ઇંગ્લેન્ડમાં યુવકને વધારે પાણી પીવાને કારણે સ્થિતિ ગંભીર, ICUમાં દાખલ
નવી દિલ્હી: કોઈ પણ જીવંત પ્રાણીના અસ્તિત્વ માટે કેટલું પાણી જરૂરી છે તે કહેવાની જરૂર નથી. જરૂરિયાત વગરની કોઈ પણ વસ્તુ નુકસાન કારક હોય છે તે પાણીને પણ લાગુ પડે છે. તાજેતરમાં આવી જ સ્થિતિ જાેવા મળી હતી
જ્યારે ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિને વધારે પાણી પીવાને કારણે તેની સ્થિતિ ગંભીર બની ગઈ. ૩૪ વર્ષીય લ્યુક વિલિયમસન તેમના પરિવાર સાથે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં રહે છે. બ્રિટનમાં પ્રથમ લોકડાઉન સમયે લ્યુકને લાગ્યું કે તે કોરોના પોઝિટિવ બની ગયો છે અને લાગ્યું કે જાે તે તેની પાણીની માત્રાને બમણી કરશે તો તે આ રોગને હરાવવા માટે સક્ષમ હશે.
સામાન્ય મનુષ્યને દરરોજ એકથી બે લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જાેકે લ્યુકે તેના પાણીની માત્રા ૪-૫ લિટર સુધી વધારી દીધી. જેના કારણે તેના શરીરમાં સોડિયમનું સ્તર જાેખમી રીતે ઓછું થઈ ગયું. આજ કારણે તેની હાલત ગંભીર બની ગઈ.
આ વિશે વાત કરતાં લ્યુકની પત્નીએ કહ્યું કે તેઓ સાંજે ન્હાવા ગયા હતા અને અચાનક બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાં લોકડાઉન હોવાથી હું મારા કોઈ પાડોશીની મદદ લઇ શકી નહીં. જ્યારે મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો ત્યારે તે ૪૫ મિનિટ પછી આવી પણ આ એમ્બ્યુલન્સના આગમનના ૨૦ મિનિટ પહેલા સુધી લ્યુક બેભાન હતો અને કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપી રહ્યો ન હતો,
જેના કારણે હું ખૂબ તણાવમાં હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે અમે ડોકટરો પાસે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે તે ઘણા દિવસોથી વધારે પાણી પી રહ્યો છે, જેના કારણે તેમના શરીરમાં મીઠાની માત્રા ખૂબ ઓછી હતી અને આ કારણે લ્યુકની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે. તેને આઈસીયુમાં વેન્ટિલેટર પર બે-ત્રણ દિવસ રાખવામાં આવ્યો. હોસ્પિટલનો સ્ટાફ ઉત્તમ હતો. તેમણે કેટલાક ટેસ્ટ કર્યા અને તેની ઇલેક્ટ્રોલાઇટ્સ સુધારી. લ્યુક હવે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.