એસ.ટી.માં નવી 1000 બસ જૂન મહિનાથી પેસેન્જર-મૂસાફરોની સેવામાં મૂકાશે
સ્વચ્છ-પર્યાવરણપ્રિય પરિવહન સેવા માટે પ૦ ઇલેકટ્રીક બસ ઇ-બસ એસ.ટી સેવામાં જોડવામાં આવશે
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પાંચ બસમથકો ૧ એસ.ટી વર્કશોપ-નવા નિર્માણ થનારા ૧૦ બસમથકોના ઇ-લોકાર્પણ-ખાતમૂહર્ત વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કર્યા
‘સારી બસ – સારી સેવા’ના સૂત્ર સાથે બસમથકોને એરપોર્ટ જેવા આધુનિક બસપોર્ટ બનાવ્યા છે
રોજની ૪પ હજાર ટ્રિપમાંથી ૩૦ હજાર ગામડાઓમાં જાય છે
લગ્ન પ્રસંગોએ રાહત દરે બસ સેવા જેવા સમયાનુકૂલ પરિવર્તન સાથે એસ.ટી સેવાઓ સામાન્ય માનવી-ગરીબ-જરૂરતમંદ વ્યક્તિઓ માટે સરળ સુરક્ષિત સસ્તા પરિવહનનો વિકલ્પ બની છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નૂતનવર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસે રાજ્યના સામાન્ય માનવી, નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ આપતાં જાહેર કર્યુ છે કે જાહેર પરિવહન સેવા માટે રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, એસ.ટી. કોર્પોરેશન નવી ૧ હજાર બસોની ખરીદી કરશે.
આ ૧૦૦૦ બસ આગામી જૂન મહિનાથી રાજ્યના મુસાફરોની સેવામાં કાર્યરત થઇ જશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યુ હતું. આ નવી ૧૦૦૦ બસ અદ્યતન ટેકનોલોજી BS-6 થી સજ્જ હશે જેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં એમ પણ જાહેર કર્યુ કે, નાગરિકો-મુસાફરો માટે સ્વચ્છ પર્યાવરણપ્રિય પરિવહન સેવામાં એસ.ટી. નિગમ નવી પ૦ ઇલેકટ્રીક બસ પણ આ વર્ષે મૂકશે.
મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તલોદ, સિદ્ધપૂર, અંકલેશ્વર, ચુડા અને દિયોદરમાં કુલ રૂ. ૧ર.૮૯ કરોડના ખર્ચે નવનિર્મિત પાંચ બસ મથકો, ઊનામાં રૂ. ર.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
તેમણે આ લોકાર્પણ સાથોસાથ રાજ્યમાં ૧૦ સ્થળો વસઇ, કોટડાસાંગાણી, ભાણવડ, મહુવા, તુલસીશ્યામ, ધાનપૂર, કેવડીયા કોલોની, સરા, કલ્યાણપૂર અને ટંકારા ખાતે કુલ રૂ. ૧૮.૪૧ કરોડના ખર્ચે નિર્માણ થનારા નવિન બસ મથકોને ઇ-ખાતમૂર્હત વિધિ પણ સંપન્ન કરી હતી. ર૦ર૧ના નૂતન વર્ષના પ્રથમ દિવસે જ સમગ્રતયા રૂ. ૩૩.૬૬ કરોડના જનસેવા પ્રકલ્પો મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય માનવી, મુસાફર જનતાની સેવા માટે ભેટ ધર્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ અવસરે મહેસાણા જિલ્લાના વસઇથી તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત સ્થળોએથી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં પાછલા બે દાયકાથી શિક્ષણ, આરોગ્ય, પાણી પૂરવઠા તેમજ જિલ્લા કચેરીઓમાં વર્કકલ્ચર-કાર્યસંસ્કૃતિમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ લાવીને સામાન્ય ગરીબ વંચિત માનવી કેન્દ્રી સેવાઓ વિકસાવી છે.
વાહનવ્યવહાર-બંદરોના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાની, એસ.ટી. નિગમના વહિવટી સંચાલક શ્રી એસ. જે. હૈદર, જનરલ મેનેજર શ્રી વાળા વગેરે આ અવસરે ગાંધીનગરથી જોડાયા હતા. વહીવટી સંચાલક શ્રી હૈદરે સ્વાગત પ્રવચનમાં નિગમની સર્વગ્રાહી કામગીરીનું વિવરણ કર્યુ હતું.
