મહુવામાં રજકો વાઢતા ખેડૂત ઉપર સિંહ ત્રાટક્યો
મહુવા, ગીરના સિંહોએ પોતાના વિસ્તારનો જેમ જેમ વ્યાપ વધાર્યો છે તેમ તેમ ખેડૂતો પર હુમલાના બનાવો વધી રહ્યા છે. ભાવનગર જિલ્લો છેલ્લા કેટલાય વર્ષોથી ગીરના સિંહોનું નવું રહેણાંક તરીકે ઊભરી આવ્યો છે પરંતુ તેની સાથે સાથે રાની પશુનાં આતંકની ઘટનાઓ વધી રહી છે.
હજુ તો સિંહના હુમલાની એક ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર મહુવા-તળાજા પંથકમાં સિંહે ખેડૂત પર હુમલો કર્યો છે. તળાજાના વાલર ગામે ખેતરમાં રજકો વાઢી રહેલા ખેડૂતને સિંહે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યો છે. જાેકે, સદનસીબે અન્ય ખેડૂતોએ હાંકોટા પાડતા સિંહ નાસી ગયો હતો અને ખેડૂતનો જીવ બચી જવા પામ્યો હતો પરંતુ ઘટનાના કારણે ખેડૂતોમાં ડરનો માહોલ છે.
બનાવની વિગત એવી છે કે વાલર ગામે અંદાજે નવ વાગ્યાના સુમારે ૨૨ વર્ષના ખેડૂત હરપાલસિંહ કનકસિંહ તેમની વાડીમાં રજકો વાઢી રહ્યા હતા. દરમિયાન પાછળ રાખેલા કપાસના ઢગલામાં સંતાયેલો સિંહ ત્રાડક્યુ હતો. સિંહે પાછળથી હુમલો કરી અને હરપાલસિંહના થાપાના ભાગે બટકું ભરી લીધુ હતું.જાેકે, સિંહને રાજદિપસિંહ, મહેન્દ્રસિંહ અને સંજયસિંહ તેમજ ભદ્રસિંહે બૂમાબૂમ કરી અને હાકોટા પાડતા સિંહના પંજામાંથી હરપાલસિંહને છોડાવવામાં સફળતા મળી હતી.