલક પોતાના લોનના હપ્તા ભરવા માટે રૂપિયા અઢી લાખ લઈને ઘરેથી નીકળ્યા હતા દરમિયાન પાલડી જવા માટે બેસેલા મુસાફરે તેમને પોતાના પિતાના મસાલા માટે મોકલ્યા હતા રીક્ષા ચાલક મસાલા લઈને પરત આવ્યા એ દરમિયાન મુસાફર તેમના અઢી લાખ રૂપિયા ભરેલી થેલી લઈને રફુચક્કર થઈ ગયો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે વિનોદભાઈ મોદી (પ૪) વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે અને રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે મંગળવારે સવારે તેમને બાપા સીતારામ ચોક વસ્ત્રાલ ખાતે એક શખ્સ મળ્યો હતો જેણે પાલડી પાર્સલ લેવા જઈને પરત આવવાનું છે તેમ કહી વિનોદભાઈનો ફોન નંબર લીધો હતો. દરમિયાન વિનોદભાઈ પોતાના ઘરે જઈ ટીફીન તથા બેંક લોન પેટે ભરવાની રૂપિયા અઢી લાખની રોકડ લઈને બહાર નીકળ્યા હતા અને અજાણ્યા શખ્સે ફોન કરતા તેને જીવન રેસીડેન્સી આગળથી લઈ પાલડી આવવા નીકળ્યા હતા જયાં અનીલકુંજ કોમ્પલેક્ષ આગળ રીક્ષા ઉભી રખાવી વિનોદભાઈને પોતાના પિતા માટે મસાલો લેવા મોકલ્યા હતા તે મસાલો લઈ પરત ફર્યાં ત્યાં સુધીમાં અજાણ્યો શખ્સ રીક્ષાની ડેકીમાંથી અઢી લાખની રોકડ લઈ ફરાર થઈ ગયો હોત. આ અંગે હાજર સિક્યુરીટીની પૂછપરછ કરતાં તેણે એક ભાઈ થેલી લઈ પાલડી ચાર રસ્તા બાજુ ગયેલ છે તેમ કહયું હતું જેથી વિનોદભાઈએ તુરંત કંટ્રોલ રૂમમાં ચોરી અંગેની જાણ કરી હતી. એલીસબ્રીજ પોલીસે પાલડી ચાર રસ્તા તથા નજીકની દુકાનોના સીસીટીવી કુટેજ મેળવીને ચોરની શોધખોળ હાથ ધરી છે.