Western Times News

Gujarati News

ટાટા કેમિકલ્સે  ‘શ્રી દરબારી સેઠ સ્કોલરશિપ’ની જાહેરાત કરી

આ સ્કોલરશિપ રસાયણશાસ્ત્ર અને કેમિકલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પ્રદાન કરશે

મીઠાપુર, ટાટા કેમિકલ્સ વિજ્ઞાન થકી સમાજની સેવા કરવા અને ગ્રાહકો માટે મૂલ્ય પ્રદાન કરવા સતત ઇનોવેશનની ક્ષમતા ધરાવે છે. આ વિઝને મિડાસ ટચ ધરાવતી વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ શ્રી દરબારી એસ સેઠના નેતૃત્વમાં દાયકાઓ અગાઉ આકાર લીધો હતો. તેમની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા ટાટા કેમિકલ્સે આજે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પ્રદાન કરવા એક સ્કોલરશિપની જાહેરાત કરી હતી.

સમાન તકો માટે વાતાવરણ ઊભું કરવા શ્રી દરબારી સેઠ સ્કોલરશિપ ઓખામંડળના રહેવાસી વિદ્યાર્થીઓ, ટાટા કેમિકલ્સના કર્મચારીઓના સંતાનો અને કંપનીની ડાઇવર્સિટીની નીતિમાં ફોકસ સેગમેન્ટ સાથે સંબંધિત વિદ્યાર્થીઓને મળશે. ડાઇવર્સિટીની નીતિમાં ફોકસ સેગમેન્ટમાં ચોક્કસ જાતિ, વંચિત સમુદાયો અને દિવ્યાંગ વ્યક્તિઓ સામેલ છે.

આ ઉજવણીમાં ટાટા કેમિકલ્સના પૂર્વ કર્મચારીઓ એકમંચ પર આવ્યાં હતાં – જેમાં મોહન વડગામા, ઇસ્માઇલ મોમિન, ગણપતિ એસ, ગોપાલ પ્રભુણે, હરિશ ભાટ, અનિલ વૈદ્ય, વિવેક તલવાર અને લતા વાસન સામેલ હતા. તેમણે શ્રી દરબારી સેઠના માર્ગદર્શન હેઠળ કામ કરવાના તેમના અનુભવો જણાવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ટાટા કેમિકલ્સના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓએ હાજરી આપી હતી.

ટાટા કેમિકલ્સના એમડી અને સીઇઓ શ્રી આર મુકુન્દને મહાન લીડર સાથે કામ કરવાનો અનુભવ વહેંચ્યો હતો. તેમણે સેઠને ટેકનોક્રેટ અને માનવીય સ્પર્શની ક્ષમતાને સમજનાર વ્યક્તિ ગણાવ્યાં હતાં. શ્રી મુકુન્દને જણાવ્યું હતું કે, તેમને શ્રી સેઠની કટિબદ્ધતા અને ઉત્કૃષ્ટ નૈતિકતા દ્વારા કેવી રીતે પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રી સેઠ વિના વિના મીઠાપુર અધૂરું છે.

ટાટા કેમિકલ્સ લિમિટેડ, મીઠાપુરના વાઇસ પ્રેસિડન્ટ (મેનુફેક્ચરિંગ) શ્રી એન કામથે કહ્યું હતું કે, “શ્રી દરબારી સેઠએ ટાટા કેમિકલ્સને ભવિષ્યલક્ષી કંપની, ટેકનોલોજી દ્વારા સંચાલિત કંપની અને યોગ્ય પ્રતિભા ધરાવતી કંપની તરીકે બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું.

શ્રી દરબારી સેઠ સ્કોલરશિપ એમના વારસાને આગળ વધારશે અને સમાજના તમામ વર્ગોને સમાન તક પ્રદાન કરશે. ટાટા કેમિકલ્સ આઠ દાયકાની સફરમાં ઉત્પાદનમાંથી વિજ્ઞાન અને ઇનોવેશન સંચાલિત કંપની બની ગઈ છે તથા ઇનોવેશન, ડિજિટલાઇઝેશન અને સસ્ટેઇનેબિલિટી દ્વારા મૂલ્યોને આગળ વધારવાનું જાળવી રાખશે.”

સીઇઓ તરીકે ગ્રૂપના પ્રથમ આરએન્ડડી મેનેજર શ્રી દરબારી સેઠ અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનીયર હતા. તેમણે જેઆરડી ટાટા સાથે કેટલાંક વર્ષ કામ કર્યું હતું તથા તેમના નીતિમત્તા અને ભવિષ્યલક્ષી વિઝન માટે જાણીતા હતા. તેઓ ટાટા ગ્રૂપની જે કંપનીઓ સાથે જોડાયેલા હતા એમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો અને તેમની વ્યાવસાયિક કુનેહને કારણે તમામ કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરની બની ગઈ છે.

મીઠાપુરમાં સૂકી જમીનને ગંગોત્રીમાં પરિવર્તન કરનાર શ્રી દરબારીએ તેમના કરિશ્માઈ વ્યક્તિત્વને બળે ઉજ્જવળ અને પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય માટે આગવો ચીલો ચાતરવા ટાટા કેમિકલ્સને પ્રેરિત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.