કલેકટર કચેરીઓ કે પંચાયત કચેરીઓને સેવાસદન તરીકે પ્રસ્થાપિત કરી કોર્પોરેટ લૂક જેવું વર્ક એન્વાયરમેન્ટ ઊભું કર્યુ છે. આ બદલાવનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળે છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. વિજયભાઇ રૂપાણીએ આ જ સંદર્ભમાં માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.ની સેવાઓમાં પણ ધરમૂળથી પરિવર્તન લાવવામાં આવ્યું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભૂતકાળમાં અગાઉ બસો જર્જરિત હાલતમાં હોય, એસ.ટી. બસ મથકોની સ્થિતી પણ ભંગાર જેવી હોય, એસ.ટી બસના આવવા-જવાના કોઇ સમય નિર્ધારીત ન હોય તેવી પરિસ્થિતી હતી. ‘‘પાછલા બે દાયકામાં આપણે સારી બસ-સારી સેવા’ના સૂત્ર સાથે આગળ વધ્યા છીયે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હવે રાજ્યના બસમથકોને બસપોર્ટ બનાવ્યા છે. પેસેન્જર એમીનીટીઝ અદ્યતન ઊભી કરીને આરામદાયક એરકન્ડીશન્ડ વેઇટીંગ રૂમ્સ, વૃદ્ધો-જરૂરતમંદો માટે વ્હીલચેર, સામાન વહન કરવા ટ્રોલી અને પ્રતિષ્ઠિત ઉત્પાદનો-વેચાણોના સ્ટોલ્સ સાથે બસ મથકોને એરપોર્ટ જેવા બનાવી દીધા છે.
વિજયભાઇ રૂપાણીએ નૂતનવર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસને રાજ્યની સામાન્ય જનતા જનાર્દન, ગરીબ-મધ્યમવર્ગીય લોકોના સુવિધા-સુખાકારીના કામોનો દિવસ ગણાવતાં કહ્યું કે, અમારા માટે એસ.ટી એ સેવાનું સાધન છે. નફો કે લાભ લેવાની વૃત્તિનું માધ્યમ નથી. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, એસ.ટી સેવાઓનો હેતુ નૂકશાની વેઠીને પણ રાજ્યના સામાન્ય માનવી, ગામડાના દૂર-દરાજના વ્યક્તિને સારી-સસ્તી પરિવહન સેવા આપવાનો છે.
તેમણે કહ્યું કે, ગુજરાત એસ.ટી નિગમ રોજની ૪પ હજારથી વધુ ટ્રિપના સંચાલનમાંથી ૩૦ હજાર ગામોમાં કરવામાં આવે છે અને દરેક ગામને ઓછામાં ઓછી રોજની બે ટ્રિપ મળે તેવું આયોજન કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી પ્રજાની સેવા માટેનું સાધન છે અને વિદ્યાર્થીઓ, વૃદ્ધો, દિવ્યાંગોને કન્સેશન-રાહત સેવા આપવા સાથે ગરીબ-જરૂરતમંદ લોકોને લગ્ન જેવા પ્રસંગોમાં રાહત દરે બસ આપવાની સગવડો લોકસેવાનો શ્રેષ્ઠ વિકલ્પ બની છે તેમ પણ ઉમેર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ એસ.ટી સેવાઓ કુદરતી આપત્તિઓ પૂર, વાવાઝોડા, કોરોના સંક્રમણ વગેરેમાં પણ લોકોને સલામત સ્થળે પહોચાડવા તેમજ જરૂરી સેવા-સુવિધા માટે ખડેપગે રહે છે તેની પ્રસંશા કરી હતી.
તેમણે કહ્યું કે, આ સરકારે એસ.ટી ની સેવાઓમાં પણ સમયાનુકૂલ પરિવર્તન લાવીને પેસેન્જર સેન્ટ્રીક બનાવી છે. એસ.ટી બસોમાં વોલ્વો, સ્લીપર કોચ, મિની બસ તેમજ ચોક્કસ સમયપત્રક મુજબ સંચાલન માટે GPS સિસ્ટમ પણ એસ.ટી બસોમાં કાર્યરત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ લોકોને-નાગરિકોને વધુ સારો સુવિધાસભર, સલામત અને સરળ સસ્તો યાતાયાત વિકલ્પ રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસો બનીને હરતી ફરતી સરકારની જનહિત છબિ રૂપ છે તેમ પણ આ વેળાએ ઉમેર્યુ હતું.