વડા પ્રધાન મોદીએ નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે વિડિયો કેાન્ફરન્સીંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવનુ્ં ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નેશનલ એટમિક ટાઇમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્યનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાને નેશનલ એન્વાયર્નમેન્ટ સ્ટાન્ડર્ડઝ્ લેબોરેટરીનો શીલાન્યાસ પણ કર્યો હતો. એટમિક ટાઇમ સ્કેલની મદદથી હવે એક સેકંડના હજારમા ભાગની ગણતરી પણ શક્ય બનશે.
આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે આપણા દેશના વિજ્ઞાનીઓ મબલખ પ્રદાન કરી રહ્યા છે. આપણને આપણા વિજ્ઞાનીઓ માટે ગૌરવ છે. નવા વર્ષમાં ભારતમાં બે કોરોના રસીને મંજૂરી મળી હતી. વિશ્વમાં ભારત અને ભારતમાં બનેલી ચીજોની શક્તિ બિરદાવાય એ રીતે આપણે કામ કરી બતાવવાનું છે. ઉત્પાદન સરકારી ક્ષેત્રમાં થયું હોય કે પ્રાઇવેટ સેક્ટરમાં થયું હોય. એની ગુણવત્તા ભરપુર રહેવી જોઇએ. એની ક્વોલિટી વૈશ્વિક ધોરણોને અનુરૂપ રહેવી જોઇએ.
વડા પ્રધાને કહ્યું કે કાઉન્સિલ ઑફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડ્સ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના વિજ્ઞાનીઓએ કૉલેજોમાં વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓ જોડે સંવાદ સાધવો જોઇએ અને કોરોના કાળના પોતાના અનુભવો તેમજ કોરોનાની રસી શોધવાના ક્ષેત્રમાં થયેલાં કામોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઇએ. આમ થાય તો વિજ્ઞાનીઓની ભાવિ પેઢી તૈયાર થાય. વિજ્ઞાનીઓની ભાવિ પેઢી તૈયાર કરવા માટે હાલના વિજ્ઞાનીઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધે એ ખૂબ જરૂરી છે.
કોન્ક્લેવમાં વડા પ્રધાને કહ્યું કે 2022માં દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂરાં કરશે. 2047માં આઝાદીનાં સો વર્ષ પૂરાં થશે. આત્મનિર્ભર ભારતના નવા સંકલ્પોને ધ્યાનમાં રાખીને આપણે નવાં ધારાધોરણ, નવા સ્ટાન્ડર્ડ્સ અને નવા બેંચમાર્ક્સ સેટ કરવાની દિશામાં આગળ વધવાનું છે.