ખેડૂતો અને સરકારની વાટાઘાટ નિષ્ફળ: ૮મીએ ફરી બેઠક થશે
નવી દિલ્હી, ચાલીસ દિવસથી દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદાઓને ખતમ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, પરંતુ સાતમાં સ્તરની આ બેઠક પણ પરિણામ વિહીન ખતમ થઇ હતી. બંને પક્ષોએ આ મુદ્દે આગામી બેઠક ૮ જાન્યુઆરીએ યોજવા પર સંમતિ બની હતી.
સોમવારે યોજાયેલી આ બેઠકમાં ખેડૂત આગેવાનો ત્રણ નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર અડગ રહ્યા હતા, તો સામે કેન્દ્ર સરકારે પણ કાયદાઓ રદ ન કરી એમાં સુધારાની તૈયારીઓ બતાવી હતી. આ દરમિયાન કૃષિ મંત્રી સહિત કેન્દ્રિય મંત્રીઓએ ખેડૂત આગેવાનોને અપીલ કરી હતી કે કૃષિ કાયદાઓમાં સુધારાને માન્ય રાખે. ખેડૂત આંદોલન અને કેન્દ્ર સરકાર માટે આ બેઠક મહત્વની હતી કારણ કે ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે, જેના સમર્થનમાં દેશના મોટા ભાગના વિપક્ષ દળો આવી ચૂક્યા છે. ખેડૂતોના આંદોલનને લઇને તેઓ સરકાર પર દબાણ ઉભુ કરવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે જેથી સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચે અને અન્નદાતાઓનું આંદોલન ખતમ થાય.
સોમવાર બેઠક શરુ થાય એ પહેલા આંદોલન દરમિયાન જીવ ગુમાવી બેઠેલા લોકો માટે બે મિનિટનો મૌન પળાયો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વર્તમાન સમયમાં ભારે વરસાદથી ઠંડીનું પ્રમાણ ખતરનાક વધી ગયું છે. એમ છતાં દિલ્હીની સિંધુ બોર્ડર સહિત અનેક બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
બેઠક પહેલા પણ ખેડૂતો આગેવાનોએ એલાન કર્યું હતું કે જાે તેમની માંગો સરકાર માન્ય નહીં રાખે તો ૬ જાન્યુઆરીએ આંદોલન તેજ કરશે. આ પહેલાની બેઠકમાં પરાળી અને વીજળીના મુદ્દાઓ પર ખેડૂતોની માંગોને સરકારે માન્ય રાખી હતી.
કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે ૪૦મો દિવસ અને મહત્વનો દિવસ છે. ખેડૂતોની સરકાર સાથે ૮મા રાઉન્ડની વાતચીત હતી. ખેડૂત નેતા વિજ્ઞાનભવનમાં ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની માગ પર અડગ હતા. મીટિંગમાં સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ૨ મિનિટનું મૌન રાખીને આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશને કહ્યું કે આજે અમે તમારી સાથે જમીશું નહીં. તમે તમારું જમો અને અમે અમારું ખાઈ લેશું.
બેઠકના પહેલાં રાઉન્ડમાં ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે તમે અમને જણાવો કે કૃષિ કાયદાને પરત લેશો કે નહીં. જેના પર નરેન્દ્રસિંહે કહ્યું હતું કે અમે ત્રણેય કાયદામાં સંશોધન માટે તૈયાર છીએ. આ ચર્ચા વચ્ચે લંચ બ્રેક લેવામાં આવ્યો હતો. મીટિંગમાં જતાં પહેલાં કૃષિમંત્રીએ કહ્યું હતું કે આજે પોઝિટિવ સોલ્યુશનની આશા છે, સાથે જ ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે સરકાર માગ નહીં સ્વીકારે તો આંદોલન ઉગ્ર થશે.SSS